એમેઝોન પ્રાઇમ પર સતત હિટ રહેલી `મિર્ઝાપુર' સીરિઝે ઓટીટીની દુનિયામાં એક નવો ઇતિહાસ રચ્યો હતો. દર્શકોના દિલમાં કાલીન ભૈયા, મુન્ના ભૈયા, ગુડ્ડુ પંડિત અને બબલુ પંડિત જેવા પાત્રોએ ખાસ જગ્યા બનાવી લીધી છે. આવી લોકપ્રિય સીરિઝ પરથી ફિલ્મ બનાવવી એ દિગ્દર્શક માટે એક મોટું સાહસ અને જોખમ બંને હતાં, કેમ કે સીરિઝ લાંબી હોવાને કારણે તમે વાર્તાને વધારે સારી રીતે અને છુટથી કહી શકો છો જે ફિલ્મમાં શક્ય નથી. ત્રણ કલાકના સમયગાળામાં બહું જ માપી માપીને બધું બતાવવાનું હોય છે, પરંતુ ગત શુક્રવારે જ રિલીઝ થયેલી `મિર્ઝાપુર' ફિલ્મે સાબિત કરી દીધું છે કે જો વાર્તામાં પકડ અને સ્ક્રીનપ્લેમાં દમ હોય તો આ જોખમ પાર પાડી શકાય છે. જે દર્શકો સીરિઝની જ વાર્તા જોવા મળશે એવું વિચારીને ફિલ્મ જોવા ગયા હતા એમણે બેશક ઘણું નવું જોવા મળ્યું હશે અને મજાની વાત એ છે કે આ નવી વાર્તા પણ દર્શકોને ગમી જ રહી છે. એમ કહેવાય છે કે પહેલી સીરિઝની જ આ વાર્તા છે જે પહેલી સીરિઝના અમુક એપિસોડમાંથી ઉપજાવીને બનાવવામાં આવી છે. 

 ડાયરેક્ટરે મુળ સીરિઝ કરતાં થોડી અલગ અને વધુ આક્રમક સ્ટોરીલાઇન પસંદ કરીને મોટા પડદાની ભવ્યતાને પૂરેપૂરો ન્યાય આપ્યો છે. સીરિઝના જાણીતા અને ફેવરિટ પાત્રો કાલીન ભૈયા, મુન્ના ભૈયા, ગુડ્ડુ પંડિત અને બબલુ પંડિત એ જ જૂના તાંડવ સાથે પાછા ફર્યા છે. પરંતુ ફિલ્મનું સૌથી મોટું સરપ્રાઇઝ પેકેજ અને આકર્ષણ રવિ કિશનનું પાત્ર છે.

રવિ કિશનને ફિલ્મમાં એક દમદાર નેગેટિવ રોલમાં કાસ્ટ કરવામાં આવ્યા છે. કાલીન ભૈયા કે ગુડ્ડુ પંડિત જેવા સ્થાપિત અને લોકપ્રિય પાત્રોની હાજરી વચ્ચે પોતાની આગવી છાપ છોડવી સરળ નહોતી. તેમ છતાં, રવિ કિશને પોતાની સંવાદશૈલી અને વિલન તરીકેના કાતિલ હાવભાવ અને ગ્રે શેડ હોવા છતાં પણ સ્ત્રીઓ પ્રત્યેના તેમના આદરભાવ વાળા સ્વભાવથી એવું અદભુત પ્રદર્શન કર્યું છે કે તેઓ દરેક ફ્રેમમાં છવાઈ જાય છે. તેમનો આ ડાર્ક અવતાર પ્રેક્ષકોને જકડી રાખવામાં સફળ નીવડ્યો છે.

આ સિવાય ફિલ્મમાં ગુડ્ડુ પંડિતનું પાત્ર ભજવતા અલી ફઝલનું ટ્રાન્સફોર્મેશન ચર્ચાનો વિષય બન્યું છે. મોટા પડદા પર વધુ ખતરનાક અને શક્તિશાળી દેખાવા માટે અલીએ પોતાના ફિઝિક્સ પર ભારે મહેનત કરી છે. તેની મસ્ક્યુલર બોડી અને એક્શન સીન્સમાં દેખાતી ક્ષમતા દર્શાવે છે કે તેણે આ રોલ માટે કેટલી હદ સુધી પરસેવો પાડ્યો છે.

મિર્ઝાપુર સીરિઝના ફેન્સ માટે આ ફિલ્મ એક ઉત્સવ જેવી છે, જ્યારે નવા દર્શકો માટે આ એક હાઇ-વોલ્ટેજ ડ્રામા છે. મજાની વાત એ છે કે જે દર્શકોએ સીરિઝ નથી જોઇ એમને માટે પણ ફિલ્મ મજેદાર જ સાબિત થશે કેમ કે સીરિઝ કરતાં વાર્તા ઘણી જ અલગ છે. પાવર, બદલો અને ભોપાલ-યુપીની એ જ દેશી ગેંગસ્ટર સ્ટાઇલ સાથે બનેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પણ પોતાનો દબદબો સાબિત કરી રહી છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો