હમણાં જ પૂરી થયેલી IPLની એક ટીમની ખૂબસૂરત શેઠાણીએ વિદેશમાં રમાતી એક લીગ માટે પાકિસ્તાની ક્રિકેટરની પસંદગી કરી અને હોબાળો મચી ગયો હતો. ભારતીય ચાહકો તરફથી ભારે પ્રતિક્રિયા અને ટ્રોલનો સામનો કરવા છતાં શેઠાણીએ બાહ્ય દબાણ સામે ઝૂકવાનો ઇનકાર કર્યો. જી હા, `દેશદાઝ' આ શેઠાણી જેવા અનેક લોકો માટે આ બાહ્ય દબાણ જ હોય છે, કેમ કે તેમને અંતરાત્મા જેવું કંઈ હોતું નથી અને આંતરિક દબાણ અંતરાત્મામાંથી આવે છે.
રમત અને કલા વચ્ચે સરહદ ન નડવી જોઈએ જેવાં તૂત ઊભાં કરી ક્યારેક રમત કે ક્યારેક કલા અને કલાકારના નામે ભ્રમણા ફેલાવવામાં આવે છે. આ મુદ્દે હિન્દી સિનેમા પણ અગ્રેસર છે. દિલજિત દોસાંજ, નીરુ બાજવા અને પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિર અભિનીત `સરદાર જી 3' ના ટ્રેલરે ભારતમાં વિવાદ જગાવ્યો હતો.
જરા જુઓ, પાકિસ્તાની અલી ઝફર તેરે બિન લાદેન, મેરે બ્રધર કી દુલ્હન, ચશ્મે બદ્દૂર, કિલ દિલ, ડિયર ઝિંદગીમાં, તો ફવાદ ખાન ખૂબસૂરત, કપૂર એન્ડ સન્સ, એ દિલ હૈ મુશ્કિલમાં હતો. માહિરા ખાન રઈસમાં મુખ્ય ભૂમિકામાં હતી. ઈમરાન અબ્બાસ ક્રીચર 3D અને એ દિલ હૈ મુશ્કિલમાં જોવા મળે છે. માવરા હોકેને સનમ તેરી કસમમાં ડેબ્યૂ કર્યું હતું, તો સબા કમર હિન્દી મીડિયમમાં તેની ભૂમિકા માટે જાણીતી છે. ફિલ્મ મમ્મીમાં સજલ એલીએ શ્રીદેવીની પુત્રીની ભૂમિકા ભજવી હતી તો અદનાન સિદ્દીકીએ શ્રીદેવીના પતિની ભૂમિકા ભજવી હતી. હુમૈમા મલિક ઇમરાન હાશ્મી સાથે રાજા નટવરલાલમાં દેખાઈ હતી. જાવેદ શેખ નામનો એક્ટર તમાશા, ઓમ શાંતિ ઓમ, નમસ્તે લંડનમાં જોવા મળે છે. ઝેબા બખ્તિયાર હિના માટે જાણીતી છે, તો સારા લોરેને મર્ડર 3, કજરારેમાં અભિનય કર્યો. મીરા નઝરમાં, વીણા મલિક ઝિંદગી 50-50, દાલ મેં કુછ કાલા હૈમાં જોવા મળી હતી. કરાચીમાં જન્મેલી સલમા આગા બી.આર. ચોપરાની નિકાહ ફિલ્મથી હિન્દુસ્તાની ફિલ્મમાં પ્રવેશે છે અને અહીં જ રહી પડે છે.
રાજ કપૂર ફિલ્મ હીનામાં મુખ્ય પાત્ર તરીકે ઝેબા બખ્તિયારને ઉપાડી લાવે છે. આ બધા તો કલાકારો હતા, પણ ભારતીય નિર્માતા-નિર્દેશકોએ ક્રિકેટર મોહસીન ખાનમાં એવું તો શું જોયું હશે કે તેને એક્ટર તરીકે તક આપી? મોહસીને સલીમ અખ્તર દ્વારા નિર્મિત, જેપી દત્તા દ્વારા દિગ્દર્શિત બટવારા (1989) ફિલ્મમાં અભિનય કર્યો અને અભિનેત્રી રીના રોય સાથે લગ્ન પણ કર્યાં.
વાત એક્ટર-એક્ટ્રેસ સુધી સીમિત નથી, સિનેમાના અન્ય ક્ષેત્રમાં પણ પાકિસ્તાનીઓને છૂટ અપાઈ છે. ઉસ્તાદ નુસરત ફતેહ અલી ખાન; ફિલ્મ `કસક'ના ગીતને પોતાનો અવાજ આપ્યો હતો, ઔર પ્યાર હો ગયા અને ધડકન જેવી ફિલ્મોમાં પણ ગાયું હતું. નુસરત ફતેહ અલી ખાનના ભત્રીજા, રાહત ફતેહ અલી ખાન પણ ટપકી પડ્યા હતા, જેમને વર્ષ 2011માં ભારતના DRI દ્વારા અઘોષિત વિદેશી ચલણ (અમેરિકન ડોલર) સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.
શાહરુખ ખાન સાથે રઈસમાં કામ કરનાર માહિરા ખાને ભારતની લશ્કરી કાર્યવાહીની ભારે ટીકા કરી. તેણે જાહેરમાં પાકિસ્તાનસ્થિત આતંકવાદી છાવણીઓ પર ભારતીય હવાઈ હુમલાઓને `ગંભીર કાયર ગણાવ્યા, ભારત પર યુદ્ધની ભાવના ફેલાવવાનો આરોપ લગાવ્યો.
ફવાદ ખાને (એ દિલ હૈ મુશ્કિલ અને કપૂર એન્ડ સન્સ) ભારતીય લશ્કરી હુમલાઓની પણ ટીકા કરી, `શરમજનક હુમલો' ગણાવ્યો. દિલજિત દોસાંઝ સાથે અભિનીત `સરદાર જી 3'ની હાનિયા આમિરે ભારતીય સરહદ પાર લશ્કરી કાર્યવાહીની કડક ટીકા કરી.
શું હિન્દુસ્તાનમાં પ્રતિભાની ઘટ છે કે પાકિસ્તાનીઓને તક અપાતી રહે છે? હા, બ્રિટિશ-પાકિસ્તાની અભિનેતા અલી ખાન હાલમાં ભારતીય મનોરંજન ઉદ્યોગમાં કામ કરી રહ્યો છે. 2023ની નેટફ્લિક્સ ફિલ્મ ધ આર્ચીઝ(ઝોયા અખ્તર દ્વારા દિગ્દર્શિત)માં, જ્યારે ફવાદ ખાન (ભારત દ્વારા પ્રતિબંધિત 2025ની ફિલ્મ અબીર ગુલાલ) ભારતીય ફિલ્મ નિર્માતાઓ સાથે સહયોગ કરવાનું ચાલુ રાખે છે.
દેશદાઝ અંતરાત્મામાંથી આવે છે અને આ બધા માટે દેશદાઝ એ બાહ્ય દબાણ હોય છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો