કંગના રનૌતની સફળતાની વ્યાખ્યા આંકવી હોય તો એક લીટીમાં એવું કહી શકાય કે, શાહરુખ ખાન, આમિર ખાન અને સલમાન ખાન સાથે ફિલ્મ કર્યા વગર બોક્સઓફિસ પર સો કરોડની બેક ટુ બેક સક્સેસ ફિલ્મ તેના નામે લખાયેલી છે. સુપરસ્ટાર હીરોની સાથે ફિલ્મ કરવાને બદલે કંગનાએ સુપરસ્ટોરીની ફિલ્મો કરી. કંગના તેના નામ પર ફિલ્મોને હિટ કરાવવાની ક્ષમતા ધરાવે છે, પણ હાલના સમયમાં એ શક્ય બનશે ખરું? કંગનાના ઘરના દીવાનખંડમાં નેશનલ એવોર્ડથી લઈને અનેક એવોર્ડ્સની ટ્રોફી ચમકે છે અને એ તેની પ્રતિભાને બતાવે છે. તેની ફિલ્મોએ કોઈ પણ સુપરસ્ટાર હીરોના સહારા વગર સુપર સક્સેસ મેળવી છે એ તેનું કૌવત બતાવે છે. કંગનાની આજે ભારત ભાગ્ય વિધાતા ફિલ્મ રિલીઝ થવાની છે.  


ફિલ્મ સાથે જોડાયેલો વિષય સૌ કોઈ જાણે છે. મુંબઈમાં થયેલો 26-11નો આતંકી હુમલો. આ કાળમુખી ઘટના પર અનેક ડોક્યુમેન્ટરી અને દસ્તાવેજી ફિલ્મો બની છે, પણ કંગનાએ આ આતંકી હુમલામાં એવા હીરોની વાત કરી છે જેમની વાત સામાન્ય રીતે કોઈએ કરી નથી. હોસ્પિટલ, ડોક્ટર, નર્સ અને આ ક્ષેત્ર સાથે જોડાયેલા જાંબાઝોની હિંમત, સાહસ અને એ ડરામણા સમયમાં સ્થિતપ્રજ્ઞ બનીને કામ કરતા લોકોની વાતને કંગનાની ફિલ્મમાં કહેવામાં આવી છે. ફિલ્મનું ડિરેક્શન મનોજ તાપડિયાએ કર્યું છે અને કંગના સાથે આ ફિલ્મમાં ગિરિજા ઓક, સ્મિતા તાંબે જેવાં કલાકારો છે.   

કંગનાનો હાલનો ફિલ્મી સમયકાળ સારો નથી ચાલી રહ્યો. રાજનીતિમાં કંગના મોસ્ટ એક્ટિવ છે. એવું નથી કે કંગનાને ફિલ્મો મળવાનું બંધ થઈ ગયું, પણ કંગનાની ફિલ્મોને બોક્સઓફિસ પર ધમાકેદાર પ્રતિસાદ મળવાનું બંધ થવા લાગ્યું છે. 

કંગનાની ફિલ્મની સોલો લીડ તે પોતે જ હોય છે. હિન્દી સિનેમા પાસે બોક્સઓફિસ પર સૌથી વધુ પાવર ઊભો કરનારી અભિનેત્રીમાં કંગનાનું નામ સૌથી પહેલું આવે. હજાર કરોડની ફિલ્મો આપનાર અભિનેત્રીઓ છે, પણ એ ફિલ્મ હીરોના દમ પર મોટાભાગે હિટ થયેલી હોય છે. અભિનેત્રીના કેન્દ્રમાં આખી ફિલ્મની વાર્તા હોય અને બોક્સઓફિસ પર હિટ થવાનો ટ્રેન્ડ સેટ કરવામાં કંગનાએ નવી કેડી કંડારી હતી. 2017ના વર્ષથી વાત કરીએ તો કંગનાની ફિલ્મ ભલે ફ્લોપ ગઈ હોય, પણ તેની ફિલ્મમાં કોઈ બ્રાન્ડ હીરોના સહારાની જરૂર પડી નથી. સિમરન, મણિકર્ણિકા, જજમેન્ટલ હૈ ક્યા, પંગા, થલાઈવી, ધાક્કડ, તેજસ અને ઈમરજન્સી ફિલ્મ કંગનાએ કરી. દરેક ફિલ્મની કથાની નાયિકા કંગના પોતે જ હતી. સફળતાનો સૂચકઆંક ઘટવા લાગ્યો, પણ કંગનાએ ફિલ્મજગતમાં વુમન એમ્પાવરમેન્ટ મજબૂત કરવાનું ચાલુ જ રાખ્યું છે.  

છેલ્લા વર્ષોમાં રિલીઝ થયેલી ફિલ્મોએ કંગનાની ફિલ્મોગ્રાફીમાં ફ્લોપની સંખ્યા વધારી એ વાત પણ નકારી શકાય નહીં. જયલલિતાની બાયોપિક થલાઈવી, એક્શન થ્રિલર ધાક્કડ, તેજસ અને ઈન્દિરા ગાંધીના કિરદારમાં ઈમરજન્સી સુપરફ્લોપ ફિલ્મો રહી હતી. કંગનાની ફ્લોપ કરિયરને હિટ ટ્રેક પર લાવવી જરૂરી છે. અન્યથા એક વખતની બોક્સઓફિસ ક્વીનના ટાઈટલ તેના નામ સાથે જોડાઈ જશે, પણ સિલ્વર સ્ક્રીન પર તેના નામે આવતો ફૂટફોલ બંધ થવા લાગશે. 

કંગનાની ફિલ્મનું નામ ભારત ભાગ્ય વિધાતા પ્રભાવક છે. સૌ કોઈને આકર્ષે તેવું છે, પણ સિલ્વર સ્ક્રીન પર સિનેમેટિક ટ્રીટમેન્ટ પરફેક્ટ આપી છે કે નહીં એ તો આજથી શરૂ થતાં બોક્સઓફિસ મીટર પરથી અંદાજો આવશે. આ ફિલ્મને દર્શકો અપનાવશે કે નહીં એ કળવું અત્યારે મુશ્કેલ છે.   

કંગનાની ફિલ્મ કરિયરની શરૂઆત પણ તોફાની જ હતી. ઘરના લોકોએ તેનો સ્વીકાર કરવાની ના પાડી ત્યારે આ ધાક્કડ ગર્લ્સે ફિલ્મોમાં કરિયર બનાવવાનું નક્કી કરી લીધું હતું. ગેંગસ્ટર ફિલ્મના દિગ્દર્શક અનુરાગ બાસુએ 2005ના વર્ષમાં કંગનાને એક કાફેમાં જોઈ હતી અને તેમના મનમાં ચાલી રહેલી ફિલ્મની નાયિકા તેમને દેખાવા લાગી. અનુરાગે ગેંગસ્ટર ફિલ્મ બનાવી અને સિમરનનો લીડ રોલ કંગનાને મળ્યો. ત્યારે કંગનાની ઉંમર સત્તર વર્ષની હતી. ગેંગસ્ટરે ફિલ્મીજગતના દરવાજા ખોલી નાખ્યા. ફેશન ફિલ્મ માટે નેશનલ એવોર્ડ મળ્યો ત્યારે સૌથી નાની વયે એવોર્ડ જીતનારી અભિનેત્રી હતી. બેક ટુ બેક નેશનલ એવોર્ડ જીતવામાં શબાના આઝમીની સાથે કંગનાએ નામ નોંધાવ્યું હતું. 

2014માં ક્વીન ફિલ્મ અને 2015માં તનુ વેડ્સ મનુ રિટર્ન્સ ફિલ્મ માટે બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. એક જ વર્ષે બે ફિલ્મો માટે નેશનલ એવોર્ડ જીતનારી એકમાત્ર અભિનેત્રી કંગના રનૌત છે. 2019ના વર્ષમાં મણિકર્ણિકા અને પંગા ફિલ્મ માટે કંગનાને બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. ચાર નેશનલ એવોર્ડ જીતનારી અભિનેત્રીમાં કંગનાનું નામ છે.     

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: