થોડાક સમયમાં જ સિંગર્સની દુનિયામાં નેહા કક્કડે પોતાનું વર્ચસ્વ જમાવ્યું હતું. થોડા દિવસ પહેલાં તે પોતાના એક ગીતમાં અશ્લીલ ડાન્સ સ્ટેપના કારણે વિવાદોમાં પણ સપડાઇ હતી. ત્યારબાદ પોતે ગીત-સંગીતની દુનિયામાં બ્રેક લઇ રહી છે તેવું નિવેદન પણ તેણે આપ્યું હતું. અલબત્ત, તે ભલે કંઇ પણ કહે તે કોઇ ને કોઇ કારણે સોશિયલ મીડિયા કે અન્ય રીતે ચર્ચામાં રહે જ છે. થોડા દિવસ પહેલાં જ તેણે પોતાનો 38મો બર્થડે ઊજવ્યો હતો, જે માટેની તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં વાઇરલ પણ થઇ હતી. નેહા કક્કડે પોતાના બર્થડે નિમિત્તે નાની પાર્ટીનું આયોજન પણ કર્યું હતું, જેમાં તેના પરિવારજનો, ખાસ મિત્રો અને કેટલાક સિંગિંગ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકો પણ હતા. હવે નેહા કક્કડ ક્યારે પોતાનાં નવાં ગીતો લઇને આવે છે તેની નેટિજન્સ રાહ જોઇ રહ્યા છે. નોંધનીય છે કે, વિવાદોમાં સપડાયા બાદ નેહા હવે કોઇ જ પ્રકારનું જોખમ લેવા માંગતી નથી અને હાલ બ્રેકની મજા માણી રહી છે.
ગોવિંદાને લોન્ચ કરનાર પહલાજ નિહલાનીનું જૈફ વયે નિધન
બોલિવૂડમાં એવા ઘણા નામી સ્ટાર છે, જેઓ કોઇ પણ પ્રકારના ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી આવ્યા નથી. તેમ છતાં તેઓએ સ્ટારડમ હાંસલ કર્યું છે. જોકે, આ બધા સ્ટાર્સને સુપરસ્ટાર બનાવવામાં ફિલ્મમેકર પહલાજ નિહલાનીનું નામ મોખરે લેવાય છે, કારણ કે તેમણે ઘણા સ્ટાર્સને સ્ટાડમ પહોંચાડવામાં મદદ કરી છે અને સાથ પણ આપ્યો છે. આ સ્ટારડમ મેળવનાર સ્ટાર્સમાં ગોવિંદાનો પણ સમાવેશ થાય છે. ગત સપ્તાહે જ ફિલ્મમેકર પહલાજ નિહલાનીનું 76 વર્ષની જૈફ વયે નિધન થયું હતું, ત્યારે ગોવિંદાએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને જણાવ્યું હતું કે, તેઓ અમારા માટે પાયાની ઈંટ સમાન હતા. નોંધનીય છે કે, ગોવિંદાને પહલાજ નિહલાનીએ જ લોન્ચ કર્યા હતા. વર્ષ 1986માં ગોવિંદાએ ફિલ્મ `ઇલ્ઝામ'થી બોલિવૂડમાં ડગ
માંડ્યાં હતાં.
હુમા કુરેશીનું `બેબી ડુ ડાઇ ડુ'નો ઇન્ટ્રો વીડિયો વાઇરલ
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હુમા કુરેશીએ અત્યાર સુધી જેટલી પણ ફિલ્મો કે વેબ સીરિઝ કરી છે તેનાથી તેણે નેટિજન્સને વિશેષ આકર્ષ્યા છે. અલબત્ત, તેની એક્ટિંગ પણ દર્શકોને પસંદ પડે છે. થોડા દિવસ પહેલાં જ તેની ફિલ્મ `બેબી ડુ ડાઇ ડુ'નો ઈન્ટ્રો વીડિયો લોન્ચ થયો હતો, જે લોન્ચ થતાં જ વાઇરલ થઇ ગયો હતો. મૂળ આ ફિલ્મી ઇન્ટ્રોમાં કેટલાંક ખૂન દર્શાવવામાં આવે છે, જેમાં ખૂની એક છત્રી દ્વારા કેટલાક લોકોનું ખૂન કરે છે. હવે આ ખૂન શું કામ કર્યું હશે અને કોના માટે કર્યું હશે તે માટે ફિલ્મ જોવી રહી. અલબત્ત, આ ફિલ્મ મુંબઇની દુનિયા પર આધારિત છે. એનિમેટેડ ઈન્ટ્રોમાં થોડીક રિઅલ ઝલક હુમા કુરેશીની પણ દર્શાવવામાં આવી છે. આ ફિલ્મ 3 જુલાઇ 2026ના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં હુમા કુરેશીની સાથે સિંકદર ખેર, ચંકી પાંડે, સીમા પાહવા ઉપરાંત વિદ્યા માલવડે અને હિમાંશુ મલિક પણ જોવા મળશે.
જેકી શ્રોફ અને આયશા શ્રોફે તેમની વેડિંગ એનિવર્સરી ઊજવી
આજે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર જેકી શ્રોફ તેમની ફિલ્મોને કારણે નહીં, પરંતુ તેમના સ્લોગન `પેડ લગાઓ બીડુ, પેડ લગાઓ'થી ઓળખાઇ રહ્યા છે. ઢળતી વયે પણ જેકી શ્રોફ ફિલ્મો તો કરી જ રહ્યા છે, પરંતુ સાથેસાથે પર્યાવરણ બચાવો અને અન્ય સોશિયલ વર્ક પણ કરતા રહે છે. તેઓ સોશિયલ મીડિયામાં પણ છાશવારે ચમકતા રહે છે. ગત સપ્તાહે જ તેમણે 39મી વેડિંગ એનિવર્સરી ઊજવી હતી. આ અવસર પર જેકી શ્રોફ અને તેમની પત્ની આયશા શ્રોફે સોશિયલ મીડિયા પર પોતાનાં લગ્નની અને અન્ય તસવીરો શેર કરીને એનિવર્સરી ઊજવી હતી. આ બંને જણાની તસવીરો સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાઇરલ થઇ હતી. અલબત્ત, નેટિજન્સે જેકી શ્રોફ અને આયશા શ્રોફની પોસ્ટ પર તેમને વેડિંગ એનિવર્સરીની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ કોમેન્ટ સેક્શનમાં કેક પ્લસ ફ્લાવર ઈમોજી અને કપલ ઈમોજી મૂકીને પણ શુભેચ્છાઓ પાઠવી હતી. વર્ષ 1980માં ચાલેલી જેકી અને આયશાની લવ સ્ટોરી વર્ષ 1987માં લગ્નમાં પરિણમી હતી.
કરિશ્મા કપૂર ડાન્સ રિયાલિટી શોમાં ખૂબ જ ભાવુક થઈ ગઈ
હાલમાં કરિશ્મા કપૂર પોતાની વેબ સીરિઝ `બ્રાઉન'ને લીધે ટોક ઓફ ધ ફિલ્મ ઈન્ડસ્ટ્રી છે. કરિશ્મા કપૂરે ઘણા લાંબા સમય બાદ એક્ટિંગમાં ઝંપલાવ્યું છે. બ્રાઉનમાં તે એક પોલીસ અધિકારી દર્શાવાઇ છે. ફિલ્મ-સીરિઝને બાદ કરતાં તે એક ડાન્સ રિયાલિટી શોની જજ પણ છે. થોડા દિવસ પહેલાં જ કરિશ્મા કપૂર દિવંગત રિશિ કપૂરનું ગીત `ડફલી વાલે' યાદ કરીને ખૂબ જ ભાવુક થઇ હતી. આ ગીતને લઇને તેણે જણાવ્યું હતું કે, હું જ્યારે પણ ચિન્ટુ અંકલ (રિશિ કપૂર)નું આ ગીત સાંભળું કે જોઉં છું ત્યારે ખૂબ જ ભાવુક થઇ જાઉં છું અને હરખથી અને દુઃખથી રડી પણ જાઉં છું. કરિશ્મા કપૂરે વધુમાં જણાવ્યું હતું કે, મને ચિન્ટુ અંકલની એક્ટિંગ પ્લસ તેમના ડાન્સ સ્ટેપ ખૂબ પસંદ હતા. હું માત્ર `ડફલીવાલે' સોંગ જોવા જ થિયેટરમાં જતી હતી. આ ગીત મને મારા બાળપણની યાદ અપાવે છે.
રિતિક રોશન હવે ગ્રે શેડવાળી ભૂમિકા ભજવવાની ફિરાકમાં છે
થોડા દિવસ પહેલાં રિતિક રોશને એફિલ ટાવર સાથેની પોતાની સેલ્ફી સોશિયલ મીડિયા પર શેર કરી હતી, જે ખૂબ જ વાઇરલ થઇ હતી. આ સાથે તેણે કેપ્શનમાં લખ્યું હતું કે, `મને કોઇએ પૂછ્યું કે તમે હવે કયા પ્રકારનો રોલ કરવા માંગો છો, જ્યારે મને તેનો જવાબ મળ્યો તો હું પોતે હેરાન થઇ ગયો! શું તમને `લક બાય ચાન્સ'નો જફ્ફર યાદ છે? મારે એવો જ રોલ જોઇએ' રિતિકે વધુમાં જણાવ્યું હતું કે, `જો મને આવો જ કોઇ મોકો મળશે, તો તેને હું તરત જ અપનાવી લઇશ, પરંતુ દુઃખની વાત એ છે કે મને ડાયરેક્ટર માત્ર સારા માણસની ભૂમિકામાં જ જોવા માંગે છે અને તેવા જ રોલ આપવા માંગે છે.' નોંધનીય છે કે, વર્ષ 2009માં આવેલી ફિલ્મ `લક બાય ચાન્સ'માં રિતિકે એક ઘમંડી સુપરસ્ટારની ભૂમિકા કરી હતી, જેને દર્શકોએ વધાવ્યો હતો. હાલમાં રિતિક હવે આવા જ રોલની ફિરાકમાં છે એમ જણાવી રહ્યો છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો