સોશિયલ મીડિયા પર પોતાની અનોખી અને રમૂજી શૈલીથી કરોડો દિલ જીતનારી અભિનેત્રી શ્રદ્ધા કપૂર તાજેતરમાં પોતાની આગામી ફિલ્મ`ઇથા'ને લઇને સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યાં છે. `આશિકી 2', `સ્ત્રી 1-2' અને `તૂ ઝૂઠી મૈં મક્કાર' જેવી ફિલ્મોથી પોતાની અભિનય ક્ષમતા સાબિત કરનારાં શ્રદ્ધા આગામી સમયમાં ફિલ્મ `ઈથા'માં એક તદ્દન અલગ અને રસપ્રદ અંદાજમાં જોવા મળવાનાં છે, જેને લઈને તેમના ચાહકો ખૂબ ઉત્સુક છે.
તમારી છેલ્લી ફિલ્મમાં તમે આત્મસન્માનને મહત્ત્વ આપતી નારીનું પાત્ર ભજવ્યું હતું. અંગત જીવનમાં તમે સેલ્ફ-લવ કઈ રીતે જાળવો છો?
હું નિયમિત મેડિટેશન કરું છું. મારા ડોગ `શાયલોહ' અને પરિવાર સાથે સમય વિતાવું છું. ક્યારેક રૂમમાં મોટેથી મ્યુઝિક વગાડીને ડાન્સ પણ કરી લઉં છું. મને સમજાયું છે કે આખા બ્રહ્માંડમાં સૌથી મહત્ત્વનો સંબંધ મારો મારી પોતાની સાથે છે, એટલે `મી-ટાઇમ' કાઢવો ખૂબ જરૂરી છે.
તમે ઘણીવાર મિનિમલ અને ટ્રેડિશનલ ગોલ્ડ જ્વેલરીમાં જોવા મળો છો. સોનાનાં ઘરેણાં તમારા માટે આત્મ-અભિવ્યક્તિનું માધ્યમ કઈ રીતે બન્યાં?
હું ક્યારેય ટ્રેન્ડ્સ પાછળ અંધાધૂંધ દોડતી નથી, હંમેશાં દિલનું સાંભળું છું. મારી પાસે રહેલા સોનાના ઘરેણામાં સૌથી કીમતી મૂડી મારી નાનીની સોનાની બંગડીઓ છે, જે મારી મમ્મીએ મને ભેટમાં આપી છે.
તમે ઇન્સ્ટાગ્રામ પર ભારતમાં સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતી ટોચની ત્રણ હસ્તીઓમાં સામેલ છો. આ લોકપ્રિયતા પાછળની કોઈ સોશિયલ મીડિયા સ્ટ્રેટેજી?
સાચું કહું તો કોઈ સ્ટ્રેટેજી નથી! હું જે અનુભવું તે જ પોસ્ટ કરું છું. કમેન્ટ સેક્શનમાં ફેન્સ સાથે મિત્રોની જેમ વાતો કરવી મને ગમે છે. મારા ફેન ક્લબ્સ સાથે મારો બહુ ખાસ અને સાચો સંબંધ છે.
ઇન્સ્ટાગ્રામ પર પાપા (શક્તિ કપૂર) જેવા જ `ડેડ જોક્સ' ક્રેક કરવા અને અલગ-અલગ એક્સેન્ટમાં વાતો કરવી, આ બધું તમને કેટલો આનંદ આપે છે?
હું જેવી છું તેવી જ રહેવામાં મને પરમ આનંદ મળે છે. લોકો એકબીજાને સપોર્ટ કરે અને આગળ વધારે તે જોઈને મારું દિલ ખુશ થઈ જાય છે.
તમારું બાયો `લિવિંગ ધ ડ્રીમ' શું દર્શાવે છે? મારી રોજબરોજની જિંદગીને મારી શરતો પર, ડર વગર જીવવી એ જ મારું સપનું છે. નાનપણથી મારું એક જ સપનું રહ્યું છે પગ હંમેશાં જમીન પર રાખીને આકાશના તારાને આંબવા. મારા પરિવારે મને જે સાદગીભર્યા સંસ્કાર આપ્યા છે તેના કારણે હું આ સપનું રોજ જીવી શકું છું.
બોલિવૂડમાં સ્ક્રિપ્ટ પસંદ કરવામાં પપ્પાની સલાહ કેટલી મહત્ત્વની રહે છે?
પપ્પા ઇન્ડસ્ટ્રીના લેજેન્ડરી સ્ટાર છે, એટલે તેમની સાથે ચર્ચા ન કરું તો હું મૂર્ખ ગણાઉં! પણ હા, ફિલ્મ પસંદ કરવાનો અંતિમ નિર્ણય હંમેશાં મારો જ હોય છે. હું એવી વાર્તાઓ પસંદ કરું છું જેમાં હું મારું દિલ અને આત્મા રેડી શકું.
તમારી કઈ ફિલ્મી પ્રતિકૃતિ તમારા પોતાના સ્વભાવની સૌથી નજીક છે?
ફિલ્મ `એક વિલન'ની આયશા. તેનો સાહસિક સ્વભાવ અને દરેક પરિસ્થિતિમાં ખુશ રહેવાની આદત મને મારી પોતાની વધારે નજીક લાગે છે.
તમે આટલાં રમૂજી છો, તો કોઈ હાર્ડકોર કોમેડી ફિલ્મ કેમ નથી કરી?
હજુ સુધી મને કોઈએ એવો રોલ ઓફર જ નથી કર્યો! દર્શકોને હંમેશાં મનોરંજક પાત્રો ગમે છે. જેમ કે, મારા પપ્પાનું `ક્રાઇમ માસ્ટર ગોગો'નું પાત્ર આજે પણ લોકો એટલા જ પ્રેમથી જુએ છે.
તમારી આ અનોખી સેન્સ ઓફ હ્યુમર વિશે તમારા પપ્પાનું શું કહેવું છે?
હું મારા પપ્પા સામે એકદમ ફિલ્ટર વગરની, તદ્દન ઓરિજિનલ હોઉં છું. તે કહે છે કે મારી પાસે તેમને હસાવવાની અને સાથે જ એક કડક માતાની જેમ સંભાળ લેવાની અદ્ભુત ક્ષમતા છે! અમે સાથે હોઈએ ત્યારે બસ ધમાલ જ કરીએ છીએ.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો