ટીવીજગતના ખૂબ જ જાણીતા ચહેરાઓમાં ઇશા માલવીયનો સમાવેશ થાય છે. ઇશા માલવીય ગુરમીત ચૌધરી સાથે `લાફ્ટર શેફ્સ 3'માં જોવા મળી હતી. ત્યારથી જ આ બંને જોડી એક્ટિંગ ઇન્ડસ્ટ્રીમાં ફેમસ થઇ ગઇ હતી. હવે આ બે જોડી મોટા પડદે એન્ટ્રી કરી રહી છે. આ ફિલ્મ માટે ગુરમીત જ તેને લોન્ચ કરી રહ્યો છે. ફિલ્મનું નિર્દેશન આશિષ પાંડા કરવાનો છે અને તે રેવા ક્રિએટિવ હાઉસ અને દેવગુરુ ફિલ્મ્સના બેનર હેઠળ તૈયાર થઇ છે. ગુરમીતે ફિલ્મનું પોસ્ટર શેર કર્યું છે, જે વાઇરલ થઇ રહ્યું છે. શેર કરેલી પોસ્ટના કેપ્શનમાં ગુરમીતે લખ્યું હતું કે, `તું મારી છો'ની દુનિયામાં ડૂબકી માર. ફિલ્મ 23 ઓક્ટોબર 2026માં સિનેમાઘરોમાં રિલીઝ થઇ રહી છે, કારણ કે ઘણીવાર પ્રેમમાં પડવું સરળ હોય છે, પરંતુ તેના પછી જે થાય છે તે સ્ટોરી છે.'

ફિલ્મ `ગોલમાલ' ફ્રેન્ચાઇઝીની પાંચમી ફિલ્મ 2027માં રિલીઝ થશે  

છેલ્લા અઢી દશકથી ફિલ્મ `ગોલમાલ' દર્શકોનું મનોરંજન કરતી આવી છે. આ ફ્રેન્ચાઇઝીની ફિલ્મો સુપરહિટ નીવડી છે. અલબત્ત, આ ફ્રેન્ચાઈઝીની દર્શકો આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા હોય છે. હવે તેમની આતુરતાનો અંત આવ્યો છે, કારણ કે ગોલમાલ ફિલ્મમેકર્સે સોશિયલ મીડિયા પર `ગોલમાલ 5'નું નવું પોસ્ટર શેર કર્યું છે. જેમાં અજય દેવગન, અરશદ વારસી, કુણાલ ખેમુ, શરમન જોશી, શ્રેયસ તલપડે અને તુષાર કપૂર જોવા મળી રહ્યા છે. પ્લસ બેકગ્રાઉન્ડમાં પહાડ, પુલ અને રસ્તાઓ દેખાઇ રહ્યા છે. રોહિત શેટ્ટીએ આ ફિલ્મના પોસ્ટરના કેપ્શનમાં લખ્યું છે કે, `હાસ્ય, મજા, ખુશી અને પરિવાર. બસ, બીજું કંઇ નહીં. 8 જાન્યુઆરી, 2027ના દિવસે રિલીઝ થશે.' જોકે, આ વખતે આશ્ચર્યની વાત એ છે કે, આ ફિલ્મ ફ્રેન્ચાઇઝીમાં અક્ષય કુમાર પણ સામેલ થઇ રહ્યો છે. જોઇએ અક્ષય કેવા રોલમાં હશે.

કોંકણા સેને અમોલ પારાશરને જન્મદિવસની શુભેચ્છા પાઠવી   

બોલિવૂડમાં છેલ્લા ઘણા સમયથી કોંકણા સેન કાર્યરત છે. અલબત્ત, કોંકણાએ ઘણી હિટ ફિલ્મો પણ આપી છે અને આજે પણ વર્ષે બે વર્ષે એક-બે ફિલ્મો કરી જ રહી છે. ગત સપ્તાહે તેણે સેમી સ્ટાર અમોલ પારાશરને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. કોંકણા સેને તેના માટે એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો શેર કર્યા બાદ યૂઝર્સ આ બંને વચ્ચે કંઇક રંધાઇ રહ્યું છે અથવા તો રિલેશનશિપમાં છે તેવી અટકળો ચલાવી રહ્યા છે. કોંકણા સેને બર્થડેનો વીડિયો શેર કરીને કેપ્શનમાં લખ્યું હતું કે, `જ્યારે તેનો જન્મદિવસ હોય ત્યારે તે કંઇ પણ કરવા ન ઇચ્છતો હોય.' આ વીડિયો ક્લિપમાં બંને જણા સાથે હોય છે અને બેકગ્રાઉન્ડમાં એક મ્યુઝિક પણ સંભળાઇ રહ્યું હોય છે. મૂળ આ એક કોમેડી ક્લિપ હોય છે, જેમાં સોશિયલ મીડિયા યૂઝર્સે પણ કોમેન્ટ સેક્શનમાં સ્વીટ હેપ્પી બર્થડે પ્લસ કેકનાં ઇમોજી મૂક્યાં હતાં. નોંધનીય છે કે, આ બંને સ્ટારે કેટલીક વેબ સીરિઝ અને ફિલ્મમાં સાથે કામ કર્યું છે. બંનેની કેમેસ્ટ્રી ખૂબ જ સારી દેખાય છે. 

લવ રંજનની ફિલ્મ `પહલા પ્યાર દૂસરી બાર'નું પોસ્ટર લોન્ચ કરાયું  

બોલિવૂડ ફિલ્મ લવર્સ લવ રંજનની ફિલ્મોને ખૂબ ચાહે છે. અલબત્ત, તેમની ફિલ્મોની દર્શકો કાગડોળે રાહ જોતા હોય છે. હવે લવ રંજન પોતાની આગામી ફિલ્મ `પહલા પ્યાર દૂસરી બાર' લઇને આવી રહ્યા છે અને તેના પોસ્ટર લોન્ચિંગને પણ તેમના ફેન્સે વધાવ્યું છે. પ્રસ્તુત ફિલ્મ પોસ્ટરમાં ફિલ્મની સ્ટારકાસ્ટને સમાવી લેવામાં આવી છે. આ ફિલ્મ ફ્રેન્ડશિપને લઇને બનાવવામાં આવી છે. ફિલ્મનું નિર્દેશન અનુજ સૈની કરી રહ્યા છે અને ફિલ્મ લવ ફિલ્મ્સના બેનર હેઠળ તૈયાર કરવામાં આવી છે. આ ફિલ્મમાં નવા ચહેરાઓ છે જેમાં અલીશા ચોપરા, સ્પર્શ વાલિયા, સાક્ષી વૈદ્ય, કુણાલ વૈદ્ય, સરગુન કૌર લુથરા અને તુષાર છિબ્બરનો સમાવેશ થાય છે. આ તમામ ઓન સ્ક્રીન ડેબ્યૂ કરવાનાં છે. નવા ચહેરાઓ હંમેશાં પડકારજનક હોય છે તેવું લવ રંજને એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું, કારણ કે દોઢ દશક પહેલાં પણ ફિલ્મ `પ્યાર કા પંચનામા'માં નવા ચહેરાઓ હતા આજે એ ચહેરાઓને દર્શકોએ વધાવ્યા છે. 

શું રણવીર સિંહ આઇપીએલ પર આધારિત ફિલ્મ કરશે? 

વર્ષ 2025-56માં બોલિવૂડમાં રણવીર સિંહે જે પ્રકારે બ્લોકબસ્ટર ફિલ્મ આપી છે, તેના આધારે મોટાભાગના ફિલ્મમેકર્સ તેને પોતાની ફિલ્મમાં લીડ રોલ આપવા માટે તલપાપડ બની રહ્યા છે. અલબત્ત, ફિલ્મમેકર સાજિદ નડિયાદવાલા આઇપીએલ કિંગ લલિત મોદી પર ફિલ્મ બનાવવામાં રસ લઇ રહ્યા છે, કારણ કે આઈપીએલના સર્જક તરીકે લલિત મોદીનું નામ આવે છે, તેથી સાજિદ નડિયાદવાલા લલિત મોદીની બાયોપિક બનાવવાની તડામાર તૈયારી કરી રહ્યા છે. આ ફિલ્મનું નિર્માણ તેમના બેનર નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઇનમેન્ટ દ્વારા તૈયાર કરવામાં આવશે. આ ફિલ્મના લીડ રોલ માટે રણવીર સિંહની પસંદગી થઇ શકે છે, કારણ કે થોડા વર્ષ પહેલાં લંડનમાં એક ઈન્ટરવ્યૂ દરમિયાન રણવીર સિંહે જો લલિત મોદી પર બાયોપિક બનશે તો તેમાં તે લીડ રોલ કરશે એવું જણાવ્યું હતું, તેથી બોલિવૂડ બેલ્ટમાં એવી ચર્ચા ચાલી છે કે, રણવીર સિંહ હવે લલિત મોદીની ભૂમિકા માટે પરફેક્ટ છે. ધુરંધરને લીધે રણવીર સિંહ જોરદાર રીતે લાઇમલાઇટમાં આવ્યો છે. 

સંજય લીલા ભણશાલી મહેશ બાબુને લઈને ફિલ્મ બનાવશે  

સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુ પોતાની આગામી ફિલ્મ `વારણસી'ને લઇને ટોક ઓફ ધ ઓલ ફિલ્મ ઈન્ડસ્ટ્રી છે. આ ફિલ્મ વર્લ્ડ વાઇડ બોક્સઓફિસ બ્રેક કરી શકે છે એવાં એંધાણ સર્જાયાં છે. વધુમાં આ ફિલ્મ રિલીઝ થયા બાદ મહેશ બાબુ બોલિવૂડ હિટ ફિલ્મમેકર સંજય લીલા ભણશાલી સાથે હાથ મિલાવી શકે છે. બોલિવૂડ ફિલ્મ મીડિયા રિપોર્ટ પ્રમાણે મહેશ બાબુ અને સંજય લીલા ભણશાલી થોડા દિવસ પહેલાં જ મળ્યા હતા અને આ દરમિયાન તેઓ એક પ્રોજેક્ટની પણ ચર્ચા કરી રહ્યા હતા. જોકે, સંજય લીલા ભણશાલી મહેશ બાબુને લઇને જ ફિલ્મ બનાવી રહ્યા છે તે વાતની કોઇ પુષ્ટિ નથી, પરંતુ સંજય લીલા ભણશાલી ખૂબ મોટી ફિલ્મ બનાવવા આતુર છે તે સ્પષ્ટ જણાઇ રહ્યું છે. હાલમાં સજંય લીલા ભણશાલી તેમની ફિલ્મ `લવ એન્ડ વોર'માં વ્યસ્ત છે. આ ફિલ્મ વર્ષ 2027માં રિલીઝ થવાની સંભાવના છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો