અમેરિકન એક્ટ્રેસ કિમ કર્દાશિયનના દુનિયાભરમાં ફેન્સ છે. કિમ જેટલી ફિલ્મોમાં ચાલી નથી તેના કરતાં ડબલ ફેશન શો અને પોતાના આઉટફિટ પ્લસ પરફેક્ટ ફિગર માટે જાણીતી છે. અલબત્ત, તે છાશવારે સોશિયલ મીડિયામાં અને ન્યૂઝમાં ચમકતી જ રહે છે. થોડા દિવસ પહેલાં જ તેણે પોતાના દીકરા સાલ્મનું હોલિવૂડ ડેબ્યૂ થવાની ખુશી સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી હતી. કિમના દીકરા સાલ્મે હોલિવૂડ એનિમેશન ફિલ્મ `ધ એન્ગ્રી બર્ડ્સ મૂવી 3'માં પોતાનો અવાજ આપ્યો છે. તેના દીકરાએ વોઇસ આર્ટિસ્ટ તરીકે હોલિવૂડમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે તેને લઇને કિમ ખૂબ જ ખુશ જણાય છે. મૂળ આ ફિલ્મમાં સાલ્મે `ઓલી' નામના એક નાના પંખીના બચ્ચા માટે અવાજ આપ્યો છે. આ ફિલ્મના ત્રીજા ભાગમાં જૂના અને ચર્ચિત ચહેરાઓ પરત ફરી રહ્યા છે. જેમાં રેડ, ચક અને બોમ્બ પાછા ફર્યા છે. 1 જુલાઇના રોજ પેરામાઉન્ટ પિક્ચર્સે સોશિયલ મીડિયા પર આ ફિલ્મનું ઓફિશિયલ ટ્રેલર રજૂ કર્યું હતું અને તે વાઇરલ પણ થયું હતું. `ધ એન્ગ્રી બર્ડ્સ મૂવી 3' 1 જાન્યુઆરી, 2027ના રોજ રિલીઝ થવાની છે. 

આખરે ટેલર સ્વિફ્ટ અને ટ્રેવિસ કેલ્સે ધામધૂમથી લગ્ન કરી જ લીધાં 

છેલ્લા કેટલાક સમયથી ટેલર સ્વિફ્ટ અને ટ્રેવિસ લગ્ન કરશે કે કેમ? તેના વિશે હોલિવૂડમાં અને સ્પોર્ટ્સ વર્લ્ડમાં ચર્ચા ચાલતી હતી. અલબત્ત, થોડા દિવસ પહેલાં જ ટેલર સ્વિફ્ટ અને ટ્રેવિસ કેલ્સનાં લગ્નની AI તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ હતી. જોકે, આ બધી અટકળોના અંતે આ બંને સેલિબ્રિટીઓએ ગત સપ્તાહે જ લગ્ન કરી લીધાં છે અને તેની પુષ્ટિ ટેલરના પ્રતિનિધિએ આપી હતી. તેમના પ્રતિનિધિએ વધુમાં જણાવ્યું હતું કે, આ કપલે ન્યૂયોર્કના શહેર મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં લગ્ન કર્યાં છે. અલબત્ત, તેમનાં લગ્નની વિધિ હોલિવૂડ એક્ટર એડમ સેન્ડલરે પૂરી કરી હતી. ટેલર સ્વિફ્ટનાં લગ્નમાં હોલિવૂડના નામી સ્ટાર્સ અને અન્ય સેલિબ્રિટીઓ પણ આવી હતી. જેમાં ગિગિ હદિદ અને બ્રેડલી કૂપર, ડકોટા જોન્સન, મારિસ્કા હાર્ગિટે અને પીટર હર્મન, એડ શીરન અને ચેરી સીબોર્ન, હાઇમ સિસ્ટર્સ ઉપરાંત બેન્સન બૂમ, મારેન મોરિસ, કિમ્બર્લી વિલિયમ્સ પેસ્લે, હ્યૂ ગ્રાંટનો સમાવેશ થાય છે. 

`કે પોપ ડેમન હંટર' ફેમ એક્ટ્રેસ આર્ડેન ચોએ ઇટાલીમાં લગ્ન કર્યાં   

એન્ટરટેઇનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં એક્ટ્રેસ આર્ડેન ચોનો ભારે દબદબો છે. થોડા દિવસ પહેલાં જ તેણે પોતાનાં લગ્નનો ખૂબસૂરત વીડિયો પોતાના સોશિયલ મીડિયા પેજ પર શેર કર્યો હતો. આર્ડેન ચોએ ક્રિસ્ટોફર નામની વ્યક્તિ સાથે ઇટાલીમાં ધામધૂમથી લગ્ન કર્યાં હતાં. તેનાં આ લગ્નમાં તેના પરિવારના લોકો, નજીકના લોકો તેમજ ફિલ્મ-એન્ટરટેઇનમેન્ટ સાથે સંકળાયેલા લોકો હાજર રહ્યા હતા. આર્ડેને સોશિયલ મીડિયા પેજ પર લગ્નનો અને ત્યારબાદના ફંક્શનનો વીડિયો પોતાના ફેન્સ માટે શેર કર્યો હતો. પ્રસ્તુત વીડિયોમાં તે કોરિયાઇ પોશાક હાનબોકમાં જોવા મળે છે. અલબત્ત, લગ્ન સમારોહમાં પ્રસ્તુત લોકો પણ કોરિયાઇ પરંપરાગત વસ્ત્રમાં જોવા મળે છે. નોંધનીય છે કે, એક્ટ્રેસ આર્ડેનના પતિ એક ઓર્થોઓપેડિક સર્જન છે. શેર કરેલા વીડિયોમાં આર્ડેને કેપ્શન આપ્યું હતું કે, `અમારાં લગ્નની સૌથી યાદગાર પળોમાંથી એક. જ્યારથી અમે પ્લાનિંગ શરૂ કર્યું હતું ત્યારથી મારું સપનું હતું કે ઇટાલીમાં સૌનું સ્વાગત `હાનબોક' સેલિબ્રેશનથી કરું. મારા મિત્રો અને પરિવારને આ વસ્ત્રોમાં જોવા એ સપના બરાબર છે.' 

ક્રિસ બ્રાઉનના હાઉસકીપરને તેનો કૂતરો કરડ્યો : રૂ.122 કરોડનું વળતર!

છાશવારે અમેરિકન સિંગર ક્રિસ બ્રાઉન વિવાદોમાં અથવા તો ચર્ચામાં રહેતો જ હોય છે. અલબત્ત ભાગ્યેજ કોઇ સપ્તાહ હશે જેમાં તે ચર્ચાયો ન હોય! થોડા વર્ષ પહેલાં તેના ઘરે તેના હાઉસકીપરને તેનો એક કૂતરો કરડી ગયો હતો. જેમાં હાઉસકીપરને ખૂબ જ ગંભીર રીતે હાનિ પહોંચી હતી. આ કૂતરા કરડવાની ઘટનાને લઇને ક્રિસ બ્રાઉન પર કેસ પણ કરવામાં આવ્યો હતો. જેમાં લોસ એન્જેલસની એક કોર્ટે ક્રિસ બ્રાઉનની હાઉસકીપર મારિયા એવિલાના પક્ષમાં ફેંસલો સંભળાવ્યો હતો. ક્રિસ બ્રાઉનના 90 કિલોના શેફર્ડ કૂતરાએ મારિયા જ્યારે કચરો ફેંકી રહી હતી ત્યારે હુમલો કર્યો હતો. અલબત્ત, આ સમગ્ર ઘટનામાં એવિલાની નસો તેમજ ચહેરા પર દૂર ન થાય તેવાં નિશાન થઇ ચૂક્યાં હતાં. વધુમાં એવિલાની આંખોને પણ ગંભીર નુકસાન પહોંચ્યું હતું. અલબત્ત, કોર્ટે આ ઘટનામાં ક્રિસ બ્રાઉનને દોષી સાબિત કરીને દંડ(નુકસાની) પેટે 122 કરોડ રૂપિયા આપવાનું જણાવ્યું છે.


આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો