60-70ના દાયકામાં ફિલ્મી દુનિયામાં તેની અનેક ફિલ્મો હિટ ગઈ હતી. લોકો તેની એક્ટિંગ અને તેની સુંદરતાના દીવાના હતા. જન્મ 23 ઓગસ્ટ, 1944ના રોજ થયો હતો.
સાયરા માત્ર 16 વર્ષની ઉંમરે એક યુવાન અને કુતૂહલભરી નજરોવાળી છોકરી પહેલીવાર કેમેરા સામે ઊભી હતી. તે સમયે અસમંજસ અને ગભરાટ અનુભવી રહી હતી તથા ઉત્સાહ અને ડરને કારણે ધ્રૂજી રહી હતી. 1961માં `જંગલી' ફિલ્મમાં શમ્મી કપૂરની સામે અભિનય કરીને મોટા પડદા પર ધમાકેદાર પદાર્પણ કર્યું હતું. તેની સુંદર ઉપસ્થિતિ, નિર્દોષતા અને ચંચળતાએ પ્રેક્ષકોનાં દિલ જીતી લીધાં, તેને રાતોરાત સ્ટાર બનાવી દીધી. આ ફિલ્મ ખૂબ જ સફળ રહી હતી અને તેણે તેની કારકિર્દીની આશાસ્પદ શરૂઆત કરાવી હતી. `જંગલી'માં તેના અભિનય માટે તેને શ્રેષ્ઠ અભિનેત્રીના ફિલ્મફેર પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવી હતી. ત્યારબાદ સાયરા બાનુએ ઘણી હિટ ફિલ્મો આપી અને 1960-70ના દાયકામાં હિન્દી સિનેમામાં એક સફળ અભિનેત્રી તરીકે પોતાની ઓળખ બનાવી.
ફિલ્મી પડદે સાયરા બાનુની એક મોહક સુંદરતા હતી, જે ભવ્યતા અને આકર્ષણનું કેન્દ્ર હતી. તેની અભિવ્યક્ત આંખો, નાજુક લક્ષણો અને મનમોહક સ્મિતે ભારતીય સિનેમાની એક કાયમી પ્રતીક બનાવી છે. તેના ચહેરામાં નિર્દોષતા, આંખોમાં માદકતા, અભિનયમાં સુસંસ્કૃતતા છલકાતી. હિન્દી સિનેમાની કેટલીક અભિનેત્રીઓ જેમના માટે કહેવાય છે કે `તેને અત્યંત ધીરજપૂર્વક કંડારવામાં આવી છે'. તેમાંની એક એટલે સાયરા. હરણી જેવી, તીક્ષ્ણ ધારવાળી આંખો, સુઘડ ઘાટવાળું નાક, રેશમી વાળની લટો અને મખમલ જેવો કોમળ અવાજ બધું જ ઈશ્વરીય દેન. કશું જ બનાવટી કે કૃત્રિમ નહોતું. તેણે ગ્લેમરને બાહ્ય શણગારની જેમ ધારણ કરવું નહોતું પડતું. જાણે તે તેમાં જ વીંટળાયેલાં જન્મ્યાં હોય તેવું લાગતું હતું.
ફિલ્મ `જંગલી'માં શમ્મી કપૂર સાથે સાયરા બાનુ પર ફિલ્માવવામાં આવેલા ગીત `મેરે યાર શબ્બા ખૈર'નું વર્ણન શબ્દોમાં કરવું મુશ્કેલ છે. કાશ્મીરની બરફથી આચ્છાદિત ખીણો અને મનમોહક કુદરતી સૌંદર્યની વચ્ચે રંગબેરંગી વસ્ત્રોમાં સજ્જ સાયરા બાનુ કોઈ પરી જેવી લાગતી હતી. જાણે બરફમાં આગ લગાવતી હોય. ફિલ્મ `પડોસન' (1968) કારકિર્દીની એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન અને ભારતીય સિનેમાની શ્રેષ્ઠ કોમેડી ફિલ્મોમાંની એક ગણાય છે. આ ફિલ્મમાં `બિંદુ' બનતી એક ઉત્સાહી, આધુનિક અને નટખટ યુવતી હતી. તેની રમૂજી અદા, ફેશન-સમજ અને અભિનય-કૌશલ્યનું એક આગવું પાસું જોવા મળ્યું હતું. ખુશમિજાજી સ્વભાવ, મનમોહક સ્મિત અને અભિનયની અદ્ભુત કુશળતા; જો આ તમામ ગુણો કોઈના વ્યક્તિત્વનું વર્ણન કરતા હોય, તો તે છે સિત્તેરના દાયકાની પ્રખ્યાત અભિનેત્રી સાયરા બાનુ; હિન્દી સિનેમાની સૌથી સુંદર અભિનેત્રીઓમાં સ્થાન ધરાવે છે. પોતાની ભૂમિકાઓમાં એક તાજગીભરી અને હળવીફૂલ જેવી ઊર્જાનો સંચાર કર્યો. અવારનવાર કોમેડી અને રોમાન્સ માટેની સહજ કુશળતા ધરાવતી ઉત્સાહી અને આધુનિક મહિલાનાં પાત્રો ભજવતી. વિંગ્ડ આઈલાઇનર, બુફન્ટ હેરસ્ટાઇલ અને આધુનિક વેસ્ટર્ન પોશાકથી લઈને પરંપરાગત સાડીઓ સુધીની તેમની ફેશનની પસંદગીને કારણે તેઓ પેઢીઓ સુધી એક `ટ્રેન્ડસેટર' બની રહી. કાજોલના દાદા શશધર મુખર્જીએ `હમ હિન્દુસ્તાની' ફિલ્મમાં સુનીલ દત્તની સામે સાયરા બાનુને રજૂ કરવાની યોજના બનાવી હતી. જોકે, સાયરા બાનુ માટે ભાગ્યમાં કંઈક અલગ જ લખાયેલું હતું. શશધરના ભાઈ સુબોધ મુખર્જી `જંગલી' નામની ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહ્યા હતા. ફિલ્મ માટે તેમણે જે પ્રકારની નાયિકાની છબી વિચારી રાખી હતી, તેવી છબી તેમને યુવાન સાયરા બાનુમાં જોવા મળી અને `કાશ્મીર કી કલી હૂં મૈં' ગીતમાં કાશ્મીરની કળી બનેલી સાયરા આખા હિન્દુસ્તાનનું ફૂલ બની મહોરી ઊઠી હતી. આનું નામ જ નસીબ છે. એ તમને સમયે સાથ આપે જ છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો