બોલિવૂડ હોટ એક્ટ્રેસીસની હરોળમાં જેક્લિન ફર્નાન્ડઝનો પહેલી હરોળમાં નંબર આવે છે. તેઓ કેટલાક સમયથી વિવાદોમાં હોવા છતાં પણ ઈન્ટરનેશનલ ક્ષેત્રે અને ફિલ્મોમાં પોતાના અભિનયથી તેમના ફેન્સને ખુશ કરી દે છે. થોડા સમય પહેલાં જ તેમણે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના મંચ પર પોતાની અદ્ભુત એન્ટ્રીથી ફરી એકવાર સનસનાટી મચાવી દીધી હતી. વૈશ્વિક ફેશન આઈકોન તરીકે જાણીતાં જેક્લિને પ્રતિષ્ઠિત `મિરેકલ્સ ગાલા' (Miracles Gala) ઇવેન્ટમાં હાજરી આપી હતી. હાલમાં તેઓ અક્ષય કુમારની ફિલ્મ `વેલકમ ટુ ધ જંગલ'માં દમદાર ભૂમિકામાં જોવા મળી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર તેમની આ ફિલ્મ અને લુકની ચર્ચાઓ ચાલી રહી છે. આ ફિલ્મ બોક્સઓફિસ બ્રેક કરે તેવાં એંધાણ પણ જોવા મળી રહ્યાં છે.
`વેલકમ ટુ ધ જંગલ'ના ટ્રેલરમાં તમારા ગ્લેમરસ `બ્લોન્ડ લુક'ની ખૂબ ચર્ચા થઈ રહી છે. આ નવો અવતાર ધારણ કરવાનો અનુભવ કેવો રહ્યો?
સાચું કહું તો આ લુક અપનાવવો એ મારા માટે એક બહુ મોટો નિર્ણય હતો. સ્ક્રીન પર આ લુક જેટલો આકર્ષક અને ગ્લેમરસ લાગે છે, વાસ્તવમાં તેના માટે પીઠ પાછળ ખૂબ જ મહેનત કરવી પડી છે. હું હંમેશાં મારા સિગ્નેચર બ્રુનેટ (શ્યામ/કથ્થઈ વાળ) લુક માટે જાણીતી રહી છું, તેથી અચાનક આટલો મોટો બદલાવ કરવો એ મારા માટે ઘણો મોટો પડકાર હતો.
આ બદલાવ માટે તમને સૌથી વધારે મુશ્કેલી ક્યાં પડી?
આ લુક માટે મારે ખૂબ જ ભારે વિગ (નકલી વાળ) પહેરવી પડતી હતી. વળી, અમારું શૂટિંગ આઉટડોર લોકેશન પર હતું જ્યાં અતિશય ગરમી હતી. કાળઝાળ ગરમીમાં એ ભારે વિગ સાથે એક્શન અને કોમેડી કરવી ખૂબ જ પરિશ્રમ માંગી લે તેવું હતું. અમે આ ફિલ્મ પર લગભગ બે વર્ષ સુધી કામ કર્યું છે, તેથી આટલા લાંબા સમય સુધી લુકની સાતત્યતા જાળવી રાખવી એ પણ એક મોટો પડકાર હતો. પણ હા, પાત્ર એટલું સરસ હતું કે આ બધી મહેનત પછી પણ મને ખૂબ મજા આવી. અલબત્ત, હું દરેક એક્ટિંગને પડકાર તરીકે જોઉં છું. મને કોઇ પણ ભૂમિકા ભજવવી પસંદ છે.
આ આખો આઇડિયા કોનો હતો? અને તમને આ માટે રાજી કોણે કર્યાં?
(હસતાં હસતાં) આ અનોખો આઈડિયા અમારા ડિરેક્ટર અહેમદ ખાનનો હતો. પણ હા, મને રાજી કરવામાં અક્ષય કુમારનો બહુ મોટો હાથ છે. શરૂઆતમાં જ્યારે મને આ વિશે વાત કરવામાં આવી, ત્યારે મને લાગ્યું કે તેઓ કોઈ સામાન્ય મેકઓવરની વાત કરે છે, જેમાં વાળમાં થોડી લાઈટ હાઈલાઈટ્સ કરવાની હશે, પરંતુ અક્ષયે મને ખાસ ફોન કર્યો અને કહ્યું, `ના ના, તારે સામાન્ય બ્લોન્ડ નથી બનવાનું, તારે બિલકુલ `પેરિસ હિલ્ટન' જેવા બ્લોન્ડ બનવાનું છે!'
`પેરિસ હિલ્ટન બ્લોન્ડ' સાંભળીને તમારી શું પ્રતિક્રિયા હતી?
અક્ષયે જ્યારે આ ઉદાહરણ આપ્યું ત્યારે મને તરત જ સમજાયું કે તેઓ મારા પાત્રને કઈ દિશામાં લઈ જવા માંગે છે. શરૂઆતમાં થોડો ડર હતો કે હું આ લુક કેવી રીતે સંભાળીશ, પણ અહેમદ અને અક્ષય બંને અદ્ભુત વિઝનરી (દૂરદર્શી) લોકો છે. તેઓ બરાબર જાણે છે કે તેઓ શું કરી રહ્યા છે. એટલે મેં પણ મારા ડરને બાજુ પર મૂકીને તેમના પર પૂરો ભરોસો રાખ્યો અને આ મોટો નિર્ણય લઈ લીધો.
ટ્રેલર લોન્ચ પછી ચાહકો તરફથી કેવો પ્રતિસાદ મળી રહ્યો છે?
અદ્ભુત! આ `પેરિસ હિલ્ટન'વાળી સરખામણીએ ચાહકોમાં ભારે ઉત્સુકતા જગાવી છે. સોશિયલ મીડિયા પર લોકો આ લુક વિશે જ વાતો કરી રહ્યા છે. જે રીતે લોકો ટ્રેલરમાં મારા આ નવા લુકને પસંદ કરી રહ્યા છે, તે જોતાં લાગે છે કે અમારો આ પ્રયોગ અને આટલાં વર્ષોની મહેનત સફળ રહી છે. ટૂંકમાં કહું તો મારા ફેન્સ મારા નવા લુકને વધાવી રહ્યા છે તેનો મને આનંદ છે.
ફિલ્મ વિશે દર્શકોને શું કહેવા માંગશો?
અહેમદ ખાનના ડિરેક્શન અને ફિરોઝ નડિયાદવાલા, રાકેશ ડાંગ અને વેદાંત બાલીના પ્રોડક્શનમાં બનેલી આ એક ધમાકેદાર ફિલ્મ છે. ફિલ્મમાં કલાકારોની આખી ફોજ છે. આ વાર્તા એવા કલાકારોની છે જેમને ભૂલથી સૈનિક સમજી લેવાય છે અને તેઓ જેકી શ્રોફની ખતરનાક ગેંગ સામેના મિશનમાં ફસાઈ જાય છે. આ એક્શન-કોમેડી ફિલ્મ 26 જૂને થિયેટરોમાં આવી રહી છે, તો અચૂક જોજો.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો