બોલિવૂડની સ્પાય યુનિવર્સની મોસ્ટ અવરેટેડ ફિલ્મ `અલ્ફા'ને લઈને અત્યારે સિનેલવર્સમાં જબરદસ્ત ક્રેઝ છે. આ એક્શન-પેક્ડ ફિલ્મમાં આલિયા ભટ્ટ જેવી સિનિયર સ્ટાર હોવા છતાં, હાલમાં સૌથી વધુ ચર્ચા શર્વરી વાઘની થઈ રહી છે. પોતાના પાવરફુલ પર્ફોર્મન્સ અને ફિઝિકલ ટ્રાન્સફોર્મેશનના કારણે શર્વરીએ સંપૂર્ણ લાઇમલાઇટ ચોરી લીધી છે. નોંધનીય છે કે, વર્ષ 2020માં કબીર ખાનની વેબ સીરિઝ `ધ ફોરગોટન આર્મી'થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરનાર શર્વરીએ 2021માં `બંટી ઔર બબલી 2'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું, જેના માટે તેને બેસ્ટ ડેબ્યૂનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો. ત્યારબાદ `મુંજ્યા', `મહારાજ' અને `વેદા' જેવી ફિલ્મોમાં પોતાની વૈવિધ્યસભર એક્ટિંગ સાબિત કરનાર શર્વરી માટે ફિલ્મ `અલ્ફા' તેની કરિયર બેસ્ટ ઓફ ધ બેસ્ટ ફિલ્મ સાબિત થઇ છે, જેની ખુશી શર્વરીના ચહેરા પર સ્પષ્ટ જણાઇ રહી છે.
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના આટલા મોટા પ્રોજેક્ટનો હિસ્સો બનીને કેવું લાગે છે?
સાચે જ, આ એક સપનું સાકાર થવા જેવું છે! વાયઆરએફ સ્પાય યુનિવર્સની પ્રથમ ફીમેલ લીડ એક્શન ફિલ્મનો હિસ્સો બનવું એ મારા માટે બહુ ગર્વની વાત છે. આ ફિલ્મ માટે મેં મારી જાતને પૂરેપૂરી સમર્પિત કરી દીધી હતી. જ્યારે દર્શકો અને મીડિયા તરફથી આટલો અદ્ભુત રિસ્પોન્સ મળે છે, ત્યારે બધી મહેનત સફળ થઈ ગઈ હોય તેવું લાગે છે.
ફિલ્મમાં આલિયા ભટ્ટ જેવી સુપરસ્ટાર છે, છતાં તમારી ચર્ચા જ વધુ થઈ રહી છે. આ કમ્પેરિઝનને તમે કેવી રીતે જુઓ છો?
આલિયા એક અદ્ભુત એક્ટ્રેસ છે અને તેની સાથે સ્ક્રીન શેર કરવી એ જ મારા માટે બહુ મોટું લર્નિંગ પ્લસ ટાસ્ક પણ હતો, પણ હા, જ્યારે લોકો એવું કહે છે કે આ ફિલ્મમાં હું વધુ ચર્ચામાં છું અથવા મારો લુક અને એક્શન લોકોને વધુ આકર્ષી રહ્યા છે, ત્યારે ખૂબ જ આનંદ થાય છે. એક ન્યૂ કમર તરીકે સ્થાપિત કલાકારો વચ્ચે પોતાની આગવી ઓળખ ઊભી કરવી સરળ નથી હોતી. આ ચર્ચા મારા આત્મવિશ્વાસને ઘણો વધારી દે છે કે દર્શકો મારી મહેનત અને સ્ક્રીન પ્રેઝન્સને નોટિસ કરી રહ્યા છે એનો મને આનંદ છે.
`બંટી ઔર બબલી 2'થી લઈને `અલ્ફા' સુધીની સફર. એક એક્ટ્રેસ તરીકે તમે ગ્રાફને કેવી રીતે જુઓ છો?
મારી શરૂઆત ભલે ધીમી રહી, પણ હું હંમેશાં એવા પ્રોજેક્ટ્સ પસંદ કરવા માંગતી હતી જ્યાં મને એક્ટિંગનો સ્કોપ મળે. `મુંજ્યા' અને `વેદા' જેવી ફિલ્મોએ મને એક અલગ ઓળખ આપી અને હવે `અલ્ફા' મારી કરિયરનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ રહી છે.
`અલ્ફા'માં ફિઝિકલ ટ્રાન્સફોર્મેશન માટે કેટલી મહેનત કરવી પડી?
આ ફિલ્મ માટે મેં મહિનાઓ સુધી એકદમ હાર્ડ ટ્રેનિંગ લીધી છે. મિક્સ્ડ માર્શલ આર્ટ્સ (MMA), કિકબોક્સિંગ અને ખાસ વેપન ટ્રેનિંગ. એક પ્રોફેશનલ એજન્ટ દેખાવા માટે માત્ર એક્શન આવડવી જરૂરી નથી, પણ બોડી લેંગ્વેજમાં એ શાર્પનેસ હોવી જોઈએ. ઘણી વખત શૂટિંગ દરમિયાન ઈજાઓ પણ થઈ હતી, પણ જ્યારે તમે કેમેરા સામે હોવ અને ડિરેક્ટર `એક્શન' બોલે, ત્યારે બધો દુખાવો અચાનક જ ગાયબ થઈ જાય છે.
હેક્ટિક શિડ્યુલ અને પાવરફુલ એક્શન રોલ્સ માટે તમારી ફિટનેસનું રહસ્ય શું છે?
મારા માટે ફિટનેસ એ માત્ર સિક્સ પેક એપ્સ કે પાતળા દેખાવા પૂરતી સીમિત નથી, પણ અંદરથી મજબૂત અને એનર્જેટિક રહેવા વિશે છે. `અલ્ફા' માટે મેં વેઈટ ટ્રેનિંગ અને કેલિસ્થેનિક્સ (Calisthenics) પર વધુ ફોકસ કર્યું હતું.
તમારો ડાયટ પ્લાન કેવો હોય છે અને જ્યારે શૂટિંગમાંથી ફુરસત મળે, ત્યારે તમે શું કરવાનું પસંદ કરો છો?
જ્યાં સુધી ડાયટનો સવાલ છે, હું ઘરના સાદા ખોરાકને જ પ્રાથમિકતા આપું છું. મારા ડાયટમાં હાઈ-પ્રોટીન અને મોડરેટ કાર્બોહાઈડ્રેટ્સ હોય છે. ઈંડા, ચિકન, લીલાં શાકભાજી અને સીઝનલ ફ્રૂટ્સ મારા રોજિંદા ડાયટનો મુખ્ય હિસ્સો છે. હું ચીટ મીલ પણ એન્જોય કરું છું, પણ માપમાં ખાવું ખૂબ જ મહત્ત્વનું છે. જ્યારે મને શૂટિંગ કે ટ્રેનિંગમાંથી ફુરસતનો સમય મળે, ત્યારે હું એકદમ રિલેક્સ થવાનું પસંદ કરું છું.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો