ખુશી દુબેએ તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં પડદા પર બોલ્ડ અને ઈન્ટિમેટ સીન્સ કરવા અંગે ખૂલીને વાત કરી છે. 25 વર્ષની ખુશીએ ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે `નાગિન' સીરિયલથી પોતાની કરિયરની શરૂઆત કરી હતી અને હવે તે ટૂંક સમયમાં નવો શો `પાપા કહતે હૈં'માં જોવા મળશે. ખુશી તેનાં બોલ્ડ પાત્રો માટે જાણીતી છે. અગાઉ તેણે લોકપ્રિય સીરિયલ `આશિકાના'માં તેના સહઅભિનેતા ઝેન ઇબાદ ખાન સાથે ઘણા ઈન્ટિમેટ સીન્સ આપ્યા હતા, જેણે ટીવી ઇન્ડસ્ટ્રીમાં ઘણી ચર્ચા જગાવી હતી. જ્યારે તેને ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું કે શું તેણે આ સીન્સ માટે કોઈ લિમિટ નક્કી કરી છે કે પછી તે સ્ક્રીન શો-ઓફ કરવામાં કમ્ફર્ટેબલ છે? ત્યારે તેણે જણાવ્યું કે, જ્યારે પણ કોઈ રોલ ઓફર થાય છે ત્યારે એક કલાકાર તરીકે તેની ભૂમિકા કેટલી મહત્ત્વની છે, એ વાતનું હું ધ્યાન રાખું છું, પણ જો કોઈ ફિલ્મ કે શોમાં જબરદસ્તીથી ઈન્ટિમેટ સીન ઉમેરવામાં આવે તો તે વલ્ગર (અશ્લીલ) લાગે છે, પરંતુ જો તે વાર્તાની માંગ હોય તો તે યોગ્ય છે.   

સુમ્બુલની મોટી સફળતા, ખરીદ્યું નવું આલિશાન ઘર

ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીની લોકપ્રિય અને ટેલેન્ટેડ યુવા અભિનેત્રી સુમ્બુલ તૌકીર ખાનહાલમાં સોશિયલ મીડિયાથી લઈને ન્યૂઝ ચેનલોમાં ભારે ચર્ચામાં છે. સુપરહિટ ટીવી સીરિયલ `ઈમલી' અને રિયાલિટી શો `બિગ બોસ' દ્વારા ઘર-ઘરમાં જાણીતી બનેલી 20 વર્ષીય સુમ્બુલે મુંબઈમાં પોતાનું નવું આલિશાન ઘર ખરીદ્યું છે. નાની ઉંમરે આટલી મોટી સિદ્ધિ મેળવ્યા બાદ સુમ્બુલે તેના પરિવાર સાથે નવા ઘરમાં `ગૃહપ્રવેશ'ની પૂજા રાખી હતી. તેણે સોશિયલ મીડિયા પર આ ખાસ પળોની સુંદર તસવીરો અને વીડિયો શેર કર્યા છે. આ વીડિયોમાં તે તેના પિતા અને બહેન સાથે પરંપરાગત અંદાજમાં પૂજા કરતી અને ખુશી મનાવતી જોવા મળે છે. મુંબઇ જેવા મહાનગરમાં નાની ઉંમરે પોતાનું ઘર ખરીદવું અઘરું છે. ચાહકો અને ટીવી ઇન્ડસ્ટ્રીના સેલેબ્સ તેને નવા ઘર માટે અભિનંદન આપી રહ્યા છે. સુમ્બુલે જણાવ્યું કે, મુંબઇમાં ઘર લેવું એ મારું સપનું હતું, જે સખત મહેનત અને ચાહકોના પ્રેમને કારણે પૂરું થયું છે.

પુત્રી સ્વરાનાં લગ્નમાં ઝૂમી ઊઠ્યા `તારક મહેતા' અને તેમની પત્ની

ટીવીજગતની સુપરહિટ સીરિયલ `તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'માં લાંબા સમય સુધી `તારક મેહતા'નું પાત્ર ભજવીને લોકપ્રિય થયેલા અભિનેતા અને કવિ શૈલેષ લોઢાના ઘરે થોડા દિવસ પહેલાં જ પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. વાત જાણે એમ છે કે, શૈલેષ લોઢાની દીકરી સ્વરા તાજેતરમાં જ લગ્નગ્રંથિથી જોડાઈ. મુંબઈના બાંદ્રાસ્થિત પ્રતિષ્ઠિત હોટલમાં આ લગ્ન ખૂબ જ ખાનગી રીતે, માત્ર નજીકના સંબંધીઓની હાજરીમાં સંપન્ન થયાં હતાં. લગ્ન ભલે પ્રાઈવેટ રાખવામાં આવ્યા હોય, પરંતુ હવે સોશિયલ મીડિયા પર તેના વીડિયો અને તસવીરો વાઇરલ થઈ રહ્યા છે. આ લગ્ન સમારોહમાં પ્રખ્યાત ગાયકો કૈફી અને હમઝા શબરીએ લાઈવ પર્ફોર્મન્સ આપ્યું હતું. વીડિયોમાં શૈલેષ લોઢા ગાયકો સાથે ગીતો ગાતા અને બોલિવૂડનાં ગીતો પર જોરદાર ડાન્સ કરતા જોવા મળે છે.   

જોકે, આ વાઇરલ વીડિયો જોયા પછી ચાહકો પોતાની ઉત્સુકતા રોકી શક્યા નથી અને કમેન્ટ બોક્સમાં લખ્યું કે, તમારા પરમ મિત્ર જેઠાલાલ લગ્નમાં કેમ નથી?

5 દિવસ બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ જેસ્મિન ભસીન

અભિનેત્રી જેસ્મિન ભસીનના ફેન્સ માટે રાહતના સમાચાર આવ્યા છે. જેસ્મિન હવે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ગઈ છે અને ભારત પરત ફરીને ઘરે આરામ કરી રહી છે. તેણે સોશિયલ મીડિયા પર પોતાની તબિયત અંગે અપડેટ શેર કર્યું છે. જેસ્મિને પોસ્ટ શેર કરીને લખ્યું છે કે, હું હોસ્પિટલમાંથી ઘરે પાછી આવી ગઇ છું અને આરામ કરી રહી છું. ધીમે ધીમે રિકવરી આવી રહી છે. હવે કોઇ ચિંતાની વાત નથી. તમારી પ્રાર્થનાઓ અને સંદેશાઓ માટે દિલથી આભાર. જેસ્મિન તેના બોયફ્રેન્ડ અલી ગોની સાથે પોતાનો જન્મદિવસ ઊજવવા દુબઈ ગઈ હતી, પરંતુ ત્યાં પહોંચતાં જ તેની તબિયત અચાનક ખૂબ બગડી ગઈ અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. તેને `ટર્મિનલ ઇલિયાઇટિસ' નામની બીમારી થઈ છે, જે નાના આંતરડાના અંતિમ ભાગમાં થતો ગંભીર સોજો અને ઇન્ફેક્શન છે. આ બીમારીના કારણે જેસ્મિનનો જન્મદિવસ હોસ્પિટલનામાં જ વીત્યો હતો.

જેનિફર વિંગેટ ટૂંક સમયમાં જ ટીવી પર ધમાકેદાર વાપસી કરશે 

ટેલિવિઝન જગતની સૌથી લોકપ્રિય અને પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક જેનિફર વિંગેટના ચાહકો માટે સારા સમાચાર છે. `દિલ મિલ ગયે', `બેહદ' અને `બેપનાહ' જેવી સુપરહિટ સીરિયલ્સમાં પોતાની અદ્ભુત એક્ટિંગનો જાદુ ચલાવનાર જેનિફર લાંબા સમયથી ટીવી સ્ક્રીન પરથી ગાયબ છે, પરંતુ હવે તેના કમબેકની ચર્ચાઓએ જોર પકડ્યું છે. છેલ્લા કેટલાક સમયથી જેનિફર ઓટીટી પ્લેટફોર્મ પર વેબ સીરિઝ પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત હતી, પરંતુ તાજેતરના મીડિયા અહેવાલો અનુસાર, એક અગ્રણી પ્રોડક્શન હાઉસે એક મોટા બજેટના ડેઇલી સોપ માટે જેનિફરનો સંપર્ક કર્યો છે. આ સીરિયલમાં તે ફરી એકવાર એક શક્તિશાળી અને પડકારજનક મુખ્ય ભૂમિકામાં જોવા મળી શકે છે. જોકે, જેનિફર અથવા પ્રોડક્શન હાઉસ તરફથી હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ આ સમાચાર સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં જ તેના ફેન્સમાં ભારે રોમાંચ જોવા મળી રહ્યો છે. જેનિફર હંમેશાં સ્ક્રિપ્ટની બાબતમાં ખૂબ જ ચોક્કસ હોય છે, તેથી ચાહકો આશા રાખી રહ્યા છે કે તેની વાપસી અગાઉની જેમ જ ધમાકેદાર અને કંઈક અલગ અંદાજમાં હશે.   

દીકરાની ઇમ્યુનોથેરાપીથી ભાંગી પડી છે એક્ટ્રેસ દીપિકા કક્કર 

ટીવીજગતની જાણીતી અભિનેત્રી દીપિકા કક્કર હાલમાં તેના અંગત જીવનમાં એક મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે. તાજેતરમાં જ દીપિકાએ તેના વ્લોગ દ્વારા ચાહકો સાથે એક દુઃખદ સમાચાર શેર કર્યા છે, જેને સાંભળીને તેના ફેન્સ પણ ચિંતામાં મુકાઈ ગયા છે. દીપિકાનો 3 વર્ષનો પુત્ર રુહાન હાલમાં ઇમ્યુનોથેરાપીમાંથી પસાર થઈ રહ્યો છે, જેના કારણે તે ખૂબ જ પીડા અને મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. પોતાના વ્લોગમાં ભાવુક થતાં દીપિકાએ જણાવ્યું કે, આ થેરાપીના કારણે તેનો નાનો દીકરો શારીરિક અને માનસિક રીતે ખૂબ જ થાકી ગયો છે. તેને આ સ્થિતિમાં જોવો મારા માટે અસહ્ય છે. દીપિકા અને શોએબ ઈબ્રાહિમના પુત્ર રુહાનની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ડોક્ટરોની સલાહ પર આ ઇમ્યુનોથેરાપી સેશન શરૂ કરવામાં આવ્યા છે.


આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો