ક્રિતિ સેનન ફિલ્મી એક્ટ્રેસ પ્લસ બિઝનેસ વુમન છે
બોલિવૂડમાં ક્રિતિ સેનન ટૂંકા ગાળામાં જ પોતાનું વર્ચસ્વ જમાવવામાં સફળ સાબિત થઇ છે. બોલિવૂડમાં તેની બેક ટુ બેક ફિલ્મો આવી રહી છે, જે પૈકી હિટ ફિલ્મો પણ તેના ખાતામાં વધુ જોવા મળે છે. ક્રિતિ માત્ર એક્ટિંગથી જ પોતાનું બેંક બેલન્સ નથી વધારતી, પણ સાથે સાથે મોડલિંગ અને પ્રોપર્ટી બિઝનેસથી પણ પોતાનું બેંક બેલેન્સ વધારી રહી છે. થોડા દિવસ પહેલાં જ તેણે અને તેના પરિવારે પોતાના ચાર એપાર્ટમેન્ટ્સ વેચીને અધધ કરોડોની કમાણી કરી છે. ક્રિતિ સેનન અને તેના પરિવારના કુલ ચાર એપાર્ટમેન્ટ અંધેરીમાં આવેલા હતા અને તેણે તેમને ડબલ ભાવમાં સેલ કરીને કમાણી કરી લીધી છે. તેમના આ એપાર્ટમેન્ટ્સ બોલિવૂડના ફિલ્મમેકર અને કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબડાને જ સેલ કરી દીધા હતા. નોંધનીય છે કે, ક્રિતિ સેનનની ફિલ્મ કોકટેલ 2 નેટિજન્સમાં ખૂબ જ ચર્ચા ચગાવી રહી છે અને આ ફિલ્મ આ સપ્તાહમાં જ બોક્સઓફિસ બ્રેક કરે તેવાં એંધાણ છે.
નેટિજન્સે ફિલ્મ `ધમાલ 4'ના ટ્રેલરને જબરદસ્ત વધાવ્યું
ફ્રેન્ચાઇઝી ફિલ્મોમાં ધમાલ ફ્રેન્ચાઇઝી પણ બોક્સઓફિસ હિટ કરનારી ફ્રેન્ચાઇઝી છે. થોડા દિવસ પહેલાં જ ફિલ્મ `ધમાલ 4'નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. જેમાં રિતેશ દેશમુખ, જાવેદ જાફરી, અરશદ વારસી તેમજ ઓલ્ડ સ્ટારકાસ્ટ જોવા મળી રહી છે. આ ફિલ્મમાં એક્શન પ્લસ કોમેડીનું મિશ્રણ જોવા મળી રહ્યું છે. નોંધનીય છે કે, ફિલ્મ `ધમાલ 4'માં ફરીથી સમગ્ર સ્ટારકાસ્ટ કોઇ વસ્તુને શોધતા નજરે ચડે છે. જેમાં અજય દેવગણ અને તેના સાથી મિત્રો પણ સામેલ હોય છે. જેમાં સ્લાઇટ લવસ્ટોરી ટચ પણ આપવામાં આવ્યો છે. પ્રસ્તુત ટ્રેલરમાં સમુદ્રથી લઇને જંગલ, પહાડ ઉપરાંત ડરામણી ગુફાઓ જેવી જગ્યાઓ પણ દર્શાવવામાં આવી છે. ટ્રેલરમાં અજય દેવગનને ડબલ ડોલ્ફિનની સવારી કરતો પણ દર્શાવવામાં આવ્યો છે. ફિલ્મના ટ્રેલરમાં વાઇલ્ડ લાઇફ કોમેડી પણ સુંદર રીતે દર્શાવવામાં આવી છે. નેટિજન્સે ફિલ્મ `ધમાલ 4'ના ટ્રેલરને જબરદસ્ત વધાવ્યું છે. મૂળ આ ફિલ્મ દર્શકોને પેટ પકડીને હસાવી દે તેવી સાબિત થઇ શકે તેમ છે. `ધમાલ 4' ફિલ્મ 10 જુલાઇ, 2026માં થિયેટર્સમાં રિલીઝ થવા જઇ રહી છે.
ફિફા વર્લ્ડકપમાં બોલિવૂડ હોટ ગર્લ નોરા ફતેહીનો દબદબો
હવે દુનિયાભરમાં કોઇ પણ મોટી ઈવેન્ટ હોય કે કોઇ ફેસ્ટિવલ હોય કે કોઇ મોટો ભવ્યાતિભવ્ય પ્રોગ્રામ હોય, તો તેમાં કોઇ ને કોઇ બોલિવૂડ સેલિબ્રિટી અચૂક જોવા મળતી હોય છે. હાલમાં વિશ્વભરમાં ફિફા વર્લ્ડકપનો ક્રેઝ ચાલી રહ્યો છે. તે અલગ વાત છે કે, ભારતમાં ફૂટબોલને ચાહનારો વર્ગ ઓછો છે તેમ છતાં કેટલાક દેશની ટીમને લઇને ફૂટબોલ જોવાનો ક્રેઝ યથાવત્ છે જ. ગત શુક્રવારના રોજ ફિફા વર્લ્ડકપની બીજી ઓપનિંગ સેરેમની યોજવામાં આવી હતી, જેમાં બોલિવૂડ ડાન્સર પ્લસ એક્ટ્રેસ નોરા ફતેહીએ પોતાનો જલવો પ્રદર્શિત કર્યો હતો. તેના ડાન્સે તમામ ફેન્સનું દિલ જીતી લીધું હતું. અલબત્ત, તેના ડાન્સ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ પણ થયા હતા. ફિફા વર્લ્ડકપ સેરેમનીમાં નોરા ફતેહીએ ફ્રેન્ચ સિંગર વેજેડ્રીમ અને બાંગ્લાદેશી-અમેરિકન ડીજે સંજયની સાથે `સિરિ સિરિ' ગીત પર ધમાકેદાર ડાન્સ કર્યો હતો. જોકે, આ સોંગ પહેલેથી જ જબરદસ્ત હિટ રહ્યું છે.
આમિરની બ્લોક બસ્ટર ફિલ્મ `લગાન'નાં 25 વર્ષ પૂરાં થયાં
15 જૂન, 2001માં આમિર ખાનની ફિલ્મ `લગાન' આવી હતી. આ ફિલ્મે બોક્સઓફિસ બ્રેક કરી હતી. આ અરસામાં સની દેઓલની ફિલ્મ `ગદર' પણ આવી હતી અને તે ફિલ્મ પણ સુપરહિટ પ્લસ બોક્સઓફિસ બ્રેક કરનારી હતી. જોકે, ગત સપ્તાહે જ આમિર ખાન પોતાની ઓલ્ડ ફિલ્મ ટીમ સાથે પોતાની ફિલ્મ `લગાન'નાં 25 વર્ષ પૂરાં થતાં સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પહોંચ્યો હતો. `લગાન' ફિલ્મના સ્ક્રીનિંગમાં આમિર ખાનની ભૂતપૂર્વ પત્ની રીના દત્તા પણ સામેલ હતી. સાથે સાથે આમિર ખાનની દીકરી આયરા ખાન પણ ફિલ્મ સ્ક્રીનિંગમાં જોવા મળી હતી. ક્રિકેટ થીમ પર આધારિત આ ફિલ્મને દર્શકોએ ખૂબ વધાવી હતી. ફિલ્મનું શૂટિંગ ગુજરાતમાં પણ કરવામાં આવ્યું હતું. ફિલ્મનાં ગીતો પણ તે સમયે ખૂબ જ હિટ ગયાં હતાં. ફિલ્મમાં ક્રિકેટની સાથે લવસ્ટોરીને પણ આવરી લેવામાં આવી હતી. ફિલ્મ સ્ક્રીનિંગ સમયે ફિલ્મમેકર આશુતોષ ગોવારિકર અને આમિર ખાન એકબીજાને ખૂબ જ હેતથી ગળે મળતા જોવા મળ્યા હતા. અલબત્ત, ફિલ્મની તમામ સ્ટારકાસ્ટે પોતાની જૂની યાદો આ ફિલ્મ દરમિયાન વાગોળી હતી.
સૈયારા કપલ અનીત પડ્ડા અને અહાન પાંડેએ સેમ ટેટૂ કરાવ્યું!
વર્ષ 2025ની સૌથી મોટી રોમેન્ટિક બ્લોકબસ્ટર ફિલ્મ `સૈયારા'થી અનીત પડ્ડા અને અહાન પાંડે રાતોરાત ટોપ સ્ટાર્સ બની ગયાં હતાં. આજે પણ આ ફિલ્મનાં ગીતો પર રીલ્સ અને શોર્ટ્સ વીડિયો બને છે. થોડા સમય પહેલાં જ આ કપલ ટોક ઓફ ધ સોશિયલ મીડિયા બન્યું હતું, કારણે કે અનીત અને અહાને બંને જણાએ તેમના ગરદનના પાછળના ભાગમાં સરખું ટેટૂ કરાવ્યું છે. જેને લઇને નેટિજન્સ એ વાતનો ક્યાસ કાઢી રહ્યા છે કે, આ કપલ રિલેશનશિપમાં હોઇ શકે છે અથવા બંનેની સાથે કોઇ મૂવી બનવા જઇ રહી છે! અનીત અને અહાને ગરદન પર નોર્થ સ્ટાર ત્રોફાવ્યા છે. નોંધનીય છે કે, નોર્થ સ્ટાર સાચો માર્ગ પ્લસ શક્તિ અને પ્રેરણાનો પ્રતીક કહેવાય છે. હવે જોવું રહ્યું કે આ બંનેની કઇ ફિલ્મ થિયેટર્સમાં રિલીઝ થશે. અહાનની આગામી ફિલ્મ 2027ના શરૂઆતમાં આવી શકે છે, જેમાં તેની સાથે શર્વરી વાઘ છે. બીજી તરફ અનિતની ફિલ્મ `શક્તિ શાલિની' પણ ટૂંક સમયમાં રિલીઝ થવાની છે.
મિલ્ખાસિંહ બાદ ફરહાન અખ્તર આરડી બર્મનની ભૂમિકા ભજવશે
છેલ્લા કેટલાક સમયથી ફરહાન અખ્તર પોતાની ફિલ્મ `ડોન 3'ને લઇને ચર્ચામાં છે. જોકે, હવે તે વિવાદનો અંત આવ્યો છે અને તે હવે મ્યુઝિક કંપોઝર આરડી બર્મનની ભૂમિકા ભજવવા જઇ રહ્યો છે તેવી ફિલ્મ જગતમાં ચર્ચા ચાલી રહી છે. વધુમાં તેના પર કામ કરવાનું પણ ચાલુ થઇ ગયું છે. નોંધનીય છે કે, ફરહાન અખ્તરે અગાઉ મિલ્ખાસિંહ પર ફિલ્મ `ભાગ મિલ્ખા ભાગ' કરી હતી અને તે સુપરડુપર હિટ સાબિત થઇ હતી. અલબત્ત, મિલ્ખાસિંહની બાયોપિક ફરહાને પરફેક્ટ રીતે ભજવી હતી. હવે તે આરડી બર્મનની બાયોપિકમાં સફળ રહેશે કે કેમ તે આવનારો સમય બતાવશે. ઉલ્લેખનીય છે કે, ફરહાન અખ્તર ગીત-સંગીતમાં પણ અવલ્લ છે અને પોતે સંગીતની દુનિયાથી પણ વાકેફ છે. હાલમાં ફરહાન અખ્તરને એક હિટ ફિલ્મની જરૂર છે, જેથી તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું વર્ચસ્વ જમાવી શકે. બસ, હવે જોવું રહ્યું કે આરડી બર્મનની ફિલ્મ માટે ફરહાન અખ્તર હા પાડશે કે કેમ?
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો