કન્નડ સિનેમામાંથી આવીને સમગ્ર વિશ્વમાં પોતાની આગવી ઓળખ બનાવનાર `રોકિંગ સ્ટાર' યશ તાજેતરમાં જ પોતાની આજે જ રિલીઝ થયેલી ફિલ્મ `ટોક્સિક: અ ફેરી ટેલ ફોર ગ્રોન-અપ્સ'ના પ્રમોશન માટે રજત શર્માના લોકપ્રિય શૉ `આપ કી અદાલત'માં જોવા મળ્યા હતા. આ વિશેષ ઈન્ટરવ્યૂ દરમિયાન તેમણે પોતાના જીવનના સંઘર્ષ, પારિવારિક પૃષ્ઠભૂમિ, કરિયર અને ભૂતકાળના વિવાદો પર અત્યંત ગંભીરતા અને પરિપક્વતા સાથે ખૂલીને વાત કરી હતી.
ઈન્ટરવ્યૂની શરૂઆતમાં જ યશે ખૂબ જ વિનમ્રતાપૂર્વક શૉના હોસ્ટને સુધારતા યાદ અપાવ્યું હતું કે તેમની માતૃભાષાનો સાચો ઉચ્ચાર `કન્નડ' છે, `કનડ' નહીં. પોતાની ભાષા પ્રત્યેનો આ પ્રેમ અને આદર જોઈને ચાહકોમાં તેમનું સન્માન વધી ગયું હતું. આ ઉપરાંત, ભૂતકાળમાં રશ્મિકા મંદાના દ્વારા કરાયેલી ટિપ્પણીઓ અને અન્ય જૂના વિવાદો અંગે પૂછવામાં આવતાં તેમણે અત્યંત શાંતિથી જવાબ આપ્યો હતો કે, અન્ય કોઈ વ્યક્તિનો અભિપ્રાય તેમનું વ્યક્તિત્વ નક્કી કરી શકતો નથી. એણે કહ્યું હતું કે રશ્મિકા એ સમયે નવી હતી. એ સમયે એણે પોતાનો અભિપ્રાય રજૂ કર્યો હતો, જરૂરી નથી કે અત્યારે એનો અભિપ્રાય સેમ જ હોય. અત્રે ઉલ્લેખનીય છે કે એક સમયે રશ્મિકાએ યશને મિસ્ટર શો ઓફ કહ્યા હતા, એ વાત રજત કપૂરે યાદ કરાવતાં તેમણે આ વાત કરી હતી. તેમણે પોતાના ચાહકોને પણ સોશિયલ મીડિયા પર કોઈ નકારાત્મકતા કે `ટોક્સિસિટી' ન ફેલાવવા માટે અપીલ કરી હતી.
