આજના આધુનિક અને ભૌતિકવાદી સમાજમાં માણસ એટલો બધો આત્મકેન્દ્રી થઈ ગયો છે કે પોતાના અંગત સુખ માટે તે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. વ્યક્તિગત સ્વાતંત્ર્ય અને નવા રોમાંચની શોધમાં આપણે સંબંધોને કોઈ જૂના ફર્નિચરની જેમ બદલી નાખીએ છીએ, પણ જ્યારે આ સ્વાર્થ ચરમસીમાએ પહોંચે ત્યારે તેના મૂળમાં કોણ કચડાય છે? રશિયન ડિરેક્ટર આંદ્રે ઝ્વ્યાગિન્ત્સેવની 2017માં આવેલી અને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જ્યૂરી પ્રાઈઝ જીતનારી ફિલ્મ `લવલેસ' (રશિયન ફિલ્મ) આ જ આધુનિક સ્વાર્થ અને માનવીય ઉદાસીનતાનું એવું સચોટ અને ઠંડું પોસ્ટમોર્ટમ કરે છે, જે જોયા પછી દર્શક લાંબો સમય સુધી એક ભયાનક સુન્નતા અનુભવે તે શક્ય છે. ડિરેક્ટરે અહીં કોઈ લાગણીશીલ મેલોડ્રામા ઊભો કરવાનો પ્રયાસ નથી કર્યો, બલ્કે તેમણે એક તૂટી રહેલા પરિવારના બહાને આખા સમાજના પતનનો નકશો દોર્યો છે.  

 સ્વીડિશ ડિરેક્ટર ઈંગ્માર બર્ગમેનની ક્લાસિક ફિલ્મ `સીન્સ ફ્રોમ અ મેરેજ'થી પ્રેરિત આ ફિલ્મ છૂટાછેડા લઈ રહેલા એક યુગલ - ઝેન્યા અને બોરિસની વાર્તા છે. બંને વચ્ચે હવે કોઈ પ્રેમ બચ્યો નથી અને બંનેને પોતપોતાના નવા પાર્ટનર્સ સાથે નવી જિંદગી શરૂ કરવાની ઉતાવળ છે. આખી ફિલ્મમાં તેઓ સતત પોતાના સ્માર્ટ ફોનના સ્ક્રીનમાં જ ખોવાયેલાં રહે છે. આ છૂટાછેડાની પ્રક્રિયામાં તેમનો બાર વર્ષનો દીકરો અલ્યોશા બંને માટે એક નડતરરૂપ બની ગયો છે. કાનૂની લડાઈમાં સામાન્ય રીતે કસ્ટડી મેળવવા માટે ઝઘડો થતો હોય છે, પણ અહીં કરુણતા એ છે કે કોઈને તેની કસ્ટડી જોઈતી નથી. ફિલ્મની શરૂઆતમાં જ એક અત્યંત હચમચાવી નાખતું દૃશ્ય આવે છે. માતા-પિતા ઝઘડી રહ્યાં છે અને દીકરાને અનાથાશ્રમમાં મૂકી આવવાની વાતો કરે છે. અંધારા રૂમમાં દરવાજા પાછળ ઊભેલો અલ્યોશા આ બધું સાંભળે છે. તેના ચહેરા પર વહી રહેલાં આંસુ અને તેનો અવાજ વિનાનો મૂંગો રડમસ ચહેરો સિનેમાના ઇતિહાસના સૌથી દુ:ખદાયક દૃશ્યોમાંનો એક છે. બીજા દિવસે એ બાળક અચાનક ઘરમાંથી ગાયબ થઈ જાય છે.  

 અહીંથી ફિલ્મ એક સાઇકોલોજિકલ થ્રિલરમાં ફેરવાય છે, પણ ઇટાલિયન ડિરેક્ટર માઇકલ એન્જેલો એન્ટોનિયોનીની ક્લાસિક ફિલ્મ `લાવેન્ચુરા'ની જેમ જ અહીં વ્યક્તિનું ગાયબ થવું એ માત્ર એક નિમિત્ત છે. અસલી વાર્તા એ ગાયબ થયેલા બાળકની પાછળ છતી થતી સમાજની સંવેદનહીનતાની છે. ડિરેક્ટર અને તેમના સિનેમેટોગ્રાફર મિખાઇલ ક્રિચમેને મોસ્કો શહેરના અત્યંત ઠંડા, બરફથી ઢંકાયેલા અને ગ્રે કલરના લેન્ડસ્કેપનો અદ્ભુત ઉપયોગ કર્યો છે. કેમેરા લાંબા સમય સુધી ખાલી રસ્તાઓ, અવાવરું ઈમારતો અને બરફાચ્છાદિત જંગલો પર સ્થિર રહે છે. આ ખાલીપો માત્ર શહેરનો નથી, આ ખાલીપો એ પાત્રોની અંદર મરી ગયેલી માણસાઈનો છે. કેમેરાની દરેક ફ્રેમ એટલી તટસ્થ અને ક્લિનિકલ છે કે જાણે કોઈ સર્જન ઓપરેશન થિયેટરમાં નિષ્ઠુરતાથી કોઈ સમાજનું શરીર ચીરી રહ્યો હોય.  

 ફિલ્મનું નામ લવલેસ માત્ર આ એક પરિવાર પૂરતું સીમિત નથી, તે આખી સિસ્ટમનું દર્પણ છે. બાળક ગુમ થાય છે ત્યારે પોલીસ તંત્રની ઉદાસીનતા અને કાગળિયાની આંટીઘૂંટીઓ સરકારી સંવેદનહીનતા ખુલ્લી પાડે છે. તેની સામે લિઝા એલર્ટ નામની એક સ્વયંસેવક સંસ્થા જીવના જોખમે એ બાળકને શોધવા નીકળે છે. આ ફિલ્મ સાથે જોડાયેલી એક રસપ્રદ હકીકત એ છે કે રશિયામાં લિઝા એલર્ટ નામની ખરેખર અસ્તિત્વ ધરાવતી એક માનવતાવાદી સંસ્થા છે અને ડિરેક્ટરે તેમના કામને અત્યંત બારીકીથી સ્ક્રીન પર ઉતારીને વાસ્તવિકતાનો અદ્ભુત સ્પર્શ આપ્યો છે. ફિલ્મમાં જ્યારે આ યુગલ બાળકની દાદીને મળવા જાય છે, ત્યારે એક ઊંડું મનોવૈજ્ઞાનિક સત્ય સમજાય છે કે પ્રેમનો અભાવ કોઈ એક દિવસમાં નથી જન્મતો. તે પેઢી દર પેઢી વારસામાં મળેલો માનસિક રોગ છે. ઝેન્યાને તેની માતા પાસેથી ક્યારેય સ્નેહ નહોતો મળ્યો, એટલે તે પોતાના દીકરાને પ્રેમ આપી શકી નહીં. નફરત અને ક્રોધની આ સાંકળ આધુનિક સમાજમાં સતત આગળ વધતી રહે છે.  

 ફિલ્મનો અંત કોઈ સસ્તી લાગણીશીલતા કે બનાવટી સુખાંત તરફ નથી જતો. તે દર્શકને વાસ્તવિકતાની કઠોર જમીન પર પછાડે છે. ફિલ્મનો અંતિમ શૉટ અત્યંત પ્રતીકાત્મક અને ભયાનક છે. થોડાં વર્ષો પછી ઝેન્યા પોતાના આલિશાન ઘરમાં ટ્રેડમિલ પર દોડી રહી છે. તેણે રશિયા લખેલો ટ્રેકસૂટ પહેર્યો છે. તે એકધારી દોડી રહી છે, થાકી રહી છે, પણ પહોંચે છે ક્યાંય નહીં. આ માત્ર એક સ્ત્રીની દોડ નથી, આ એવા આખા સમાજની દોડ છે જે ભૌતિક સુખ પાછળ અંધ બનીને દોડી રહ્યો છે, પણ ભીતરથી તે સાવ ખાલીખમ છે. માનવ સંબંધોની આવી ભયાનક નિરર્થકતા ભાગ્યે જ કોઈ ફિલ્મે આટલી તટસ્થતાથી પડદા પર ઉતારી હશે. આ ફિલ્મ એવા દરેક સંબંધ માટે એક ચેતવણી છે, જેમાં એક છત નીચે રહેવા છતાં માણસ એકબીજાથી જોજનો દૂર થઈ ગયો હોય.  


આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો