વન મેન બેન્ડ (1957), વન મેન ફોર્સ (1989), વન મેન જસ્ટિસ (2000) જેવી ઘણી ફિલ્મો છે, જેનું શીર્ષક અંગ્રેજી શબ્દ `વન'થી શરૂ થતું હોય છે. વન એટલે એક અને `એક' શબ્દથી શરૂ થતી ઘણી હિન્દી ગુજરાતી ફિલ્મો મળી જાય, પરંતુ કોઈ પણ ફિલ્મ હોય કહેવાય છે એવું જ કે ફિલ્મ એ ટીમવર્ક જોબ છે એટલે ઘણા બધા માણસો ભેગા મળીને ફિલ્મ બનાવી શકે. જેમ કે, રસ્તા નિર્માણનું કામ પણ ટીમવર્ક જ હોય, પરંતુ એક હતો દશરથ માંઝી જેણે એકલા હાથે આખો ડુંગર કોતરીને રસ્તો બનાવ્યો હતો. તેમને ભારતના `માઉન્ટેન મેનટ તરીકે ઓળખવામાં આવે છે. બિહારના ગયા પાસે આવેલા ગેહલોર ગામમાં માત્ર એક છીણી અને હથોડી લઈને એકલા હાથે 360 ફૂટ લાંબો, 30 ફૂટ પહોળો અને 25 ફૂટ ઊંડો રસ્તો પહાડ કોતરીને બનાવ્યો હતો. કેતન મહેતાએ દશરથ માંઝી પર જીવન ચરિત્રાત્મક હિન્દી ફિલ્મ `માંઝી - ધ માઉન્ટેન મેન' દિગ્દર્શિત કરી છે, જે 21 ઓગસ્ટ, 2015ના રોજ રિલીઝ 

થઈ હતી.

હવે આવું જ પરંતુ દશરથ માંઝી કરતાંય અનેક ઘણું અઘરું કામ સંકાગીરી રાજકુમારે ફિલ્મી ક્ષેત્રે કરી બતાવ્યું છે. ચોક્કસપણે દશરથ માંઝીએ 22 વર્ષ (1960થી 1982) સુધી મહેનત કરી હતી તો સંકાગીરી રાજકુમારે 15 વર્ષ સુધી મહેનત કરી છે. દશરથ માંઝી કરતા સંકાગીરી રાજકુમારનું કાર્ય વધુ કઠિન હતું, કેમ કે દશરથ માંઝીએ એક જ ક્ષેત્રે એક જ કામ કરવાનું હતું, જ્યારે સંકાગીરી રાજકુમારે એક-બે, દસ-પંદર નહિ, પૂરા 70થી વધુ વિભાગોનું કામ સંપૂર્ણપણે જાતે સંભાળ્યું છે અને ફિલ્મનું નામ રાખ્યું છે `વન મેન'.

આ ફિલ્મનું નામ સાર્થક કરવા આ માણસે જાતે જ ફિલ્મની વાર્તા લખી નાખી, ચલો ઠીક છે વાર્તા મોટાભાગે એક જ વ્યક્તિ લખતો હોય છે. ફિલ્મની વાર્તા લખાય એટલે એવો નિર્માતા જોઈએ જે વાર્તા સાંભળે અને ફિલ્મ બનાવવા રાજી થાય. અહીં આ સંકાગીરી દલા તરવાડી બની પોતે પોતાને જ પૂછે છે મૂવી બનાવું? પોતે જ જવાબ આપે છે બનાવ ને. ભાઈ નિર્માતા પણ બની ગયા. નિર્માતા બની ગયા, વિચાર આવ્યો દિગ્દર્શન પણ જાતે જ કરી નાખું ને ભાઈએ કર્યું પણ ખરું. તકનીકી કાર્યના વિભાગો જેવા કે કેમેરા, એડિટિંગ, સંગીત અને સાઉન્ડ ડબિંગનું કામ જાતે જ સંભાળ્યું.

પરંતુ દશરથ માંઝી કરતાંય અનેક ઘણા અઘરા કામની શરૂઆત અહીંથી થાય છે, `વન મેન' ફિલ્મમાં પાંચસો (500) કરતાં વધારે પાત્રો છે અને ફિલ્મ-મૂવી-ચિત્રપટ-પિક્ચર જે કહો તે ટીમવર્ક કાર્ય છે તે વાક્ય જ રફાદફા કરતા એકલાએ જ આ પાંચસોથી વધારે પાત્રો ભજવી નાખ્યાં છે. વળી, આમાં પણ 21 તો મુખ્ય પાત્રો છે. ચક્કર આવી જાય કે નહિ? આવી જ જાય, સંકાગીરી રાજકુમાર પાગલ કહી શકાય તે કક્ષાએ એક જ ફિલ્મમાં 6 વર્ષ સુધી બધું જ કરતો રહ્યો અને આ બધું કરવા માટે શીખવામાં નવ વર્ષનો સમય આપ્યો. આમ, 15 વર્ષ પછી VFXની મદદથી એકલો જાને રે કહેતાં કહેતાં આખી ફિલ્મ બનાવી નાખી.

તમિલ ફિલ્મ નિર્માતા સંકાગીરી રાજકુમારે `વન મેન' નામની સોલો ફિલ્મ બનાવવા વધારાના કલાકારો વિના થિયેટરમાં પ્રેક્ષકોથી ભરેલા દૃશ્યનું શૂટિંગ કરવા માટે, દરેક સીટ પર વારાફરતી બેસીને પોતાનું જ શૂટિંગ કર્યું. આ દરમિયાન તે અલગ-અલગ પ્રેક્ષકો હોય તેવો ભાસ ઊભો કરવા માટે પોતાનાં કપડાં કે બેસવાની સ્થિતિ બદલતો રહેતો હતો. આ આખી ફીચર ફિલ્મ કોઈ પણ આસિસ્ટન્ટ, ક્રૂ મેમ્બર કે બોડી ડબલ વગર એકલા હાથે બનાવી છે.

ગબ્બર મૂવીનું નામ વન મેન હોય તો કેટલા માણસોની જરૂર પડે?

સંકાગીરી રાજકુમાર એક જ. 

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો