ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પલક તિવારી સમયાંતરે સોશિયલ મીડિયામાં વાઇરલ થતી રહે છે. તાજેતરમાં જ તે રાજસ્થાનની સફરે નીકળી પડી છે અને તે દરમિયાન તેણે પોતાની જે તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે. તે તમામ તસવીરો સોશિયલ મીડિયામાં જબરદસ્ત વાઇરલ પણ થઇ રહી છે. અલબત્ત, પલક તિવારીએ રાજસ્થાની મ્યુઝિક પર ડાન્સ પણ કર્યો છે. તેણે કેપ્શન આપ્યું છે કે, `મેં હંમેશાં રાજસ્થાની મહેમાનનવાજી વિશે સાંભળ્યું હતું, પરંતુ આજે હકીકતમાં તેના અનુભવનો મોકો પણ મળ્યો. સાચે જ અહીંની મહેમાનનવાજી અનોખી અને બેમિસાલ છે.' મોટાભાગના યૂઝર્સ એમ જણાવી રહ્યા છે કે, તમે અહીં એકલા ન હોઇ શકો, તમારી સાથે ઇબ્રાહિમ અલી ખાન હોવો જોઇએ. નોંધનીય છે કે, પલક તિવારીની મોટાભાગની ટૂર ઈબ્રાહિમ અલી સાથેની હોય છે. 

ફરી એકવાર અર્જુન રામપાલ દમદાર ભૂમિકામાં જોવા મળશે  

થોડા સમય પહેલાં જ અર્જુન રામપાલ પોતાની ફિલ્મ `ધુરંધર'ને લઇને ખૂબ જ ચર્ચામાં હતો. આ ફિલ્મમાં તેણે ભજવેલી `મેજર ઇકબાલ'ની ભૂમિકા પ્રસંશનીય રહી હતી. હવે ફરી એકવાર અર્જુન રામપાલ દમદાર ભૂમિકામાં ફિલ્મ `3 મંકીઝ'માં જોવા મળવાનો છે. મૂળ આ ફિલ્મ થ્રિલર છે અને તે આ વર્ષના અંતે ડિસેમ્બરમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં અર્જુન રામપાલની સાથે વિશાલ જેઠવા, મુસ્તફા બર્માવાલા અને તેનજિન દલ્હા સ્ક્રીન શેર કરવાના છે. ફિલ્મનું નિર્દેશન અબ્બાસ-મસ્તાને કર્યું છે. `3 મંકીઝ' ફિલ્મની જાહેરાત ગત સપ્તાહે ગાંધી જયંતીના દિવસે કરવામાં આવી હતી. આ ફિલ્મમાં ગાંધીજીના ત્રણ વાંદરાંની લાઇન `કોઈ ખરાબ ન જુઓ, કોઈ ખરાબ ન સાંભળો, કોઈ ખરાબ ન બોલો'ને બદલીને `બધું જુઓ, તમારી જાતને સાંભળો, નિર્ભયતાથી બોલો' કરવામાં આવી છે. ફિલ્મની વાર્તા ત્રણ માસ્ક પહેરેલાં પાત્રો પર કેન્દ્રિત છે. હવે જોવું રહ્યું કે આ ફિલ્મ દર્શકોને પસંદ પડે છે કે કેમ?

તમન્ના ભાટિયાએ ફિલ્મ `હનુમાન અંશ' વિશે શું કહ્યું?  

હાલમાં પાન ફિલ્મ એક્ટ્રેસ તમન્ના ભાટિયાની ફિલ્મ `ધ વન' ખૂબ જ ચર્ચામાં છે અને તે ધીમે ધીમે ઓફિસ બ્રેક પણ કરી રહી છે. તમન્ના ભાટિયાની બોલિવૂડ ફિલ્મો ખૂબ જ ફ્લોપ સાબિત થઇ છે, પરંતુ તેની ફિલ્મ `ધ વન' કાઠું કાઢી રહી છે. પોતાની ફિલ્મ દર્શકોને વધુ પસંદ આવી રહી છે તેથી તે ખૂબ જ ખુશ છે અને ફિલ્મ રિલીઝ થયાના બે -ત્રણ દિવસ બાદ જ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, `મને ખૂબ આનંદ છે કે, બોલિવૂડમાં પણ મારી ફિલ્મો હવે હિટ થઇ રહી છે. હું બોલિવૂડ દર્શકોની ખૂબ જ આભારી છું.' આ સાથે જ્યારે તેને ફિલ્મ `હનુમાન અંશ' વિશે પોતાનો મત રજૂ કરવાનું કહ્યું ત્યારે તેણે જણાવ્યું હતું કે, `મને લાગે છે કે, આપણે એવા સમયમાંથી પસાર થઇ રહ્યા છીએ કે, જ્યાં શૈલીઓ કોઇ મહત્ત્વ રાખતી નથી. વધુમાં ખૂબ જ નાના બજેટમાં બનેલી ફિલ્મો `હનુમાન અંશ' અને `ઓબ્સેશન' ખૂબ જ નામ કમાવી રહી છે. આ એવી ફિલ્મો છે જેમાં દર્શકો પોતીકાપણું અનુભવી રહ્યા છે.

ધનુષ અને મમૂટીની ફિલ્મ નવેમ્બર-2026માં રિલીઝ થશે  

સાઉથ સુપરસ્ટાર્સમાં ધનુષ-મમૂટીનો સમાવેશ થાય છે. તેમણે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. હવે આ બંને સ્ટાર્સ ટૂંક સમયમાં જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની નવી ફિલ્મ `ઓમ ચેપ્ટર 1 : ઉધિરામ' લઇને આવી રહ્યા છે. આ ફિલ્મ 20 નવેમ્બર, 2026ના રોજ થિયેટર્સમાં રિલીઝ થવાની છે. ચેપ્ટર 1 : ઉધિરામના ફિલ્મમેકર્સે ગત સપ્તાહે જ આ બંને સ્ટાર્સનું ફિલ્મી પોસ્ટર લોન્ચ કર્યું હતું અને જેમાં ધનુષ અને મમૂટી હાથમાં બંદૂક લઇને ઊભા જણાય છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ આ ફિલ્મ 15 ઓક્ટોબરના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ આ સપ્તાહમાં ઘણી ફિલ્મો સાથે રિલીઝ થતી હોવાથી ફિલ્મમેકર્સે આ ફિલ્મની રિલીઝ ડેટ બદલી હોવાનું જણાવ્યું હતું. આ અરસામાં `રામાયણ' જેવી મેગા બજેટની ફિલ્મો પણ રિલીઝ થઇ રહી હોવાથી ફિલ્મ થોડા સમય બાદ રિલીઝ થાય તે નિર્ણયને ઘણા નેટિજન્સે વધાવી લીધો હતો, કારણ કે ઘણીવાર મોટા બજેટની ફિલ્મોને સ્ક્રિન્સ પણ વધારે મળે છે અને અન્ય ફિલ્મોને સ્ક્રીન્સ ઓછો મળવાથી તે ઘણા દર્શકો સુધી પહોંચી પણ શકતી નથી. 

સુફિયાન નડિયાદવાલાનો વીડિયો ચર્ચાનું કારણ બન્યો  

બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સાજિદ નડિયાદવાલાનું નામ આદરથી લેવાય છે. બોલિવૂડમાં સાજિદ નડિયાદવાલાએ ઘણી હિટ ફિલ્મો આપી છે અને હજી પણ તેઓ ફિલ્મ નિર્માણ કરી રહ્યા છે. આ બધા વચ્ચે ગત સપ્તાહમાં જ સાજિદ નડિયાદવાલાનો દીકરો સુફિયાન નડિયાદવાલાનો વીડિયો સોશિયલ મીડિયામાં ચર્ચાનું કારણ બન્યો હતો, કારણ કે તેની કદકાઠી એક સમયના જવાનીના સલમાન ખાન સાથે ખૂબ જ મળતી આવે છે. સુફિયાનનો લુક 90ના સલમાન ખાન સાથે ઘણો બધો મળતો આવે છે. સોશિયલ મીડિયામાં જે વીડિયો વાઇરલ થઇ રહ્યો છે, તેના કોમેન્ટ સેક્સનમાં નેટિજન્સ સલમાન અને સુફિયાન વચ્ચે માત્ર 19-20નો જ ફર્ક છે તેમ જણાવી રહ્યા છે. તો અન્ય નેટિજન્સ તેની સ્ટાઇલ પ્લસ સ્વેગને પણ સલમાન ખાન સાથે સરખાવી રહ્યા છે. નોંધનીય છે કે, બોલિવૂડમાં સલમાન ખાન અને સાજિદ નડિયાદવાલાની ગાઢ મિત્રતા જગજાહેર છે.  

`ગાંધી એન્ડ માય મધર'માં મનોજ બાજપેયી ગાંધીજીની ભૂમિકામાં છે  

બે-ત્રણ દશકોથી મનોજ બાજપેયી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે. તેમણે અત્યાર સુધી જેટલી પણ ફિલ્મો અને વેબ સીરિઝ કરી છે તેમાં તેમના દ્વારા ભજવાયેલી ભૂમિકાઓ યાદગાર અને દમદાર રહેલી છે. ગત ગાંધી જંયતી નિમિત્તે ફિલ્મ `ગાંધી એન્ડ માય મધર' ફિલ્મના મેકર્સ દ્વારા કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. આ તસવીરોમાં સૌથી વધુ ધ્યાન મનોજ બાજપેયીની તસવીરે ખેંચ્યું હતું, કારણ કે તેમાં તેઓ ગાંધીજીની જ ભૂમિકા ભજવી રહ્યા છે. તો બીજી તરફ એક તસવીર વહીદા રહેમાનની પણ જોવા મળી રહી છે. નોંધનીય છે કે, આ બંને જોડી અગાઉ પણ વર્ષ 2023માં આવેલી ફિલ્મ `ગુલમહોર'માં સાથે જ જોવા મળી હતી. આ જોડીને દર્શકોએ ત્યારે પણ વધાવી હતી અને હવે પણ વધાવવાની ફિરાકમાં છે. હાલમાં તો આ ફિલ્મમાં કયા પાસાને વર્ણવવામાં આવશે અને તેની રિલીઝ ડેટ વિશે મેકર્સે કંઇ જણાવેલ નથી. આ ફિલ્મનું નિર્દેશન સુધીર મિશ્રાએ કર્યું છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો