બોલિવૂડની ફિલ્મોમાં ડાન્સ પ્લસ એક્ટિંગ કરતી મલાઇકા અરોરાનો વિશાળ ચાહકવર્ગ જોવા મળે છે. અલબત્ત, માત્ર સોશિયલ મીડિયા પેજ પર જ નહીં, પરંતુ અખબારો અને મેગેઝિનના પેજ પર પણ મલાઇકા અરોરાની તસવીરો વાઇરલ અને છપાયેલી જોવા મળતી હોય છે. મલાઇકા અરોરા પર કોઇ પણ આઉટફિટ શોભી ઊઠે છે તેમાં કોઇ જ બેમત નથી. ગત સપ્તાહે જ તેણે પોતાના સોશિયલ મીડિયા પેજ પર ગ્રીસમાં ગાળેલા વેકેશનનો વીડિયો શેર કર્યો હતો. જેમાં તે ગુલાબી રંગની મોનોકિનીમાં જોવા મળી રહી છે. મલાઇકાએ શેર કરેલા વીડિયોમાં તેણે કેપ્શનમાં `મૂડ' એટલે કે મનની દશા જણાવી હતી. મલાઇકાના આ વીડિયો પર તેના ફેન્સ હાર્ટ પ્લસ ફ્લાવર ઈમોજીની સાથે સાથે `શાનદાર ફોટોશૂટ' અને `ઉંમર તો માત્ર આંકડો' જ છે એવી કોમેન્ટ કરી રહ્યા છે. નોંધનીય છે કે, મલાઇકા અરોરા ફિલ્મો, ગીતો ઉપરાંત શો હોસ્ટ કરીને પણ ચર્ચામાં રહે છે અને પોતાના ફેન્સને ખુશ કરવાનું સારી રીતે જાણે છે. 

રાઘવ જુયાલની ફિલ્મ `ભાઈ તેરા સ્ટાર હૈ'નું ટીઝર વાઇરલ

એન્ટરટેઇનમેન્ટ વર્લ્ડમાં રાઘલ જુયાલનો ડંકો વાગી રહ્યો છે. એન્ટરટેઇનમેન્ટ પ્લસ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોને અંદાજો પણ નહોતો કે રાઘવ જુયાલ ડાન્સિંગમાં આગળ વધીને એન્કરિંગ પ્લસ એક્ટિંગમાં પણ અવ્વલ સાબિત થશે. આખરે ખૂબ જ ઓછા સમયમાં રાઘવે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું અલગ જ સ્થાન જમાવી દીધું છે, કારણ કે રાઘવની `બેડ્સ ઓફ બોલિવૂડ' અને `કિલે' તેની ફેન્સ ફોલોઇંગમાં જબરદસ્ત વધારી કરી દીધો છે. અલબત્ત, હવે તેના ફેન ફોલોઇંગમાં ક્રમશઃ વધારો જોવા મળી રહ્યો છે. ગત સપ્તાહે જ તેની ફિલ્મ `ભાઇ તેરા સ્ટાર હૈ'નું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું હતું. જે સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ ગયું હતું. આ ફિલ્મમાં તેનો મજાકિયો અંદાજ જોવા મળે છે. રાઘવે ઘણા શોમાં એન્કરિંગ કર્યું હતું અને દર્શકો શોમાં તેની કોમેડી જ જોવા માટે આતુર રહેતા હતા. હવે જ્યારે તેની ફિલ્મ આવી રહી છે ત્યારે તે હિટ જશે કે કેમ, તે આવનારો સમય જ બતાવશે. આ ફિલ્મ 30 જુલાઇના રોજ સિનેમાઘરોમાં જોવા મળશે.

ક્રિતિ સેનન તેના રૂમર્ડ બોયફ્રેન્ડ કબીર સાથે જોવા મળી 

હાલ ક્રિતિ સેનન તેની આવેલી ફિલ્મ `કોકટેલ 2'ની સેમી હિટને લઇને ઉજવણી કરી રહી છે. જોકે, આ ફિલ્મ રિલીઝ થઇ હતી તે પહેલાં ક્રિતિ અને તેના રૂમર્ડ બોયફ્રેન્ડ કબીર બહિયાનું બ્રેકઅપ થયું છે એવી અફવા સોશિયલ મીડિયા પર ચાલી હતી. અલબત્ત, ગત સપ્તાહે જ ક્રિતિ અને કબીરનો સાથે ડિનર લેતો એક વીડિયો વાઇરલ થયો હતો. તેના પરથી નેટિજન્સ અનુમાન લગાવી રહ્યા છે કે, ક્રિતિ અને કબીરનું પેચઅપ થઇ ગયું છે. મૂળ આ કપલ મુંબઇના બાન્દ્રાની એક નામી રેસ્ટોરાંમાં ડિનર ડેટ લેતું જોવા મળ્યું હતું. હવે નેટિજન્સ આ કપલ ક્યારે પ્રભુતામાં પગલાં પાડશે તેની રાહ જોઇ રહ્યા છે. ક્રિતિ સેનન અને કબીર બહિયા પોતાના સંબંધો આગળ વધારશે કે કેમ, તેના વિશે તેઓ કોઇ જ પ્રકારનું નિવેદન આપી નથી રહ્યા. નોંધનીય છે કે, કબીર બહિયા એક સફળ બિઝનેસમેન છે અને ક્રિતિ સેનનનો પરિવાર પણ તેમના આ સંબંધથી ખુશ જણાય છે.

ફિલ્મ `અલ્ફા'માં રિતિકના કેમિયોને નેટિજન્સે વધાવ્યો  

ગત સપ્તાહે આલિયા ભટ્ટની ફિલ્મ `અલ્ફા' રિલીઝ થઇ હતી. આ ફિલ્મ રિલીઝ થયાના એક સપ્તાહ પહેલાં જ તેની ક્લિપો વાઇરલ થઇ હતી. વધુમાં ફિલ્મના પ્રમોશન માટે શર્વરી વાઘ અને આલિયા ભટ્ટે ઘણા શોમાં પોતાની હાજરી આપી હતી. તેમજ જે તે રાજ્યોની કોલેજમાં પણ ફરીને, ઉપરાંત સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સરને પણ મળીને પોતાની ફિલ્મ જોવા ચાહકો જાય અને તેને હિટ કરાવે તેવી માંગણી કરી હતી. હવે જ્યારે આ ફિલ્મ રિલીઝ થઇ ગઇ છે ત્યારે ફિલ્મમાં રિતિકના કેમિયોની ફિલ્મી ક્લિપ સોશિયલ મીડિયામાં જબરદસ્ત વાઇરલ થઇ રહી છે. નેટિજન્સ રિતિકની આ ભૂમિકાને વધાવી રહ્યા છે અને પોતાના સોશિયલ મીડિયા પેજ પર અને સ્ટોરી પેજ પર રિતિકની આ ફિલ્મના એક્શન સીન્સ શેર કરી રહ્યા છે. આ ફિલ્મના ટ્રેલરમાં રિતિકની એકમાત્ર આંખો જોઇને જ નેટિજન્સ ગેલમાં આવી ગયા હતા. ટૂંકમાં, આ ફિલ્મ ધીમે ધીમે બોક્સઓફિસ રેકોર્ડ બનાવવા જઇ રહી છે એવાં એંધાણ છે.

હુમા કુરેશીની ફિલ્મ `બેબી ડુ ડાઈ ડુ' સુપર ડુપર ફ્લોપ સાબિત થઈ

બોલિવૂડમાં ટોપ ટેન એક્ટ્રેસીસની હરોળમાં હુમા ઘણી પાછળ છે. છેલ્લા ઘણા સમયથી તેની એક પણ ફિલ્મો હિટ સાબિત નથી થઇ, તેમ છતાં તેની પાસે પાઇપલાઈનમાં ઘણી ફિલ્મો છે, જેનાથી તે ટોપ ટેન એક્ટ્રેસીસની હરોળમાં આવી શકે તેમ છે. હુમાની ફિલ્મ `બેબી ડુ ડાઇ ડુ' રિલીઝ થઇ તેની સાથે આલિયા ભટ્ટની ફિલ્મ `અલ્ફા' રિલીઝ થઇ હતી, તેથી હુમાની ફિલ્મને જોઇએ તેટલો સ્ક્રીન ન મળતાં ફિલ્મ ફ્લોપ સાબિત થઇ હતી. વર્ષ 2025માં હુમાની છેલ્લી ફિલ્મ `સિંગલ સલ્મા' આવી હતી, જે ફ્લોપ રહી હતી. ત્યારબાદ તાજેતરમાં રિલીઝ થયેલી તેની ફિલ્મ `બેબી ડુ ડાઇ ડુ' પણ ફ્લોપ સાબિત થઇ છે. આ ફિલ્મનું ઓપનિંગ અંદાજિત 20થી 23 લાખ રૂપિયા જ રહ્યું હતું અને ત્યારબાદના દિવસોમાં કમાણીના આંકડામાં સામાન્ય વધારો જ જોવા મળ્યો હતો. હુમાની આ ફિલ્મ મૂળ તો એક હિન્દી ડાર્ક કોમેડી છે, જેમાં તે એક ડેફ-મ્યૂટ એટલે કે સાંભળી અને બોલી નથી શકતી.

`લવ એન્ડ વોર' માટે વિક્કી કૌશલે જબરદસ્ત ટ્રાન્સફોર્મેશન કર્યું છે  

ફિલ્મરસિકો વિક્કી કૌશલની આવનારી ફિલ્મ `લવ એન્ડ વોર'ની કાગડોળે રાહ જોઇ રહ્યા છે, કારણ કે આ ફિલ્મમાં બોલિવૂડના દિગ્ગજો મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. આ ફિલ્મમાં પ્રણય ત્રિકોણ જોવા મળી રહ્યો છે, જેમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિક્કી કૌશલનો સમાવેશ થાય છે. વધુમાં આ ફિલ્મ સંજય લીલા ભણશાલી તૈયાર કરી રહ્યા છે, એટલે સિનેરસિકો સ્વાભાવિક રીતે ગેલમાં આવી જ જવાના છે. જોકે, આ ફિલ્મનું 75 ટકાનું શૂટિંગ પૂરું થઇ ગયું છે. આ ફિલ્મ દરમિયાન વિક્કી કૌશલે પોતાનું જબરદસ્ત ટ્રાન્સફોર્મેશન આપ્યુ છે. આ ફિલ્મ માટે પહેલાં તેણે 12 કિલો વજન વધાર્યું હતું અને ફિલ્મના ક્લાઇમેક્સના શૂટિંગ માટે 15 કિલો વજન ઉતાર્યું છે! નોંધનીય છે કે, વિક્કી અગાઉ પણ પોતાની અનેક ફિલ્મો માટે પોતાના પરફેક્ટ બોડી ટ્રાન્સફોર્મેશન માટે જાણીતો છે, કારણ કે વર્ષ 2025માં જ વિક્કીએ તેની ફિલ્મ `છાવા' માટે પણ જબરદસ્ત ટ્રાન્સફોર્મેશન કર્યું હતું.


આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો