થોડા દિવસ પહેલાં જ ફિલ્મ `ધ ઈન્ડિયા સ્ટોરી'ના ટીઝરે સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા જગાવી હતી. નેટિજન્સે આ ટીઝરને વધાવ્યું હતું અને તેમનામાં આ વિષયને લઇને ભારે કુતૂહલ પણ જગાવ્યું હતું. પ્રસ્તુત ટીઝરમાં એક મોટું પ્રદર્શન જણાય છે જેમાં ખેડૂતો અને અન્ય સામાન્ય લોકો રસ્તા પર કાજલ અગ્રવાલ (વકીલ અર્ચના) સામે વિરોધ વ્યક્ત કરતા જણાય છે. તે ભીડ કાજલ અગ્રવાલની ગિરફ્તારીની માંગણી કરે છે. વધુમાં ટીઝરમાં કોર્ટ રૂમ દર્શાવાય છે. જેમાં શ્રેયસ તલપડે (યોગેશ પાંડે) પોતાની સાત વર્ષીય દીકરીના મૃત્યુ માટે ન્યાય માંગે છે. તેના કહેવા પ્રમાણે તેની દીકરી કેન્સરના કારણે નહીં, પરંતુ ખાવામાં થયેલી મિલાવટ તેમજ પેસ્ટિસાઇડને કારણે થઇ છે! મૂળ ટીઝરમાં કાજલ અગ્રવાલ વકીલની ભૂમિકા ભજવે છે અને તે પેસ્ટિસાઇડ બનાવતી કંપનીઓ સામે જંગ ખેલતી જોવા મળે છે. ટીઝરના અંતે કાજલ અગ્રવાલને એક મહિલા થપ્પડ પણ મારી દે છે. કાજલ અગ્રવાલની વકીલની ભૂમિકા જોવા તેમના ફેન્સ ઉત્સુક જોવા મળ્યા છે.   

ઇશા દેઓલ પોતાના જીવનમાં રોમાન્સને મિસ કરે છે

દેઓલ પરિવારની લાડલી ઇશા દેઓલે એક મીડિયા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, દરેક મનુષ્યના જીવનમાં લવ અને રોમાન્સ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. હું આજે પણ મારા જીવનમાં રોમાન્સને મિસ કરું છું. મને રોમેન્ટિક થવું ખૂબ જ પસંદ છે અને હું સંપૂર્ણ રીતે રોમ-કોમ ટાઇપની માણસ છું. મને લવસ્ટોરી પ્લસ લવ સોંગ્સ ખૂબ જ ગમે છે. હું હંમેશાં લવસ્ટોરીને જોવી તેમજ વાંચવી પસંદ કરું છું. ઇશા દેઓલે પોતાની વાતના અંતે સ્મિતપૂર્વક જણાવ્યું હતું કે જુઓ, બ્રેકઅપ કે પેચઅપ તો થતા જ રહે છે, મારા પહેલાં પણ બોયફ્રેન્ડ રહ્યા હતા તેમજ તેમાં પણ બ્રેકઅપ ને એવું બધું થતું જ હતું. ટૂંકમાં, તેમના જણાવ્યા પ્રમાણે આ બધું જિંદગીનો એક ભાગ છે અને તેને લઇને હું પ્રેમમાં મારા વિચાર બદલી શકતી નથી. અમે સૌએ હેમાજી અને ધર્મેન્દ્રજી વચ્ચે શરત વગરનો પ્રેમ જોયો છે અને જીવ્યો છે!   

ફિલ્મ `રાકા'માં રશ્મિકા મંદાના અલ્લુ સાથે સ્ક્રીન શેર કરશે

માત્ર સાઉથની ફિલ્મોમાં જ નહીં, પરંતુ બોલિવૂડમાં પણ રશ્મિકા મંદાનાએ પોતાનો ડંકો વગાડી દીધો છે. એક સમય હતો કે, રશ્મિકા મંદાનાનું બોલિવૂડ ડેબ્યૂ ફ્લોપ જતાં તે હવે બોલિવૂડ પરત નહીં ફરે તેવી વાત ફિલ્મજગતમાં ચાલી હતી, પરંતુ આજે બોલિવૂડની અધધ ફિલ્મો રશ્મિકા મંદાનાના હાથમાં છે. થોડા દિવસ પહેલાં જ તેની ફિલ્મ `કોકટેલ 2' રિલીઝ થઇ હતી, જે એવરેજ હિટ સાબિત થઇ રહી છે. આજે ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ફિલ્મમેકર્સ રશ્મિકા મંદાનાને પોતાની ફિલ્મમાં સમાવવા માંગે છે. નોંધનીય છે કે, હવે રશ્મિકા મંદાના અલ્લુ અર્જુનની ફિલ્મ `રાકા'માં મહત્ત્વની ભૂમિકામાં દેખાશે. આ ફિલ્મનું કુલ બજેટ 700 કરોડ રૂપિયા આંકવામાં આવ્યું છે. વધુમાં આ ફિલ્મમાં શાહરુખ ખાનનો કેમિયો છે એવું પણ ચર્ચાઇ રહ્યું છે. રશ્મિકા અને અલ્લુના ફેન આ ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે, કારણ કે પુષ્પા ફ્રેન્ચાઈઝીમાં સફળ થયેલું કપલ `રાકા' ફિલ્મને પણ વધુ સફળ બનાવી શકે છે.

અનુપમ ખેર અઢી દશક બાદ બંગાળી ફિલ્મ કરશે

બોલિવૂડના દિગ્ગજ સ્ટાર્સમાં અનુપમ ખેરનો સમાવેશ થાય છે. અનુપમ ખેરે અત્યાર સુધી દરેક પ્રકારની ફિલ્મ અને અનેક પ્રકારની ભૂમિકાઓ ભજવીને દર્શકોનું મનોરંજન કર્યું છે. આજે પણ તેઓ ફિલ્મોમાં દમદાર ભૂમિકા ભજવી રહ્યા છે. થોડા દિવસ પહેલાં જ તેમણે જાહેર કર્યું હતું કે, તેઓ એક બંગાળી ફિલ્મ બનાવવા જઇ રહ્યા છે અને તેઓ બંગાળમાં પોતે એક એક્ટિંગ સ્કૂલ ખોલવા પણ જઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, અનુપમ ખેરની કંપની `અનુપમ ખેર સ્ટુડિયો', `ફ્રેન્ડ્સ કોમ્યુનિકેશન' અને નિર્માતા ફિરદૌસુલ હસનની સીથે મળીને તેઓ એક બંગાળી ફિલ્મ બનાવવા જઇ રહ્યા છે તેનું નામ `શુરુ ઠેકે શુરુ (Shuru Theke Shuru)' રાખ્યું છે. નોંધનીય છે કે, તેમણે અંદાજિત 26 વર્ષ પહેલાં ફેમસ નિર્દેશક રિતુપર્ણો ઘોષની સાથે મળીને `બારીવાલી' નામની એક બંગાળી ફિલ્મ પણ કરી હતી. અલબત્ત, તેઓ નવી ફિલ્મની શરૂઆત પણ તે જ જગ્યાથી કરી રહ્યા છે. હવે જોવું રહ્યું કે તેમની ફિલ્મ બોલિવૂડ ફિલ્મની જેમ બોક્સઓફિસ બ્રેક કરે છે કે કેમ?   

પુલકિત સમ્રાટ સલમાન ખાનની એક વાત હંમેશાં યાદ રાખે છે

વર્ષ 2012માં ફિલ્મ `બિટ્ટુ બોસ'થી પુલકિત સમ્રાટે બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. જોકે, આ ફિલ્મ સુપર ફ્લોપ સાબિત થઇ હતી. આ દરમિયાન પુલકિત થોડો નર્વસ થયો હતો, પરંતુ આ ફિલ્મ બાદ તેની `ફુકરે' આવી હતી, જેણે દર્શકોનાં દિલ જીત્યાં હતાં. વધુમાં તેની ફુકરે ફ્રેન્ચાઇઝી પણ હિટ સાબિત થઇ છે. આજ પુલકિતની ઘણી ફિલ્મો રિલીઝ થાય છે, જે એવરેજ હિટ જાય છે. થોડા સમય પહેલાં જ તેની `ગ્લોરી' ફિલ્મ આવી હતી જે ફ્લોપ સાબિત થઇ હતી. તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં પુલકિતે જણાવ્યું હતું કે, મને સલમાન સરે ભારપૂર્વક જણાવ્યું હતું કે, હું સલમાન ખાન છું, મને પણ મારી ફિલ્મનો આવતો શુક્રવાર બોક્સઓફિસ બ્રેક કરશે કે કેમ? તેના વિશે જાણકારી હોતી નથી, તો તારે શું કામ નર્વસ થવું પડે કે ટેન્શન લેવું પડે! બસ, ત્યારથી હું મારા ફિલ્મી શુક્રવારે કોઇ પણ પ્રકારનું ટેન્શન રાખતો નથી.  

દિગ્ગજ સિનેમેટોગ્રાફર દિલીપ રેનું દુઃખદ નિધન

ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પહેલી હરોળના સિનેમેટોગ્રાફરમાં દિલીપ રેનું નામ અદબથી લેવામાં આવતું હતું. તેઓએ ઉડિયા અને બંગાળી ફિલ્મોમાં વિશેષ યોગદાન આપ્યું હતું. ગત શુક્રવારે તેમનું ભુવનેશ્વર ખાતેની એક ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ નીપજ્યું હતું. તેમની ઉંમર 72 હતી અને છેલ્લા કેટલાક સમયથી બીમાર પણ જણાતા હતા. તેમણે તેમના જીવનકાળ દરમિયાન પાંચ વાર ઓરિસ્સા રાજ્ય ફિલ્મ પુરસ્કાર જીત્યો હતો. તેમણે પોતાની ફિલ્મી કરિયરમાં 80થી વધુ ઉડિયા ફીચર ફિલ્મો અને અંદાજિત 12થી 15 બંગાળી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમણે ફિલ્મોને બાદ કરતાં ડોક્યુમેન્ટરી ઉપરાંત ટેલિવિઝન શ્રેણીમાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવીને દર્શકોનાં દિલ જીત્યાં હતાં. તેમની યાદગાર સફળ ફિલ્મોમાં `તિસંધ્યા', `બાજે બેન્સી નાચે ઘુંગુરા', `ચકા ભૌંરી', `ઇ તા દુનિયા', `મમતા રા ડોરા', `માજી પહાચા' અને `બિધિરા બિધાના' જેવી ઉડિયા (ઓરિસ્સા) ફિલ્મનો સમાવેશ થાય છે. 


આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો