19 વર્ષની વયે ડેબ્યૂ કરનારાં તરુણીથી માંડીને આજે દેશના સૌથી પ્રભાવશાળી એક્ટ્રેસ, નિર્માતા અને માતા બનવા સુધીની આલિયા ભટ્ટ સફર અદ્ભુત રહી છે. હજી પણ તેમની સફરમાં અઢળક સફળતાનાં સોપાન આવી જ રહ્યાં છે. સંજય લીલા ભણસાલીની આગામી ભવ્ય ફિલ્મ `લવ એન્ડ વોર'માં રણબીર કપૂર અને વિકી કૌશલ સાથે સ્ક્રીન શૅર કરવાની ઉત્સુકતા વચ્ચે પણ તેઓ અત્યંત સ્થિર છે. લોકોના મતમાં પોતાનું મૂલ્ય શોધવાને બદલે હવે તે પોતાની શરતો પર જીવે છે. આ કોઈ ગ્લેમરસ સ્ટારડમની વાત નથી, પરંતુ આત્મખોજમાં ઊતરેલી એક પરિપક્વ સ્ત્રીના મનની સફર છે.
19 વર્ષની ઉંમરે તમે માનતાં હતાં અને આજે અસંમત હોવ તેવી કઈ માન્યતા છે?
તે સમયે મને લાગતું કે સાચું વજન કે મૂલ્ય બહારની માન્યતા કે લોકોની પ્રશંસામાં છે. એ ઉંમર જ એવી હતી. આજે મને સંપૂર્ણ સ્પષ્ટતા છે કે મારે માત્ર મારી પોતાની આંતરિક મંજૂરી(વેલિડેશન)ની જ જરૂર છે. જ્યારે તમે આ સમજો છો, ત્યારે બહારના ઘોંઘાટથી પર થઈ જાઓ છો, તમારી મર્યાદાઓ સાચવી શકો છો અને નિષ્ફળતાનો સામનો પણ શાંતિથી કરી શકો છો.
સફળતા અને ખુશીની કઈ વ્યાખ્યા તમારે ભૂલવી પડી?
પહેલાં એવું હતું કે સફળતા મળે એટલે ઉત્સાહિત થવાનું અને હારી જાઓ ત્યારે ફરી જીતવાની રાહ જોવાની, પણ હું શીખી છું કે સંતોષ માત્ર સફળતામાંથી નથી મળતો; મુશ્કેલ કે નિષ્ફળ ક્ષણોમાંથી તમે કેટલી સ્વસ્થતા, આત્મપ્રેમ અને આત્મવિશ્વાસ સાથે બહાર નીકળો છો, ખરી સફળતા એ છે.
તમારાં જીવન અને કરિયર પર સ્ત્રીઓનો પ્રભાવ કેવો રહ્યો છે?
મારી માતા સોની રાઝદાનનો મારા પર સૌથી મોટો પ્રભાવ છે, જેમણે સંઘર્ષ વચ્ચે પણ અભિનયની ધગશ જીવંત રાખી. મારી બહેન શાહીન, જેણે ડિપ્રેશન અને માનસિક સ્વાસ્થ્ય વિશે ખૂલીને વાત કરી. મારી ટીમમાં પણ અદ્ભુત મહિલાઓ છે. શાહીન અને બિઝનેસ મેનેજર ગ્રીષ્મા સાથે મળીને અમે અમારું પ્રોડક્શન હાઉસ `ઈટર્નલ સનશાઈન' ચલાવીએ છીએ. મને સ્ત્રીઓથી ભરેલા રૂમમાં કામ કરવું અને નિર્ણયો લેવા ખૂબ ગમે છે.
માતૃત્વ અને મહત્ત્વાકાંક્ષા વચ્ચે સંતુલન કેવી રીતે સાધો છો?
માતૃત્વ આવ્યા પછી મહત્ત્વાકાંક્ષા બદલાતી નથી, પરંતુ પ્રાથમિકતાઓ બદલાય છે. સમાજ એવું માને છે કે સ્ત્રીએ કંઈક છોડવું જ પડશે, પણ હું તેને `ત્યાગ' નથી માનતી, એ `પસંદગી' હોવી જોઈએ. મારે વર્ષમાં માત્ર એક ફિલ્મ કરવી છે જેથી હું રાહા સાથે ગુણવત્તાસભર સમય વિતાવી શકું. હું `ધ પેરેન્ટ્સ તાઓ તે ચિંગ' પુસ્તક વાંચી રહી છું, જે શીખવે છે કે બાળકોના સારા ઉછેર માટે મા-બાપે પહેલાં પોતાની અંદરથી સ્વસ્થ અને ખુશ રહેવું જરૂરી છે.
યશરાજ સ્પાય યુનિવર્સની `આલ્ફા' ફિલ્મ સ્વીકારવા પાછળનું કારણ શું હતું?
ભારતમાં ફિમેલ-લીડ એક્શન જોનરને દર્શકોએ ભૂતકાળમાં પૂરા દિલથી સ્વીકાર્યું નથી. આ એક મોટું જોખમ હતું, પણ મને વિશ્વાસ છે કે જો વાર્તા મજબૂત હોય તો લીડ પાત્ર સ્ત્રી છે કે પુરુષ એનાથી ફરક નથી પડતો. આ ફિલ્મમાં શર્વરી સાથે કામ કરવાનો અનુભવ રોમાંચક રહ્યો.
સંજય લીલા ભણસાલીની મહત્ત્વાકાંક્ષી ફિલ્મ `લવ એન્ડ વોર'ને લઈને તમારા મનમાં કેવાં પતંગિયાં ઊડી રહ્યાં છે?
સંજય સર સાથે ફરી કામ કરવું એ હંમેશાં નવેસરથી કસોટીમાંથી પસાર થવા જેવું છે. `ગંગુબાઈ કાઠિયાવાડી' પછી તેમની અપેક્ષાઓ વધી ગઈ છે, તેથી પેટમાં મીઠો ફફડાટ અને ઉત્તેજના બંને છે. એક તરફ ભણસાલી સરનું ભવ્ય વિઝન અને બીજી તરફ રણબીર તથા વિકી જેવા અદ્ભુત કલાકારો. આખી પ્રક્રિયા લાગણીઓના ઘમાસાણ જેવી રહેવાની છે. આ ફિલ્મ પ્રેમ, ત્યાગ અને સંઘર્ષની એવી ઊંડી ગલીઓમાં લઈ જશે, જેની કલ્પના માત્રથી મારા મનમાં પતંગિયાં ઊડવા લાગે છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો