હિન્દી સિનેમા માટે મહત્વપૂર્ણ છે કારણ કે તે દરેક ભૂમિકામાં ઊંડું અને ઉચ્ચ કૌશલ્ય લાવે છે. અલગ તરી આવવા માટે તેને મોટા નાયકની ભૂમિકાઓની જરૂર નથી. તે નાની ભૂમિકાઓને પણ અદભૂત નિભાવે છે અને જે પણ ફિલ્મમાં કામ કરે છે તેને શ્રેષ્ઠ બનાવે છે તે કે કે મેનન તેજસ્વી, તીક્ષ્ણ સંવાદ ડિલિવરી, નાટકીય તીવ્રતા અને અજોડ વૈવિધ્યતા માટે પ્રશંસા પામે છે. સઈદ અખ્તર મિર્ઝા દ્વારા નિર્દેશિત 1995ની ડ્રામા ફિલ્મ 'નસીમ'માં એક નાની ભૂમિકા સાથે ફીચર ફિલ્મમાં પદાર્પણ કર્યું હતું પરંતુ ખરી ઓળખ 1999માં આવેલી અને વિવેચકો દ્વારા ખૂબ વખણાયેલી ફિલ્મ `ભોપાલ એક્સપ્રેસ' માં ભજવેલી ભૂમિકાથી મળી. હિન્દી સિનેમાના સૌથી પ્રભાવશાળી, બહુમુખી પ્રતિભા ધરાવતા અને આદરણીય અભિનેતાઓ પૈકીના એક તરીકે વ્યાપકપણે જાણીતા છે. સંયમિત અભિનય અને પડદા પરની પ્રભાવશાળી ઉપસ્થિતિ માટે જાણીતા એવા તેમણે ગંભીર ડ્રામા, મુખ્ય પ્રવાહની થ્રિલર ફિલ્મો અને વખણાયેલી વેબ સિરીઝમાં યાદગાર ભૂમિકાઓ ભજવી છે.

2004ની એક્શન-થ્રિલર ફિલ્મ `દીવાર: લેટ્સ બ્રિંગ અવર હીરોઝ હોમ'માં, કે કે મેનને પાકિસ્તાનની અત્યંત સુરક્ષિત જેલના ગણતરીબાજ જેલર `સોહેલ મિયાં' તરીકે ધારદાર, સંયમિત અને ભયાનક અભિનય રજૂ કર્યો હતો. મોટા અવાજે, સ્નાયુબદ્ધ ખલનાયકની ભૂમિકા ભજવવાને બદલે, મેનને મનોવૈજ્ઞાનિક તણાવ પર આધાર રાખ્યો હતો. તેની પાસે મર્યાદિત દ્રશ્યો અને ખૂબ ઓછા સંવાદો હતા, તેમ છતાં શાંત અને સંયમિત દુષ્ટતાએ સૌનું ધ્યાન ખેંચ્યું. `બિગ બી' સાથેના તણાવપૂર્ણ અને નાટ્યાત્મક મુકાબલાને અભિનયના મુખ્ય આકર્ષણ તરીકે વ્યાપકપણે નોંધ લેવામાં આવ્યા હતા. તો `બ્લેક ફ્રાઈડે'; 1993ના મુંબઈ બોમ્બ વિસ્ફોટો પર આધારિત ફિલ્મમાં પોલીસ અધિકારી રાકેશ મારિયાની ભૂમિકા ભજવી હતી જે વખણાઈ હતી. ફિલ્મમાં આતંકવાદી સાથેના પૂછપરછનું દ્રશ્ય આજે પણ લોકોના મનમાં તાજું છે.

2005માં રિલીઝ થયેલી ફિલ્મ સરકારમાં સુભાષ નાગરેના મોટા પુત્ર વિષ્ણુ નાગરેની ભૂમિકા ભજવી હતી જે એક નિષ્ફળ ફિલ્મ નિર્માતા છે, તે તેના પિતાના દુશ્મનોના હાથનું રમકડું બની જાય છે અને અંતે પોતાના જ પિતાની હત્યા કરવાનો પ્રયાસ કરે છે. ગુસ્સાથી ભરેલા અને માનસિક સંતુલન ગુમાવી બેઠેલા પુત્રના પાત્રને અત્યંત કુશળતાપૂર્વક ભજવ્યું હતું. ફિલ્મ શૌર્યનો બ્રિગેડિયર પ્રતાપ ફિલ્મનો પ્રાણ હતા. આર્મી ઓફિસર બ્રિગેડિયર રુદ્ર પ્રતાપ સિંહની ભૂમિકા ભજવી હતી. પડદા પર જે નફરત રજૂ કરી છે તે રૂંવાડાં ઊભા કરી દે છે. 

2 ઓક્ટોબર, 1966ના રોજ કેરળમાં જન્મ, પરંતુ મહારાષ્ટ્રના પુણે અને અંબરનાથમાં ઉછેર, પ્રાથમિક શિક્ષણ પુણેની સેન્ટ જોસેફ હાઈસ્કૂલ, ત્યારબાદ મુંબઈ યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્ર (ફિઝિક્સ)માં ડિગ્રી મેળવી. ફરી પુણે યુનિવર્સિટીમાંથી એમબીએ (MBA) કર્યું. શિક્ષણ પૂર્ણ કર્યા બાદ તેઓ જાહેરાત ક્ષેત્રે (એડવર્ટાઈઝિંગ ઈન્ડસ્ટ્રીમાં) જોડાયા. નાનપણથી જ રંગમંચ અને નાટકો સાથે જોડાઈને અભિનયની બારીકાઈઓ શીખ્યા. કોઈપણ પ્રકારની ભૂમિકામાં સહજતાથી ઢળી જાય છે, ભલે તે `બ્લેક ફ્રાઈડે'માં પોલીસ અધિકારી હોય, `ગુલાલ'માં પ્રભુત્વ જમાવતા રાજકારણી હોય કે `હૈદર'માં ખલનાયક હોય. વેબ સિરીઝ `સ્પેશિયલ ઓપ્સ'માં `હિંમત સિંહ' ની તેની ભૂમિકાએ ખૂબ લોકપ્રિયતા મેળવી. આ ઉપરાંત, `ફર્ઝી' અને `ધ રેલવે મેન'માંના તેના કામની પણ ભારે પ્રશંસા થઈ. મૂળે રંગભૂમિમાંથી મોટા પડદા પર પદાર્પણ કરનારા કેટલાક કલાકારોમાંથી એક કે કે મેનન છે. ચોક્કસપણે કહેવું પડે કે સખત મહેનત, ઉત્કૃષ્ટ અભિનય ક્ષમતા અને આગવી શૈલી દ્વારા હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં પોતાનું એક વિશિષ્ટ સ્થાન બનાવ્યું છે. એક એવો માણસ જે પોતાની અભિનય ક્ષમતાથી ચીસ પાડવા, હસવા અને રડવા મજબૂર કરી દે છે તે કે કે મેનનનું નામ શું છે તે ખબર છે? કૃષ્ણ...કૃષ્ણ કુમાર મેનન!    

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો