કન્નડ સિનેમાથી લઈને સમગ્ર ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની અદ્ભુત અદાકારીની છાપ છોડનાર એક્ટ્રેસ રુક્મિણી વસંથે એક તદ્દન નવા અને અનોખા અવતારમાં મોટા પડદા પર ધમાકો કરી દીધો છે. તેમની યશ સાથેની ફિલ્મ ટોક્સિક: અ ફેરી ટેલ ફોર ગ્રોન-અપ્સ થિયેટર્સમાં રિલીઝ થઇ ચૂકી છે અને તેનો દર્શકોનો અદ્ભુત પ્રતિસાદ પણ મળી રહ્યો છે. આ ફિલ્મ બોક્સઓફિસ રેકોર્ડ બ્રેક કરી શકે છે તેવાં એંધાણ પણ જણાઇ રહ્યાં છે. આ ફિલ્મમાં રુક્મિણી વસંથે `મેલિસા' નામની ભૂમિકા ભજવી છે અને તેમની આ ભૂમિકાને તેમના ફેન્સ વધાવી તો રહ્યા જ છે, સાથે સાથે ફેન ફોલોઇંગમાં પણ વધારો થઇ રહ્યો છે. નોંધનીય છે કે ફિલ્મ `કાંતારા: ચેપ્ટર 1' જેવા મોટા પ્રોજેક્ટમાં એકદમ કોઇનેય અણસાર ન આવે તે રીતનો નેગેટિવ શેડ્સ ધરાવતી ભૂમિકા ભજવીને તેમણે દર્શકોને ચોંકાવી જ દીધા હતા. રુક્મિણી માટે ટોક્સિકનો આ રોલ કારકિર્દીનો સૌથી અનોખો પડાવ સાબિત થવા જઈ રહ્યો છે.
ફિલ્મ `ટોક્સિક' સાથે જોડાવાનો તમારો અનુભવ કેવો રહ્યો? આ પ્રોજેક્ટ તમારા માટે કેટલો ખાસ છે?
ટોક્સિક એ માત્ર મારા માટે જ નહીં, પરંતુ આ સમગ્ર ફિલ્મ સાથે સંકળાયેલા દરેક કલાકાર અને ટેક્નિશિયન માટે અતિશય સ્પેશિયલ ફિલ્મ છે. જ્યારે મને પહેલીવાર આ પ્રોજેક્ટ વિશે જણાવવામાં આવ્યું, ત્યારે ફિલ્મની ભવ્યતા અને તેની વિશાળતા (Scale and Expansiveness) જોઈને હું સ્તબ્ધ થઈ ગઈ હતી. આ ફિલ્મનું વિશ્વ એટલું વિશાળ અને અદ્ભુત રીતે રચાયેલું છે કે તેનો હિસ્સો બનવું એ કોઈ પણ કલાકાર માટે ગર્વની બાબત હોય. મને વિશ્વાસ જ નહોતો કે હું બેક ટુ બેક મોટા બેનર સાથે સંકળાવવા જઇ રહી છું.
માત્ર ફિલ્મની ભવ્યતા જ આકર્ષક હતી કે પાત્રોમાં પણ કંઈક ખાસ ઊંડાણ જોવા મળ્યું?
ચોક્કસપણે, ફિલ્મનો સ્કેલ તો મોટો છે જ, પરંતુ મને સૌથી વધુ જે બાબતે આકર્ષિત કરી તે છે આ ફિલ્મનાં પાત્રોની જટિલતા. અહીં દરેક પાત્રમાં એક ગ્લોરિયસ `ગ્રે શેડ' (Glorious Grayness) છે. કોઈ સંપૂર્ણપણે સારું નથી કે કોઈ સંપૂર્ણપણે ખરાબ નથી. દરેક પાત્ર અત્યંત વાસ્તવિક અને માનવીય લાગણીઓથી ભરેલું છે. આ જ ગ્રે શેડ્સ ફિલ્મને સામાન્ય વાર્તાઓથી અલગ બનાવે છે. મારું માનવું છે કે, જો તમે ગ્રે શેડ ભજવીને પણ ફેન્સનાં દિલ જીતો છો તો તમે પરફેક્ટ એક્ટ્રેસ છો.
`કાંતારા'ની સિક્વલમાં તમારા નેગેટિવ શેડવાળા પાત્રની ખૂબ ચર્ચા થઈ હતી, તો હવે `ટોક્સિક'માં `મેલિસા'ને પણ તમારા ફેન્સ વખાણી રહ્યા છે?
`કાંતારા'માં નેગેટિવ ભૂમિકા ભજવવી એ મારા માટે એક મોટો અને રોમાંચક પડકાર હતો, જેમાં દર્શકોએ મને એક અલગ જ અવતારમાં જોઈ હતી, પરંતુ ટોક્સિકમાં મારું પાત્ર 'મેલિસા' મેં અત્યાર સુધી ભજવેલાં તમામ પાત્રો કરતાં તદ્દન અલગ છે. તે એક અનન્ય વ્યક્તિત્વ ધરાવે છે. તેમાં એક અનોખી રહસ્યમયતા છે જેને શબ્દોમાં બાંધવી મુશ્કેલ છે. આ વિશ્વમાં મેલિસાનું સ્થાન શું છે અને તે અન્ય પાત્રો સાથે કેવી રીતે જોડાયેલી છે, એ સફર મારા માટે ખૂબ જ રોમાંચક રહી છે. અલબત્ત, ફરી એકવાર દર્શકોએ અને મારા ફેન્સે મને `મેલિસા' તરીકે હરખભેર સ્વીકારી છે જેનો આનંદ છે.
રોકિંગ સ્ટાર યશ સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો?
હું હંમેશાંથી રોકિંગ સ્ટાર યશ સરની ફેન ગર્લ રહી છું. એક ચાહક તરીકે જ્યારે તમને તમારા ફેવરિટ સ્ટાર સાથે સ્ક્રીન શેર કરવાની તક મળે, ત્યારે એ લાગણી અવર્ણનીય હોય છે.
તમારી આ ફિલ્મ દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવશે?
દર્શકોએ અને મારા ફેન્સે મને આ પહેલાં ક્યારેય આવા રોલ કે આવી દુનિયામાં જોઈ નથી. ગીતુ મોહનદાસે વાર્તાનો જે તણાવ feature કર્યો છે, તેણે દર્શકોને અને ફેન્સને ખુરશી સાથે જકડી રાખ્યા છે. યશ સર, નયનતારા, કિયારા અડવાણી, તારા સુતરિયા અને હુમા કુરેશી જેવાં દિગ્ગજ કલાકારો સાથે આ સિનેમેટિક સફર દર્શકો માટે આ ફિલ્મ સાચે જ અવિસ્મરણીય સાબિત થઇ રહી છે. આ ફિલ્મ હજી પણ બોક્સઓફિસ રેકોર્ડ બ્રેક કરવા આગળ વધી રહી છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો