ઓટીટી અને સિલ્વર સ્ક્રીન એમ બંનેનો સરવાળો ભેગો કરીએ તો મે મહિનામાં હિન્દી ભાષામાં વીસ જેટલી ફિલ્મો રિલીઝ થઈ. મે મહિનામાં બોક્સઓફિસ પર રાજીપો થાય એવું કોઈએ કામ કર્યું હોય તો રિતેશ દેશમુખની રાજા શિવાજી ફિલ્મે કામ કર્યું. મૂળ મરાઠી ભાષામાં બનેલી આ ફિલ્મ સદી ફટકારવામાં સફળ રહી. સદીની સાથે દર્શકોનાં દિલ જીતવામાં સફળ રહેલી રાજા શિવાજી ફિલ્મનું ડિરેક્શન રિતેશ દેશમુખે કર્યું હતું, પરંતુ આ સિવાય આખો મહિનો દુકાળ રહ્યો એમ કહી શકાય.


મરાઠી ફિલ્મ રાજા શિવાજી સાથે મે મહિનાનું ઓપનિંગ આમિર ખાનના ગોલ્ડન સ્પૂન બોર્ન દીકરા જુનૈદ ખાન અને સાઉથ હિટ એક્ટ્રેસ સાઈ પલ્લવીની રોમેન્ટિક એક દિન ફિલ્મ આવી હતી. એક દિવસ માટે પણ આ ફિલ્મને જોવા દર્શકો ન આવ્યા અને જુનૈદ ખાનની ફ્લોપ કરિયરમાં વધુ એક સુપર ફ્લોપ ફિલ્મ લખાઈ ગઈ. લાર્જ સ્કેલ પર ગ્રાન્ડ પ્રોડક્શન ડિઝાઈન સાથે બનાવવાનો પ્રયાસ કરેલી ભગવાન કૃષ્ણની ગાથાને કૃષ્ણાવતારમ્ પાર્ટ વન ફિલ્મને બોક્સઓફિસ પર બૂસ્ટર પાવર ન મળ્યો. હાર્દિક ગજ્જરે ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું. ફિલ્મ ફેસ્ટિવલ માટે જ બનાવી હોય એ રીતે આદિત્ય કૃપલાણીએ મૈં એક્ટર નહીં હૂં ફિલ્મનું મેકિંગ કર્યું હતું. આ ફિલ્મની સ્પેશિયલ વાત એ હતી કે ફિલ્મનો હીરો નવાઝુદ્દીન સિદ્દીકી હતા. ફિલ્મ બનીને તૈયાર થયાને બેએક વર્ષ થઈ ગયાં હતાં, પણ રિલીઝનુ ટાણું આ વર્ષે મળ્યું. જોકે, બોક્સઓફિસ પર ડિઝાસ્ટર રહેલી આ ફિલ્મને ફિલ્મ ફેસ્ટિવલમાં પણ જોઈએ એવું મોકળું મેદાન નહીં મળે. કોમેડી શોથી પોપ્યુલર થયેલા કપિલ શર્માને સિલ્વર સ્ક્રીન પર સફળતા મળવાનું બંધ જ થઈ ગયું છે. કપિલની કોમેડી ફિલ્મ દાદી કી શાદી રિલીઝ થઈ, પણ આ દર્શકો સાથે કનેક્ટ થવામાં સદંતર ફ્લોપ રહી.

આ મહિનાની હિન્દીમાં બિગ બજેટ ફિલ્મ કહી શકાય એવી આયુષ્યમાન ખુરાનાની રોમ કોમ પતિ પત્ની ઔર વો દો હતી. આયુષ્યમાન ખુરાના, વામિકા ગબ્બી, સારા અલી ખાન અને રકુલપ્રીત સિંહ લીડ રોલમાં હતાં. ફિલ્મનું દિગ્દર્શન મુદસ્સર અઝીઝે કર્યું હતું. અઝીઝની ફિલ્મોગ્રાફીની મોટાભાગની ફિલ્મો લગ્ન અને તેની આસપાસના વિષયોમાં જ ફરતી હોય છે. 2019માં કાર્તિક આર્યન, ભૂમિ પેંડણેકર અને અનન્યા પાંડેને લઈને પતી પત્ની ઔર વો ફિલ્મ સફળ રહી હતી અને તેની સિક્વલના ભાગે આવેલી આ ફિલ્મને દર્શકોએ ડિસલાઈક બટન દબાવીને નકારી દીધી. જોકે, બોક્સઓફિસ પર કોઈ સારી ફિલ્મ ન હોવાને લીધે રિકવરી કરી લે તેવાં એંધાણ છે.

સૈફઅલી ખાનની ઓટીટી પર કર્તવ્ય નામની ફિલ્મ રિલીઝ થઈ હતી. ઓટીટીએ આબરૂ બચાવી લીધી નહીંતર આ ફિલ્મનું ઓપનિંગ એક કરોડનો આંકડો પણ ક્રોસ ન કરી શકત. પટકથા લખવામાં આળસ કરવાનું ઉદાહરણ ફિલ્મજગતમાં આપવું હોય તો કર્તવ્ય ફિલ્મનું આપી શકાય. અનુપ્રિયા ગોએનકાની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઝોમ્બી નામની નબળી ફિલ્મને કોઈ આવકારવા તૈયાર ન હતું.

સંજય દત્તની પોલિટિકલ ડ્રામા પ્રકારની આખરી સવાલ ફિલ્મ રિલીઝ થઈ હતી. દર્શકોએ આ ફિલ્મ જોવા શા માટે જવું જોઈએ એવો સવાલ જ ન થયો? આખરી સવાલ સંજય દત્તની વધુ એક ફ્લોપ ફિલ્મ બની. એક્શન ફિલ્મ કિલથી ચમકેલા લક્ષ્યની રોમેન્ટિક ચાંદ મેરા દિલ ફિલ્મ જોનારાને ગમી, પણ બોક્સઓફિસ પર જોનારાનો વર્ગ ન મળ્યો. અનન્યા પાંડેની આ ફિલ્મનો કોન્સેપ્ટ આજની જનરેશન સાથે કનેક્ટ થાય એવો હતો, પણ અનન્યા પાંડે દર્શકોથી હવે ડિસકનેક્ટ થઈ ગઈ હોય એવું લાગે છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: