બોલિવૂડથી લઈને હોલિવૂડ સુધી પોતાની એક્ટિંગનો ડંકો વગાડનાર ગ્લોબલ આઈકોન પ્રિયંકા ચોપરા આ દિવસોમાં સતત ચર્ચામાં છે. તાજેતરમાં જ એક ઈન્ટરવ્યૂમાં પ્રિયંકાએ તેના આગામી પ્રોજેક્ટ્સ, હોલિવૂડના મોટા સ્ટાર્સ સાથેનું કોલાબરેશન અને કરિયરમાં આવેલા સકારાત્મક બદલાવો વિશે દિલ ખોલીને વાત કરી છે. ફેન્સ માટે સૌથી રોમાંચક સમાચાર એ છે કે પ્રિયંકા ટૂંક સમયમાં હોલિવૂડ સુપરસ્ટાર એન્જેલિના જોલી સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળી શકે છે.  


એન્જેલિના જોલી અને ઓર્લેન્ડો બ્લૂમ સાથે કામ કરવાની તૈયારી   

એક મીડિયા સાથેના ઇન્ટરવ્યૂમાં પ્રિયંકાએ ખુલાસો કર્યો કે તે હોલિવૂડ અભિનેતા ઓર્લેન્ડો બ્લૂમ સાથે તેના આગામી પ્રોજેક્ટનું શૂટિંગ શરૂ કરવા જઈ રહી છે. આ સિવાય તે એન્જેલિના જોલી સાથે પણ એક ખાસ પ્રોજેક્ટ પર કામ કરવાની તૈયારી કરી રહી છે. પ્રિયંકાએ જણાવ્યું કે એન્જેલિના જોલી હોલિવૂડની એ શક્તિશાળી મહિલાઓમાંથી એક છે, જેમાંથી તેને હંમેશાં પ્રેરણા મળે છે. જોકે, આ પ્રોજેક્ટ કોઈ ફિલ્મ હશે, શોર્ટ મૂવી, જાહેરાત હશે કે કોઈ સામાજિક કાર્ય (ચેરિટી), તેના વિશે પ્રિયંકાએ હજુ રહસ્ય રાખ્યું છે.  

 એસ. એસ. રાજામૌલીની `વારાણસી' છે સૌથી મોટો પ્રોજેક્ટ

હાલમાં પ્રિયંકા ચોપરા પ્રખ્યાત ડાયરેક્ટર એસ. એસ. રાજામૌલીની ભવ્ય ફિલ્મ `વારાણસી'ના છેલ્લા શિડ્યૂલના શૂટિંગમાં વ્યસ્ત છે. હૈદરાબાદમાં ચાલી રહેલા આ શૂટિંગ વિશે વાત કરતાં તેણે કહ્યું, `અમે જે બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તે ખૂબ જ વિશાળ અને મહત્ત્વાકાંક્ષી છે. આવું કામ સિનેમાજગતમાં લાંબા સમયથી જોવા મળ્યું નથી. આ ફિલ્મ વૈશ્વિક સ્તરે રિલીઝ થશેઅને હું આખી દુનિયાને બતાવવા માટે ઉત્સાહિત છું કે અમે છેલ્લાં ત્રણ વર્ષથી શેના પર મહેનત કરી રહ્યા હતા.' આ મેગા બજેટ ફિલ્મમાં પ્રિયંકા સાથે સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુ અને પૃથ્વીરાજ સુકુમારન પણ મુખ્ય ભૂમિકામાં છે.  

 હવે પ્રિયંકા પોતાના પ્રોજેક્ટ જાતે જ પસંદ કરે છે  

પોતાની સફર અને કરિયરના ગ્રાફ પર વાત કરતાં દેશી ગર્લે સ્વીકાર્યું કે આજે તે એ સ્ટેજ પર છે જ્યાં તેને સર્જનાત્મક સ્વતંત્રતા (Creative Freedom) મળે છે. પ્રિયંકાએ ઉમેર્યું,`જ્યારે મેં કરિયરની શરૂઆત કરી ત્યારે સ્ક્રિપ્ટો મારી ઈચ્છા મુજબ નહોતી લખાતી, પરંતુ આજે સમય બદલાયો છે. હવે હું મારા પ્રોજેક્ટ્સ જાતે પસંદ કરી શકું છું અને તેને પ્રોડ્યૂસ પણ કરી શકું છું.'

`વારાણસી' ઉપરાંત પ્રિયંકા ટૂંક સમયમાં જાણીતા ફિલ્મમેકર મીરાં નાયરની બાયોપિક ડ્રામા ફિલ્મ `અમરી'માં પણ મહત્ત્વના રોલમાં જોવા મળશે. એક આંતરરાષ્ટ્રીય સ્તરે સફળતાનાં શિખરો સર કર્યાં પછી પણ પ્રિયંકાની આ નમ્રતા અને કામ પ્રત્યેનો ઉત્સાહ ખરેખર પ્રશંસનીય છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: