તેલુગુ ફિલ્મ `લક્ષ્મી કલ્યાણમ્' (2007)થી શરૂ થયેલી અભિનેત્રી કાજલ અગ્રવાલની ફિલ્મી સફર આજે પણ એટલી જ સફળતાપૂર્વક આગળ વધી રહી છે. જોકે, તેમણે આ પહેલાં વર્ષ 2004માં બોલિવૂડ ફિલ્મ `ક્યૂં હો ગયા ના...'માં નાની ભૂમિકા ભજવીને એક્ટિંગની દુનિયામાં ડગ માંડ્યાં હતાં. તાજેતરમાં તેમની નવી ફિલ્મ `ધ ઈન્ડિયા સ્ટોરી' ચર્ચામાં છે, જેમાં તેઓ સમાજોપયોગી અને મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં નજરે પડે છે. આ સાથે જ કાજલ અગ્રવાલ આગામી સમયમાં નિતેશ તિવારીની બહુચર્ચિત ફિલ્મ `રામાયણ'માં મંદોદરીની શક્તિશાળી ભૂમિકા પણ ભજવી રહ્યાં છે. અલબત્ત, તેઓનો સમાવેશ આજે પણ દિગ્ગજ એક્ટ્રેસીસમાં થઇ રહ્યો છે.
`લક્ષ્મી કલ્યાણમ્'થી લઈને `ધ ઇન્ડિયા સ્ટોરી' સુધીની આ સફરને તમે કઈ રીતે જુઓ છો?
હું આ આખી સફરને અત્યંત આદર અને ખુશીની નજરે જોઉં છું. જ્યારે મેં શરૂઆત કરી ત્યારે હું માત્ર એક સામાન્ય કિશોરી હતી, જેની આંખોમાં મોટાં સપનાં હતાં, પણ સિનેમાનો કોઈ પારિવારિક અનુભવ નહોતો. અભિનય અને સિનેમા વિશે હું જે કંઈ શીખી છું, તે બધું જ કામ કરતી વખતે જ શીખી છું. બે દાયકાના આ સમયગાળામાં મેં વિવિધ ભાષાઓ, વાર્તાઓ અને શાનદાર દિગ્દર્શકો સાથે કામ કર્યું છે. દરેક ફિલ્મે ચાહે તે સફળ રહી હોય કે પડકારજનક, મને ઘડવાનું કામ કર્યું છે. આજે હું મારી કારકિર્દીને માત્ર ફિલ્મોની સંખ્યાથી નથી માપતી, પરંતુ એ વાતથી માપું છું કે હું એક કલાકાર તરીકે કેટલી સમૃદ્ધ થઈ રહી છું. `ધ ઈન્ડિયા સ્ટોરી' મારી કારકિર્દીના એવા તબક્કાનું પ્રતીક છે, જ્યાં અભિનયની સાથે સાથે તેનો ઉદ્દેશ પણ એટલો જ મહત્ત્વપૂર્ણ છે.
`ધ ઇન્ડિયા સ્ટોરી' ફિલ્મ માટે `હા' કહેવાનું મુખ્ય કારણ શું હતું?
આ ફિલ્મનો વિષય ખોરાકમાં થતી ભેળસેળ, જંતુનાશક દવાઓનો અતિશય ઉપયોગ અને તેનાથી પરિવારના સ્વાસ્થ્ય પર પડતી લાંબા ગાળાની અસરો એવા મુદ્દા પર છે, જે આપણા સૌના જીવન સાથે સીધા જોડાયેલા છે. આપણે રોજ ખોરાક લઈએ છીએ, પરંતુ તે ક્યાંથી આવે છે અને તેમાં શું ભળેલું છે તે વિશે બહુ ઓછા લોકો વિચારતા હોય છે. આ ફિલ્મ લોકોને ડરાવવાનો પ્રયાસ નથી કરતી, પરંતુ જાગૃતિ અને જવાબદારીપૂર્વકની પસંદગી કરવાનો સંદેશ આપે છે. સામાજિક રીતે મહત્ત્વપૂર્ણ હોય અને સાથે સાથે મનોરંજક પણ હોય એવી સ્ક્રિપ્ટ મળવી દુર્લભ હોય છે, એટલા માટે મેં હા પાડી.
શું તમને લાગે છે કે એક્ટર્સ-એક્ટ્રેસની પ્રેક્ષકો પ્રત્યે કોઈ જવાબદારી હોય છે?
કાજલ અગ્રવાલ: ચોક્કસ, એક્ટર્સ-એક્ટ્રેસ પાસે લોકપ્રિયતા હોય છે અને લોકપ્રિયતા હંમેશાં જવાબદારી સાથે આવે છે. અલબત્ત, દરેક ફિલ્મ સામાજિક સંદેશ આપે તે જરૂરી નથી, સિનેમાનું પ્રાથમિક કામ મનોરંજન પૂરું પાડવાનું પણ છે, પરંતુ જ્યારે કોઈ અર્થપૂર્ણ વાર્તા તમારી પાસે આવે અને તે સારી રીતે કહેવામાં આવી હોય, ત્યારે તેનો ભાગ બનવું સાર્થક બની રહે છે. જો એક ફિલ્મ લોકોમાં વિચારની પ્રક્રિયા શરૂ કરે અથવા કોઈ એક પરિવારની ખાવા-પીવાની આદતોમાં સારો બદલાવ લાવે, તો તે બહુ મોટી બાબત છે.
માતૃત્વ અને કામ વચ્ચે સંતુલન કેવી રીતે જાળવો છો?
માતૃત્વએ મારા જીવનની પ્રાથમિકતાઓ બદલી નાખી છે. મારો ઉત્સાહ એ જ છે, પણ દૃષ્ટિકોણ બદલાયો છે. હવે હું ફિલ્મોની પસંદગી અને શૂટિંગના ટાઇમટેબલ પ્રત્યે વધુ જાગ્રત બની છું. મારા માટે હવે કામના સમય કરતાં તેની ગુણવત્તા વધુ મહત્ત્વની છે. મારો દીકરો હવે ધીમે ધીમે સમજવા લાગ્યો છે કે પપ્પાની જેમ મમ્મી પણ કામ પર જાય છે. બાળકો કદાચ આપણો વ્યવસાય ન સમજી શકે, પણ તેઓ પ્રેમ અને હાજરી ચોક્કસ સમજે છે, તેથી જ્યારે પણ હું તેની સાથે હોઉં છું, ત્યારે પૂરેપૂરો સમય તેને જ આપું છું.
તેલુગુ અને હિન્દી સિનેમાની કાર્યસંસ્કૃતિમાં તમે શું તફાવત જુઓ છો?
દરેક ફિલ્મ સેટની પોતાની આગવી કાર્યસંસ્કૃતિ હોય છે. દક્ષિણ ભારતનો સિનેમા સમયપાલન, શિસ્ત અને આગોતરા આયોજન માટે જાણીતો છે, જ્યારે હિન્દી સિનેમા વાર્તા કહેવાની વિવિધતા અને સર્જનાત્મક ક્ષમતા માટે પ્રખ્યાત છે. જોકે, હવે આ તફાવત ખૂબ ઓછો થઈ રહ્યો છે. તમામ કલાકારો અને પ્રેક્ષકો હવે ભારતીય સિનેમાને એક જ માધ્યમ તરીકે જોઈ રહ્યા છે, જે ખૂબ જ સકારાત્મક બદલાવ છે.
શું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઉંમરના આધારે થતા ભેદભાવ(Ageism)નો સામનો કરવો પડે છે?
હવે આ વિચારસરણી બદલાઈ રહી છે. ભૂતકાળમાં મહિલા કલાકારો માટેનાં ધોરણો અલગ હતાં, પરંતુ આજે દર્શકો ઉંમરના દરેક તબક્કે મહિલાઓને મુખ્ય ભૂમિકામાં સ્વીકારી રહ્યા છે. હું એવા તબક્કે પહોંચી છું જ્યાં મને ઉંમરના લેબલથી કોઈ ફરક નથી પડતો. જો ભૂમિકા ઉત્સાહજનક હોય તો હું તે ચોક્કસ કરીશ. કલાકારોનું આયુષ્ય સતત શીખતા રહેવાથી વધે છે. સ્ત્રીઓ કે સારી વાર્તાઓ માટે ક્યારેય કોઈ `એક્સપાયરી ડેટ' નથી હોતી! આજે જ આપણી ઇન્ડસ્ટ્રીમાં અનેક સ્ત્રી કલાકારો છે જે ઉંમરની સીમાઓને ઓળંગીને ખૂબ સારું કામ કરી રહી છે, હું પણ આશા રાખું કે શરીર ચાલે ત્યાં સુધી કામ કરું.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો