શેરબજાર એટલે શું? સામાન્ય માણસ માટે તે લોંગ-ટર્મ ઈક્વિટીમાં પૈસા રોકીને ભવિષ્ય સુરક્ષિત કરવાનું એક માધ્યમ હોઈ શકે, પરંતુ વોલ સ્ટ્રીટના ગગનચુંબી ટાવરોમાં બેઠેલા `વરુઓ' માટે આ બજાર માત્ર ઈક્વિટી પૂરતું સીમિત નથી. ત્યાં ફ્યૂચર્સ એન્ડ ઓપ્શન્સ, લેવરેજ અને ડેરિવેટિવ્ઝની એવી અટપટી અને જોખમી માયાજાળ રચાયેલી છે, જેને સમજવી સામાન્ય રોકાણકારના ગજાની વાત નથી. આ જટિલ ફાઇનાન્શિયલ સિસ્ટમમાં જ્યારે લાલચ ભળે છે, ત્યારે તે એક એવો ટાઈમ-બોમ્બ બની જાય છે, જે ફાટે ત્યારે આખી દુનિયાની અર્થવ્યવસ્થાને કાટમાળમાં ફેરવી નાખે છે. 2008ની વૈશ્વિક આર્થિક મંદી પાછળ આ જ આંધળી લાલચ જવાબદાર હતી, પણ એ મંદીની શરૂઆત થઈ કેવી રીતે? આખી દુનિયાના લાખો લોકો બેઘર અને બેરોજગાર થઈ ગયા, તેની પાછળ કયા લોકોના નિર્ણયો જવાબદાર હતા? આ સવાલોના રૂંવાડાં ઊભાં કરી દે તેવા જવાબો આપતી અને ફાઇનાન્શિયલ વર્લ્ડના નૈતિક પતનને અત્યંત રૉ સ્વરૂપમાં રજૂ કરતી 2011ની શાનદાર સિનેમેટિક થ્રિલર એટલે : માર્જિન કોલ.   

ડિરેક્ટર જે. સી. ચંદોરની આ ફિલ્મમાં કોઈ ખૂનખરાબા નથી, કોઈ કાર-ચેઝ નથી કે નથી કોઈ બોમ્બ બ્લાસ્ટ. આખી ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ વોલ સ્ટ્રીટની એક મોટી ઇન્વેસ્ટમેન્ટ બેન્કના બોર્ડરૂમમાં અને ઓફિસમાં રાતના અંધારામાં જ થાય છે. છતાં સ્ક્રીન પર દેખાતા કમ્પ્યૂટરના લાલ અને લીલા આંકડાઓ કોઈ પણ હોલિવૂડની એક્શન ફિલ્મ કરતાં વધુ ડરામણો માહોલ ઊભો કરે છે.  

વાર્તા 2008ના એ મનહૂસ દિવસની બરાબર આગલી રાતથી શરૂ થાય છે. એક ઇન્વેસ્ટમેન્ટ બેન્કમાં છટણી ચાલી રહી છે. નોકરીમાંથી કાઢી મૂકવામાં આવેલો એક સિનિયર રિસ્ક એનાલિસ્ટ જતી વખતે પોતાના જુનિયર પીટર સુલિવાન(ઝાકરી ક્વિન્ટો)ને એક પેન-ડ્રાઈવ આપે છે અને માત્ર એટલું કહે છે : `બી કેરફુલ'. રાતના અંધારામાં પીટર એ પેન-ડ્રાઈવનો ડેટા એનાલાઈઝ કરે છે ત્યારે તેને સમજાય છે કે તેમની કંપની જે મોર્ગેજ-બેક્ડ સિક્યોરિટીઝ (લોનના આધારે ઊભાં કરાયેલાં જટિલ નાણાકીય સાધનો) પર રમી રહી છે, તેનું ગણિત સાવ ખોટું પડી ચૂક્યું છે. કંપનીના માથે એટલું મોટું જોખમ તોળાઈ રહ્યું છે જે કંપનીની કુલ માર્કેટ કેપ કરતાં પણ અનેકગણું મોટું છે. સાદી ભાષામાં કહીએ તો, સવાર પડતાં જ કંપની સંપૂર્ણપણે નાદાર થવાની છે!  

અહીંથી ફિલ્મની ખરી સાઇકોલોજિકલ થ્રિલ શરૂ થાય છે. અડધી રાત્રે કંપનીના તમામ ડાયરેક્ટર્સ અને છેક સીઈઓ જ્હોન ટુલ્ડ(જેરેમી આયર્ન્સ)ને હેલિકોપ્ટર દ્વારા ઓફિસે બોલાવવામાં આવે છે. બોર્ડરૂમમાં મીટિંગ શરૂ થાય છે. ટુલ્ડ એક અત્યંત ઠંડા કલેજાનો અને બજારની રગેરગથી વાકેફ માણસ છે. તે પીટરને કહે છે : `મને આ આંકડાઓ સામાન્ય માણસ સમજી શકે તેવી ભાષામાં સમજાવ, જાણે હું કોઈ નાનું બાળક હોઉં.'  

જ્યારે સત્ય બહાર આવે છે, ત્યારે ટુલ્ડ સામે બે જ રસ્તા છે : કાં તો કંપનીને ડૂબવા દેવી અથવા તો સવાર પડતાં જ બજાર ખૂલે કે તરત જ આ તમામ `કચરા'ને પોતાના જ ગ્રાહકો અને બજારના અન્ય ખેલાડીઓને પધરાવી દેવો! જો તેઓ આ કચરો વેચશે, તો આખી માર્કેટ ક્રેશ થઈ જશે અને વર્ષોથી તેમની પર વિશ્વાસ મૂકનારા ગ્રાહકો બરબાદ થઈ જશે. ટુલ્ડ એક સેકન્ડનો પણ વિચાર કર્યા વિના એ કચરો વેચી મારવાનો આદેશ આપે છે. તેનો ડાયલોગ સિનેમાના અને મૂડીવાદના ઈતિહાસનો સૌથી ક્રૂર ડાયલોગ છે : `આ ધંધામાં ટકી રહેવાના ત્રણ જ રસ્તા છે - બી ફર્સ્ટ, બે સ્માર્ટઅર ઓર ચીટ!' ટુલ્ડ છેતરપિંડી પસંદ નથી કરતો, તે `ફર્સ્ટ' રહેવાનું પસંદ કરે છે.  

ફિલ્મનું બીજું એક અત્યંત જટિલ પાત્ર છે સેમ રોજર્સ (કેવિન સ્પેસી), જે કંપનીનો સિનિયર ટ્રેડર છે. સેમની અંદર હજુ થોડી ઘણી નૈતિકતા જીવતી છે. તે જાણે છે કે સવારે તે જે કચરો વેચવાનો છે, તે તેના જ ક્લાયન્ટ્સને બરબાદ કરી નાખશે. તે આનો વિરોધ પણ કરે છે, પણ અંતે? અંતે મિલિયન ડોલરના બોનસની લાલચ તેના અંતરાત્માનો અવાજ દબાવી દે છે. આખી ફિલ્મનો સૌથી મોટો વિરોધાભાસ એ છે કે સેમ રોજર્સ આખી રાત પોતાના બીમાર અને મરવા પડેલા પાલતુ કૂતરા માટે રડે છે, પણ સવારે તે લાખો લોકોના પોર્ટફોલિયો અને જિંદગીઓને ખતમ કરતા પહેલાં એક આંસુ પણ સારતો નથી.  

ડિરેક્ટરે વોલ સ્ટ્રીટના આ ટ્રેડર્સને કોઈ જાનવર કે વિલન તરીકે નથી બતાવ્યા; તેમને અત્યંત સામાન્ય, ડરેલા અને પોતાના અસ્તિત્વ માટે તરફડતા માણસો તરીકે બતાવ્યા છે. એક સીનમાં બે જુનિયર બ્રોકર્સ ઓફિસની અગાશી પર ઊભા રહીને વાતો કરે છે કે જો કંપની ડૂબશે તો તેમની ઈએમઆઈ અને લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલનું શું થશે. તેમને દુનિયાની ડૂબવાની નહીં, પોતાની નોકરી જવાની ચિંતા છે.  

`માર્જિન કોલ' એ વાતની સાબિતી છે કે શેરબજારની આખી ઇમારત કાગળનાં પત્તાંની બનેલી છે, જેની નીચે સામાન્ય માણસ દબાયેલો છે. જ્યારે આ ઇમારત પડે છે, ત્યારે ટોચ પર બેઠેલા લોકો પેરાશૂટ લઈને કૂદી જાય છે (તગડા બોનસ સાથે છૂટા થાય છે) અને માર્યો જાય છે માત્ર સામાન્ય રોકાણકાર. ફિલ્મનો અંતિમ સંદેશ બહુ સ્પષ્ટ છે : સિસ્ટમ તૂટી નથી ગઈ, સિસ્ટમ આ રીતે જ બનાવવામાં આવી છે! જો તમને પણ માર્કેટના લાલ-લીલા આંકડાઓ અને શોર્ટ-ટર્મ ટ્રેડિંગનું આકર્ષણ હોય, તો આ ફિલ્મ તમારા માટે એક કાળમીંઢ ચેતવણી છે.                 

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો