ફિલ્મ `સમ્રાટ પૃથ્વીરાજ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર માનુશી છિલ્લરને એક બોલિવૂડ હિટ ફિલ્મની જરૂર છે. માનુશી છિલ્લરનું ડેબ્યૂ જોઇએ તેટલું સફળ ન રહ્યું, પરંતુ તેમની કદ-કાઠી પ્લસ આકર્ષક ચહેરાએ દર્શકોનાં દિલ જીતી લીધાં હતાં. માનુશીની આ ફિલ્મ બાદ `ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી', `ઓપરેશન વેલેન્ટાઇન', `બડે મિયાં છોટે મિયાં' તેમજ `તેહરાન' અને `માલિક' ફિલ્મ આવી હતી. આ બધી ફિલ્મો પૈકી એકમાત્ર `તેહરાન' અને `માલિક' ફિલ્મ સેમી હિટ સાબિત થઇ હતી. જ્યારે અન્ય ફિલ્મો ફ્લોપ થઇ હતી. અલબત્ત, માનુશી છિલ્લર અક્ષય કુમારની તાજેતરમાં આવેલી ફિલ્મ `વેલકમ ટુ ધ જંગલ'માં સ્ક્રીન શેર કરવાની હતી. એવું ફિલ્મ રિલીઝ થતાં પહેલાં સંભળાઇ રહ્યું હતું, પરંતુ ફિલ્મના ટ્રેલરમાં જ માનુશી છિલ્લર જોવા મળ્યાં નહીં, તેથી તેઓ ફિલ્મમાં પણ જોવા મળ્યાં નહીં. જોકે, તેઓ થોડા દિવસ પહેલાં પોપસ્ટાર હિમેશ રેશમિયાના આલ્બમ `શરાબ'માં જોવા મળ્યાં હતાં, જેમાં તેમણે નેટિજન્સનાં દિલ જીતી લીધાં હતાં.   

મિસ વર્લ્ડ બન્યા પછી બોલિવૂડ તમારા માટે પડકારજનક રહ્યું છે?

હા, સાચે જ પડકારજનક છે. અત્યારે મારા માટે સૌથી મોટો પડકાર એક એક્ટ્રેસ તરીકેની મારી આ સફર જ છે. મિસ વર્લ્ડ બન્યા પછી હું ઓલરેડી કામ તો કરી જ રહી હતી, પરંતુ જ્યારે મેં એક્ટિંગમાં પગ મૂક્યો ત્યારે મને લાગ્યું કે હું ફરી એકવાર વિદ્યાર્થિની બની ગઈ છું અને મારે બધું જ સાવ શરૂઆતથી શીખવાનું છે. મારા જીવનનો આ સૌથી મોટો પડકાર રહ્યો છે. હું હંમેશાં એક સારી સ્ટુડન્ટ રહી છું, એટલે મેં મારું પૂરું ધ્યાન આ નવી કળાને આત્મસાત્ કરવા પર કેન્દ્રિત કર્યું છે. એક્ટિંગ એ તદ્દન અલગ વિષય છે. દરેક વ્યક્તિની પોતાની ખાસિયત હોય છે, પણ હું સ્વભાવે ખૂબ જ શાંત અને લાગણીઓ છુપાવીને રાખનારી વ્યક્તિ રહી છું. જાહેરમાં લાગણીઓ વ્યક્ત કરવી મારા માટે ક્યારેય સરળ નહોતું, તેથી કેમેરા સામે પોતાની જાતને ખુલ્લી મૂકવી, સહજ થવું અને કોઈ પાત્રમાં પૂરેપૂરા ડૂબી જવું એ મારા માટે સૌથી મોટો અવરોધ હતો.   

હજી સુધી તમારી કોઈ ફિલ્મ સુપરહિટ સાબિત નથી થઈ, તો તમે શું અનુભવો છો?

હું બરાબર સમજુ છું કે લોકોની મારી પાસે ઘણી ઊંચી અપેક્ષાઓ છે અને મારી દરેક મૂવ પર ઝીણવટભરી નજર રાખવામાં આવે છે. ખાસ કરીને જ્યારે તમે મિસ વર્લ્ડ જેવા પ્લેટફોર્મ પરથી આવતા હોવ ત્યારે આવું થવું સ્વાભાવિક છે, કારણ કે આજે પણ ઘણી મોડલ મહિલાઓ આગળ જઈને વૈશ્વિક સ્તરે માત્ર મોડલિંગમાં જ નહીં, પણ એક્ટિંગમાં પણ મોટું નામ કમાઈ છે. જોકે, હું અપેક્ષાઓને એક પોઝિટિવ વાઇબ્સ તરીકે જોઉં છું. તે મને વધુ સારું કામ કરવા અને સતત સુધારો કરવા માટે પ્રેરિત કરે છે. બહારના દબાણ પર ધ્યાન આપવાને બદલે, હું નવું શીખવા પર, મારી સ્કિલ્સને વધુ ધારદાર બનાવવા પર અને એક અભિનેત્રી તરીકે ગ્રોથ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરું છું. સખત મહેનત અને કળા પ્રત્યેનું સમર્પણ એ જ મારો શ્રેષ્ઠ માર્ગ છે.  

ભવિષ્યના કયા પ્રોજેક્ટ્સ લાઇનમાં છે? ચાહકો તમને આગળ ક્યાં જોઈ શકશે?

 આ વર્ષે અથવા તો આ વર્ષના અંતે મારી બે ફિલ્મો રિલીઝ થવાની છે અને ટૂંક સમયમાં જ હું એક નવી ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરવાની છું. જોકે, કરારના લીધે હું અત્યારે ફિલ્મોનાં નામ જાહેર કરી શકું તેમ નથી. ફિલ્મો ઉપરાંત મારી સસ્ટેનેબલ બીચવેર બ્રાન્ડ `દ્વીપ' પર ઘણું કામ ચાલી રહ્યું છે અને ક્લિનિકલ ક્ષેત્રે મારી રિજનરેટિવ ક્લિનિક બ્રાન્ડ `સોમા વેલનેસ'નો પણ ઝડપથી વિસ્તાર થઈ રહ્યો છે. મને આશા છે કે આ વર્ષ અને આવતું વર્ષ મારા માટે લકી સાબિત થવાનું છે અને હું મારા ફેન્સને નિરાશ નહીં કરું.

ગ્લેમર વર્લ્ડમાં સતત ઉતાર-ચઢાવ આવતા રહે છે. આવી સ્થિતિમાં તમે તમારી જાતને કેવી રીતે સ્થિર અને શાંત રાખો છો?

એ વાત સાચી કે ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં ઘણા ઉતાર-ચઢાવ આવે છે, પરંતુ હું બહારની વાહવાહ કે મંજૂરી મેળવવાને બદલે મારા વ્યક્તિગત વિકાસ પર ધ્યાન આપું છું. મારું માનસિક સંતુલન જાળવી રાખવા માટે યોગ, મેડિટેશન અને પુસ્તકોનું વાંચન મને ખૂબ મદદ કરે છે. આ સિવાય મારો પરિવાર અને મારા નજીકના મિત્રો મને હંમેશાં જમીન સાથે જોડી રાખે છે. દિવસના અંતે હું મારી જાતને બસ એ જ યાદ અપાવું છું કે મારી આ સફર સતત શીખવાની, આગળ વધવાની અને મારી કળાને મારું સર્વશ્રેષ્ઠ આપવાની છે.   


આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો