1996નો સમયગાળો હતો. બર્થડે પાર્ટીનું આયોજન હતું. આ પાર્ટીમાં એક ટેલિવિઝન એડવર્ટાઈઝમેન્ટ ડિરેક્ટર હાજર હતા. આ બધાની વચ્ચે એક ડિમ્પલ ગર્લે એન્ટ્રી લીધી. તેનું નિખાલસ હાસ્ય અને ગાલ પર પડતા ખાડા જોઈને ડિરેક્ટરથી રહેવાયું નહીં ને તેમણે કહ્યું કે તમારે ઓડિશન આપવું જોઈએ. એ ડિમ્પલ ગર્લને એક બ્રાન્ડ ચોકલેટ કંપનીની ફર્સ્ટ એડવર્ટાઈઝ મળી. પછી તો સાબુ સહિતની બે-ત્રણ જાહેરોતો મળી અને ભેટો થયો ધ બ્રાન્ડ ડિરેક્ટર શેખર કપૂર સાથે. શેખર પણ તેનાથી અભિભૂત થઈ ગયા. શેખરે એક ફિલ્મના ઓડિશન માટે તેને જાણ કરી અને ભારતીય સિનેમાને મળી એક અદ્ભુત અભિનેત્રી.  

એ ડિમ્પલ ગર્લનું નામ હતું પ્રીતિ ઝિન્ટા. શેખર પ્રીટિ ઝિન્ટાની એન્ટ્રી રિતિક રોશન સાથે કરાવવાની તૈયારીમાં હતા, પણ એ ફિલ્મ કોઈ કારણોસર ક્યારેય બની જ નહીં, એટલે શેખરે નિર્માતા તરીકે પ્રીટિનો ભેટો મણિરત્નમ સાથે કરાવ્યો અને 

દિલ સે ફિલ્મમાં એન્ટ્રી કરાવી. દિલ સેમાં તો પ્રીટિના ભાગે વીસેક મિનિટ ઓનસ્ક્રીન કામ કરવાનું આવ્યું હતું, પણ એ જ વર્ષે આવેલી સોલ્જર ફિલ્મે તેના નસીબ ચમકાવી દીધા. સિનેજગત સાથેના જોડાણના પ્રીટિના ત્રણ દાયકા થવા આવ્યા, પણ તેની નામના અકબંધ છે. હા, ફિલ્મોમાં કામ કરવાનું તો લગભગ છેલ્લાં દસેક વર્ષથી બંધ જેવું જ કરી દીધું હતું. સોલ્જર, ક્યા કહના, સંઘર્ષ, દિલ ચાહતા હૈ, કલ હો ન હો, કોઈ મિલ ગયા, વીર ઝારા, સલામ નમસ્તે જેવી સક્સેસ ફિલ્મોથી પ્રીટિની ફિલ્મોગ્રાફી મજબૂત બનેલી છે.   

શાહરુખ ખાન, મણિરત્નમ, મનિષા કોઈરાલા અને છૈયા છૈયા વચ્ચે દિલ સે ફિલ્મથી પ્રીટિનું નામ લોકો ઓળખતા થયા હતા. અબ્બાસ મસ્તાનની સોલ્જર એક્શન ફિલ્મ હતી. પ્રીટિના ભાગે લીડ રોલ હતો. ફિલ્મ હિટ હતી, પણ ક્રેડિટ જોઈએ એવી મળી ન હતી. આ બે ફિલ્મોની વચ્ચે પ્રીટિએ વેંકેટેશ સાથે તેલુગુ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ પ્રેમાન્તે ઈડેરા પણ કરી હતી, પણ સાઇકોલોજિકલ હોરર સંઘર્ષ અને ક્યા કહના ફિલ્મે પ્રીટિને બેસ્ટ એક્ટ્રેસનો ટ્રેડમાર્ક મળી ગયો. સંઘર્ષ ફિલ્મમાં પ્રીટિનો ટ્રેની સીબીઆઈ ઓફિસરનો રોલ દમદાર હતો. તો કયા કહના ફિલ્મે પ્રીટિની કરિયરને સક્સેસનો બૂસ્ટર ડોઝ આપ્યો હતો. 

કુંદન શાહની આ ફિલ્મ બોક્સઓફિસ પર સરપ્રાઈઝલી કહો કે અનએક્સપેક્ટેડ સક્સેસ રહી હતી. અત્યારે તો ફિમેલ સોલો લીડ ફિલ્મ હિટ થઈ રહી છે, પણ એ વખતે અસંભવ જેવું હતું, પણ ક્યા કહના આજે પણ પ્રીટિની વન ઓફ ધ બેસ્ટ ફિલ્મ માનવામાં આવે છે. પછી તો પ્રીટિ બિગ બેનર, બિગ સ્ટાર અને બિગ બજેટ ફિલ્મની હિરોઈન બની ગઈ. એ પ્રીટિની કમબેક ફિલ્મ બટવારા હમણાં જ રિલીઝ થઈ. સની દેઓલ સાથે પ્રીટિની ઓન સ્ક્રીન કેમેસ્ટ્રી 2001ના વર્ષથી સેટ થયેલી છે. સની દેઓલ સાથે પ્રીટિએ રાજ કંવરની એક્શન થ્રિલર ફર્ઝ ફિલ્મમાં કામ કર્યું હતુ. સની સાથે એ વખતની સૌથી મોંઘી ફિલ્મ ધ હીરો લવસ્ટોરી ઓફ સ્પાયમાં લીડ એક્ટ્રેસ તરીકે સાથ આપ્યો હતો.   

બેક ટુ બેક સક્સેસ ફિલ્મોની વચ્ચે પણ પ્રીટિએ પસંદગીની ફિલ્મો કરવાનું જાળવી રાખ્યું હતું, પણ 2007ના વર્ષ પછી તેની સિલ્વર સ્ક્રીન પર પાંખી હાજરી થવા લાગી. સફળતાએ પણ સાથે છોડી દીધો હોય એવો બોક્સઓફિસ રિપોર્ટ બનવા લાગ્યો. જોકે, પછી તો ફિલ્મો જ મળવાનું બંધ થઈ ગયું કે ફિલ્મ કરવાનું બંધ કરી દીધું એ કોઈને સમજ જ ન પડી, પણ પ્રીટિએ 2008ના વર્ષમાં ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પંજાબ કિંગ્સ ટીમની માલિક બનીને લાઈમલાઈટ જાળવી લીધી. આજે સૌથી ધનાઢ્ય ટીમ પૈકીની એકની માલિક પ્રીટિ ઝિન્ટા છે. 

આઈપીએલે પ્રીટિની લોકપ્રિયતાને જાળવી રાખવાનું મોટું કામ કર્યું. પ્રીટિએ ફાઈનલી 2013ના વર્ષમાં લેખક અને નિર્માતા તરીકે ઈશ્ક ઈન પેરિસ ફિલ્મ બનાવી. સુપરફ્લોપ રહી. પ્રીટિ પાસે હવે કોઈ ખાસ વિકલ્પ બચ્યા ન હતા. લેખક, નિર્માતા અને અભિનેત્રી તરીકે ફ્લોપ થઈ અને 2018ના વર્ષમાં પ્રીટિનું કમબેક સની દેઓલે જ કરાવ્યું હતું.  

નીરજ પાઠકની સુપરફ્લોપ ફિલ્મ ભૈયાજી સુપરહિટથી પ્રીટિએ સિલ્વર સ્ક્રીન કમબેક કર્યું હતું. એ પહેલાં પ્રીટિએ અમેરિકન બિઝનેસમેન જીન ગુડઈનફ સાથે લગ્ન કરી લીધાં હતાં. પ્રીટિના કમબેક પછી પણ તેને એક પણ ફિલ્મ મળી નહીં. વન્સ અગેઈન સની દેઓલ સાથે બટવારા ફિલ્મથી જ તેના કમબેકનું કમબેક થયું. બટવારાથી પ્રીટિની ચમક ફરીથી ખીલી છે અને તેની કુણાલ ખેમુ સાથેની વાઈબ ફિલ્મ પણ રિલીઝ થવાની છે. આ ફિલ્મનું ડિરેક્શન કુણાલ ખેમુએ જ કર્યું છે.     

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો