થોડા દિવસ બાદ વર્ષ 2026 એમટીવી વીડિયો મ્યુઝિક એવોર્ડ્સનો ભવ્ય પ્રોગ્રામ લોસ એન્જલસમાં યોજાવા જઇ રહ્યો છે. તે માટે નામી પોપ્યુલર પોપ સિંગર્સને નોમિનેટ કરવામાં આવ્યા છે. આ બધા પોપ સિંગર્સમાં સૌથી મોખરે મેડોનાનું નામ બોલાય છે. અલબત્ત ઢળતી વયે પોપ સિંગર્સમાં મેડોનાનો આજે પણ દબદબો જોવા મળી રહ્યો છે. મેડોના કુલ 11 વોટોથી આગળ છે. ત્યારબાદ પોપ સિંગર ટેલર સ્વિફ્ટનો નંબર આવી રહ્યો છે. આ સિવાય એરિયાના ગ્રાન્ડે અને સબરિના કાર્પેન્ટરને પણ સાત-સાત વોટ મળ્યા છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2026 VMAsમાં વોટ મેળવનારા અન્ય નામાંકિત સેલિબ્રિટીઝમાં બ્રૂનો માર્સ, જારા લાર્સન અને પિંક પેન્થર્સનો પણ સમાવેશ થાય છે. આ તમામને પાંચ જેટલા વોટ મળ્યા છે. જ્યારે બ્લેકપિંકની લિસાને ચાર વોટ મળ્યા છે અને ટેટ મેકરે તેમજ શકીરા ત્રણ-ત્રણ વોટની બરાબરી પર છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે VMAs લોસ એન્જેલસના પીકોક થિયેટરમાં યોજાવા જઇ રહ્યો છે. અંદાજિત બે કલાકનો આ શો 27 સપ્ટેમ્બર, 2026ના રોજ એર કરવામાં આવશે. શોના હોસ્ટ વિશે હજી કોઇ નામ જાહેર કરવામાં આવ્યું નથી.   

વિન ડીઝલ `ફાસ્ટ ફોરેવર'ની સ્ક્રિપ્ટ વાંચતાં જ રડી પડ્યો   

ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ (Fast And Furious) ફ્રેન્ચાઇઝીના ચાહકો હવે ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ 11ની કાગડોળે રાહ જોઇ રહ્યા છે. હોલિવૂડ ફેવરિટ ફિલ્મ ફ્રેન્ચાઇઝી પ્લસ સફળ ફિલ્મ ફ્રેન્ચાઇઝીમાં આ ફિલ્મનો સમાવેશ થાય છે. આ ફ્રેન્ચાઇઝીના દુનિયાભરમાં ચાહકો જોવા મળે છે. નજીકના ભવિષ્યમાં જ આ ફિલ્મનું શૂટિંગ ચાલુ કરી દેવામાં આવશે. આ ફિલ્મ વિશે વિન ડીઝલે જણાવ્યુ હતું કે, આ ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચતા જ હું ખૂબ જ ભાવુક થઇ ગયો હતો અને રડી પડ્યો હતો. મારી બહેને મને રડતો જોઇને કહ્યું હતું કે, હવે રડીશ નહી. પોતાની વાતના અંતે વીન ડીઝલે જણાવ્યું હતું કે, ક્યારેક ક્યારેક મજબૂત માણસોને પણ રડવાની જરૂર હોય છે. નોંધનીય છે કે, આ ફિલ્મ 17 માર્ચ, 2028માં દુનિયાભરનાં થિયેટર્સમાં રિલીઝ કરવામાં આવશે તેમજ ફિલ્મનું શૂટિંગ વર્ષ 2026ના અંતમાં એટલે કે ડિસેમ્બરના ક્રિસમસ વીકની આસપાસ ચાલુ કરી દેવામાં આવશે.

ફિલ્મ `પાઇરેટ્સ ઓફ ધ કેરેબિયન 6' બનાવવામાં આવશે?   

જોની ડેપ અભિનીત ફિલ્મ ફ્રેન્ચાઇઝી `પાઇરેટ્સ ઓફ ધ કેરેબિયને' હંમેશાં બોક્સઓફિસ બ્રેક કરી છે અને હવે તે જ ફ્રેન્ચાઇઝીનો છઠ્ઠો ભાગ પણ ટૂંક સમયમાં દર્શકો જોઇ શકશે. તે માટે ફિલ્મનિર્માતા જેરી બ્રુકહાઇમરે હામી પણ ભરી હતી. બ્રુક હાઇમરે આ ફ્રેન્ચાઈઝીના છઠ્ઠા ભાગ માટે જણાવ્યું હતું કે, `અમે જોની ડેપ સાથે વાત કરી રહ્યા છીએ અને આ ફિલ્મ વિશે સ્ક્રીન પ્લે પર કામ પણ ચાલી રહ્યું છે.' એક મીડિયા રિપોર્ટ પ્રમાણે `પાઇરેટ્સ ઓફ ધ કેરેબિયન 6'માં માર્ગોટ રોબીની ભૂમિકાને પણ કંઇક અલગ રીતે તારવવામાં આવશે. અલબત્ત, આ ફિલ્મમાં નવી કાસ્ટિંગ કરવામાં આવશે કે કેમ? તે વિશે હજી કોઇ પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ જોની ડેપ અને માર્ગોટ રોબી ફિલ્મમાં મહત્ત્વની ભૂમિકામાં રહેવાનાં જ છે. વર્ષ 2003માં રિલીઝ થયેલી ફર્સ્ટ ફિલ્મ `પાઇરેટ્સ ઓફ ધ કેરેબિયન : ધ કર્સ ઓફ ઝ બ્લેક પર્લ'માં જોની ડેપે જેક્સ સ્પેરોની ભૂમિકા ભજવી હતી અને તે ખૂબ જ લોકપ્રિય ભૂમિકા બની ગઇ હતી. તે સમયે આ ફિલ્મે અંદાજિત 6,252.92 કરોડનો બિઝનેસ કર્યો હતો. ત્યારબાદ તેની ક્રમશઃ ફિલ્મો બનતી ગઇ હતી. 

બ્લોક બસ્ટર ફિલ્મ `માઇકલ' પછી `માઇકલ 2' બનાવવાની તડામાર તૈયારી 

વર્લ્ડ ફેમસ પોપ સિંગર પ્લસ ડાન્સર માઇકલ જેક્સનના દુનિયાભરમાં ફેન્સ છે. ભલે તેઓ આજે હયાત નથી, પરંતુ તેમનાં સોંગ્સ પ્લસ ડાન્સ આજે પણ વીડિયોની દુનિયામાં અને સોશિયલ મીડિયામાં ધૂમ મચાવતા ફરે છે. થોડા દિવસ પહેલાં જ માઇકલ જેક્સનના ભત્રીજા જાફરે માઇકલ જેક્સનની પરફેક્ટ ભૂમિકા ભજવી હતી અને તે ફિલ્મ પણ દુનિયાભરનાં થિયેટર્સમાં રિલીઝ થઇ હતી. આ ફિલ્મે રેકોર્ડ બ્રેક કમાણી કરી હતી. હવે આ જ ફિલ્મને લઇને તેનો બીજો ભાગ બનવાની તડામાર તૈયારી ફિલ્મમેકર્સ તરફથી કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, માઇકલની ફર્સ્ટ ફિલ્મમાં તે કેવી રીતે સામાન્ય ઘરમાંથી દુનિયાભરમાં ફેમસ થયો અને તેના ઉતાર-ચઢાવને દર્શાવવામાં આવ્યા હતા, પરંતુ તેમાં તેમની જિંદગી સાથે જોડાયેલા ઘણા ભાગોને દર્શવવામાં આવ્યા ન હતા. હવે ફિલ્મ માઇકલ 2માં મુખ્યત્વે તેમનો પરિવાર કેટલા સમયથી સામનો કરતો આવ્યો છે તેની ઝલક દેખાડવામાં આવશે. અલબત્ત, આ ફિલ્મમાં માઇકલ જેક્સનની દરિયાદિલી અને સમાજ માટે તેમણે શો ફાળો આપ્યો છે તેને પણ રજૂ કરવામાં આવશે. 


આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો