અમેરિકન પત્રકારત્વમાં અને હવે ધીમે ધીમે આખી દુનિયાના ન્યૂઝ મીડિયામાં એક બહુ પ્રખ્યાત, પણ અત્યંત નિર્લજ્જ નિયમ કામ કરે છે : `જો ઘટનામાં લોહી વહેતું હોય, તો તે સમાચાર સૌથી પહેલાં બતાવવા.' એક જમાનામાં સમાચારનું કામ લોકોને માહિતી આપવાનું હતું. આજે વૈશ્વિક સમાચારનું કામ લોકોને ડરાવવાનું, સનસનાટી ફેલાવવાનું અને તેમને સ્ક્રીન સાથે જકડી રાખવાનું છે. હાઈવે પર થયેલો અકસ્માત, ખૂન કે આગની ઘટના આ બધું હવે માત્ર સમાચાર નથી રહ્યા, આ એક `સ્પેક્ટેકલ' (તમાશો) છે, પણ સવાલ એ છે કે રાતના અંધારામાં થતી આ ઘટનાઓના લોહીવાળા વીડિયો ચેનલો સુધી પહોંચાડે છે કોણ? અને જો કોઈ સમાજ એવી સિસ્ટમ બનાવે જ્યાં `બીજાની ટ્રેજેડી' સૌથી વધુ વેચાતી પ્રોડક્ટ હોય, તો તે સિસ્ટમ કેવા પ્રકારના રાક્ષસો પેદા કરશે? આ જ ભયાનક સવાલનો રૂંવાડાં ઊભાં કરી દે તેવો જવાબ એટલે 2014માં આવેલી નિયો-નોઈર સાઇકોલોજિકલ થ્રિલર : નાઇટક્રોલર.
ડિરેક્ટર ડેન ગિલરોયની આ ફિલ્મના કેન્દ્રમાં છે લુઈસ બ્લૂમ. લુઈસ કોઈ હીરો નથી, તે એક પ્યોર સોશિયોપેથ છે. તેને માણસ પ્રત્યે કોઈ લાગણી કે સંવેદના નથી. તે બેરોજગાર છે અને ચોરીછૂપીથી લોખંડનો ભંગાર વેચીને ગુજરાન ચલાવે છે. એક રાત્રે તે હાઈવે પર એક ભયાનક કાર અકસ્માત જુએ છે. ત્યાં તે કેટલાક ફ્રીલાન્સ કેમેરામેનને જુએ છે, જેઓ લોહીલુહાણ લોકોને બચાવવાને બદલે તેમના ઝૂમ-ઈન વીડિયો ઉતારી રહ્યા છે, જેથી તે ફૂટેજ લોકલ ન્યૂઝ ચેનલને વેચી શકાય. લુઈસને તરત સમજાઈ જાય છે કે આ તો પોતાના જ ટાઈપનું કામ છે! તે એક સસ્તો કેમેરો અને પોલીસ-સ્કેનર ખરીદી લાવે છે.
અહીંથી શરૂ થાય છે લુઈસ બ્લૂમની લોસ એન્જલસના અંધારા રસ્તાઓ પર `નાઈટક્રોલર' (રાત્રે બહાર નીકળતા જંતુ) તરીકેની સફર. તે પોલીસની ગાડીઓનો પીછો કરે છે, અકસ્માતો થયા હોય ત્યાં અને ક્રાઈમ સીન પર પહોંચે છે અને મરતા માણસોના ક્લોઝઅપ શોટ્સ લે છે. આ ફૂટેજ તે નીના (રેને રુસો) નામની એક ન્યૂઝ ડિરેક્ટરને વેચે છે. નીના આધુનિક ન્યૂઝ મીડિયાની નૈતિક નાદારીનું જીવંત પ્રતીક છે. તે લુઈસને સ્પષ્ટ કહે છે : `અમારે એવા સમાચારો જોઈએ છીએ જેમાં શહેરના કોઈ પોશ વિસ્તારમાં વ્હાઈટ અને અમીર માણસોના ઘરમાં ઘૂસીને કોઈ ક્રાઈમ થયો હોય. દર્શકોને ડર ગમે છે.'
આ ફિલ્મ આધુનિક મૂડીવાદ પરનો સૌથી મોટો કટાક્ષ છે. મૂડીવાદને તમારી નૈતિકતાથી કોઈ લેવાદેવા નથી, તેને માત્ર `રિઝલ્ટ' જોઈએ છે. લુઈસ સોશિયોપેથ છે, પણ કોર્પોરેટ જગતની ભાષામાં તે એક `આદર્શ આંત્રપ્રિન્યોર' છે. તે બિઝનેસ મેનેજમેન્ટની ચોપડીઓમાં લખાતી મોટી મોટી વાતો કરે છે. તે મહેનતું છે, સમયસર કામ પૂરું કરે છે અને ગ્રાહક(ન્યૂઝ ચેનલ)ને જે જોઈએ તે લાવીને આપે છે. આખી સિસ્ટમ જ એવી સડી ગઈ છે કે તેમાં એક સંવેદનહીન રાક્ષસ બહુ આસાનીથી સીડીઓ ચઢીને સફળ થઈ જાય છે.
ફિલ્મની સિનેમેટોગ્રાફી એટલી શાનદાર છે કે રાતનું લોસ એન્જલસ શહેર કોઈ ચમકતા નિયોન-લાઇટવાળા નર્કાગાર જેવું લાગે છે. ડિરેક્ટરે લુઈસના પાત્રને એક ભૂખ્યા વરુ જેવું ટ્રીટ કર્યું છે. જેમ જેમ ફિલ્મ આગળ વધે છે, લુઈસની હિંમત અને નફ્ફટાઈ વધતી જાય છે. તે માત્ર ઘટનાઓનું રેકોર્ડિંગ કરવાથી જ અટકતો નથી. અલબત્ત એક સીનમાં અકસ્માતની સારી `ફ્રેમ' અને જબરદસ્ત કેમેરા એંગલ મેળવવા માટે તે પોલીસ આવે તે પહેલાં જાતે જ લાશને ખેંચીને બીજી જગ્યાએ સારી રીતે ગોઠવે છે! એક પત્રકાર તરીકેની `ઓબ્ઝર્વર'ની લાઈન ક્રોસ કરીને તે ઘટનાનો મેનિપ્યુલેટર બની જાય છે.
ફિલ્મનો ક્લાઈમેક્સ ગજબ છે. વધુ એક્સક્લુસિવ અને હિંસક ફૂટેજ મેળવવાની લાયમાં લુઈસ ખુદ એક મર્ડર અને શૂટઆઉટનો તખ્તો ગોઠવે છે અને પોતાના જ આસિસ્ટન્ટને મરવા માટે છોડી દે છે, જેથી તે મરતા આસિસ્ટન્ટના ચહેરાનો ક્લોઝઅપ શૉટ લઈ શકે!
`નાઈટક્રોલર' માત્ર મીડિયા કે પત્રકારત્વ પરની ફિલ્મ નથી. જો ધ્યાનથી જુઓ, તો આ ફિલ્મ આપણા બધા પર એટલે કે `દર્શકો' પર મૂકવામાં આવેલો અરીસો છે. લુઈસ બ્લૂમ જેવા ગીધો પેદા કેમ થાય છે? ન્યૂઝ ચેનલો આવા લોહીવાળા સમાચારો કેમ બતાવે છે? કારણ કે આપણને તે જોવાની વિકૃત મજા આવે છે! હાઈવે પર અકસ્માત થયો હોય ત્યારે મદદ ભલે ન કરીએ, પણ આપણી ગાડી ધીમી પાડીને પેલી લાશ જોવા માટે આપણે ડોકું જરૂર કાઢીએ છીએ. લુઈસ બ્લૂમ કોઈ એલિયન નથી, તે આપણી જ `વોયેરીસ્ટિક' (બીજાની ટ્રેજેડી જોવામાં આનંદ પામતી) વિકૃત માનસિકતાનું વ્યાપારીકરણ છે.
ફિલ્મ પૂરી થાય છે ત્યારે લુઈસ પકડાતો નથી, ઊલટાનું તે પોતાની કંપની મોટી કરે છે અને વધુ કેમેરામેનની ફોજ ઊભી કરે છે. આ જ તો આધુનિક દુનિયાની ટ્રેજેડી છે : અહીં સારા માણસો હારી જાય છે, અને `ટીઆરપી'ના બજારમાં સંવેદનાઓ વેચી ખાનારા જીતી જાય છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો