બોલિવૂડના સૌથી પ્રતિષ્ઠિત લોકગીતોમાંના એક પાછળ ખરેખર એક વિશિષ્ટ અવાજ છુપાયેલો છે, સુખવિંદર સિંહનો અવાજ, જે હિન્દી સિનેમાનાં કેટલાંક સૌથી પ્રભાવશાળી ગીતો રજૂ કરવા માટે પ્રખ્યાત છે. ગાયક સુખવિંદર સિંહને હિન્દી સિનેમામાં 1991ની ફિલ્મ `ખિલાફ'થી પહેલો બ્રેક મળ્યો. તેણે આ ફિલ્મ માટે `આજા સનમ' ગીત ગાયું હતું, જે સંગીત નિર્દેશક જોડી લક્ષ્મીકાંત-પ્યારેલાલ દ્વારા રચિત હતું. જોકે, આ ગીત તેમને વધુ ઓળખ અપાવી શક્યું નહીં. 1991થી 1998 સુધી થોડી ઘણી તકો મળતી રહી, પરંતુ ખાસ નામ નહોતું થયું. 1998માં ફિલ્મ આવી શાહરુખ ખાન ની `દિલ સે...' આ ફિલ્મમાં તેને સપના અવસ્થી સાથે એક ગીત ગાવાની તક મળે છે. એ ગીત એટલે સદાબહાર ગીત `છૈયા છૈયા'. આ ગીત સાથે સૌપ્રથમ વાર પ્રસિદ્ધિ પામ્યા, જેના માટે તેમને ફિલ્મફેર એવોર્ડ મળ્યો. સાથી ગાયક સાથે જોરદાર તાલમેલ અને આરોહઅવરોહ ધરાવતું `છૈયા છૈયા' દ્વારા ખરી અને અપાર ઓળખ મળી, તે એ.આર. રહેમાન દ્વારા રચિત હતું.   

2006માં આવેલી ફિલ્મ ઓમકારા, જે વિશાલ ભારદ્વાજ દ્વારા દિગ્દર્શિત શેક્સપિયરના ઓથેલો નાટકનું સમકાલીન રૂપાંતર છે અને ગ્રામીણ ઉત્તર પ્રદેશમાં સેટ છે. ગીતો ગુલઝારે લખ્યાં હતાં અને સંગીત ભારદ્વાજે આપ્યું હતું. ફિલ્મના ટાઈટલ ટ્રેકની થોડીક પંક્તિઓ ગાવા માટે સુખવિંદર સિંહ સ્ટુડિયો ગયો હતો, ગાવાનું હતું `ધમ-ધમ ધડમ ધરૈયા રે, સબસે બડે લડૈયા રે, ઓમકારા'. ગીતનું રેકોર્ડિંગ શરૂ થઈ સમયસર પૂરું પણ થઇ ગયું. અચાનક વિશાલ ભારદ્વાજ અને તેમની પત્ની રેખા ભારદ્વાજ થોડા અપસેટ હતાં, સુખવિંદરને થયું કંઈક ખોટું થયું છે એટલે તેણે પૂછ્યું કે શું થયું અને કહ્યું જો બરાબર ન હોય તો ફરી ગાઈ નાખું. ત્યારે બંનેએ કહ્યું કે એક ગીત સુનિધિએ ગાયું છે તેમાં અમારું પાત્ર જે સૈફ અલી ખાને ભજવ્યું છે તે લંગડા ત્યાગી જેને બાહુબલીની પદવી નથી મળી તેથી હતાશ છે, તેને દસ સેકન્ડ ગવડાવવું હોય તો કેવી રીતે ગાય? સુખવિંદરે ગીત સંભળાવવા વિનંતી કરી, ગીત સંભળાવવામાં આવ્યું અને સુખવિંદરે કહ્યું ચલો માઈક પર અને તેણે કંઈક ગણગણ્યું.   

પછી જે બન્યું તેણે ગીતનું સ્વરૂપ સંપૂર્ણપણે બદલી નાખ્યું. રેકોર્ડિંગ દરમિયાન હાજર રહેલા ગીતકાર ગુલઝારે સંગીતકાર વિશાલ ભારદ્વાજ તરફ ફરીને સૂચન કર્યું. તેમણે ભારદ્વાજને ગીતમાં સુખવિંદરને ફક્ત એક જ પંક્તિ આપવા કહ્યું. એટલે એક લાઈન `ન હિલાફ, ન ગિલાફ ઠંડી હવા ભી ખિલાફ સસુરી' ગાવા કહ્યું, પહેલી પંક્તિ ગાતાંની સાથે જ બીજી પંક્તિ મળી `ઇતની શર્દી હૈ કિસી કા લિહાફ લેઇ લે, જા પડોસી કે ચૂલ્હે સે આગ લેઇ લે'; એ પણ ગાઈ નાખી. બે પંક્તિઓએ એવો ચમત્કાર કર્યો કે અંતે, વિશાલ ભારદ્વાજે તેને કહ્યું, `એક કામ કર - બસ આખું ગીત ગા.' અને આ રીતે આ સોલો ગીત યુગલગીત બની ગયું. એ ગીત હતું સુનિધિ સાથેનું `બીડી જલાઈ લે' તેના અવાજ અને સુનિધિ ચૌહાણના અવાજ વચ્ચેની કેમેસ્ટ્રી અદ્ભુત હતી. આ ગીતમાં બિપાશા બાસુ, સૈફ અલી ખાન અને વિવેક ઓબેરોય દેખાયાં હતાં. 

આ ટ્રેક એક વૈશ્વિક ઘટના બની ગયો, જેણે તેમના અવાજને યુવા, નૃત્ય-કેન્દ્રિત પ્રેક્ષકો સમક્ષ રજૂ કર્યો અને 2000ના દાયકાના અંતમાં લગભગ દરેક મુખ્ય ચાર્ટબસ્ટરમાં પોતાનું સ્થાન મેળવ્યું.   

`બીડી'એ સાબિત કર્યું કે સુખવિંદર જમીની, ભક્તિમય અથવા વિશાળ દેશભક્તિનાં ગીતો સાથે ગ્રામીણ, ગામઠી અને નિર્ભયપણે મોટા પાયે આકર્ષક આઇટમ નંબરોને સરળતાથી સંભાળી શકે છે. 

પંદર વરસની ઠીકઠાક કારકિર્દી પછી દસ-પંદર સેકન્ડની આહુતિ આપવાની તૈયારીએ જે ગીત ગાવાનું જ ન હતું, તે તેમની ઝોળીમાં લાવી દીધું અને કારકિર્દીને નવી દિશા આપી. ખુદ તેમનું જ કહેવું છે કે જો નાનકડી તક મળે તો પણ પકડી લેવી જોઈએ તેને ત્રાજવામાં તોલવા ન બેસવું જોઈએ અને ઝડપી લો તો સુખવિંદર `સિંહ' થવાય!

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો