ક્રિકેટ આઇકોન સૌરવ ગાંગુલીના જન્મદિવસ નિમિત્તે, `દાદા' ફિલ્મના મેકર્સે ભારતના સૌથી પ્રખ્યાત ક્રિકેટ કેપ્ટનોમાંના એક તરીકે રાજકુમાર રાવનો ફર્સ્ટ લુક જાહેર કર્યો છે. આ આકર્ષક પોસ્ટર ભારતીય ક્રિકેટ ઇતિહાસની સૌથી યાદગાર ક્ષણોમાંની એકને ફરીથી જીવંત કરે છે. 2002ની નેટવેસ્ટ સીરિઝની ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે ભારતની અવિસ્મરણીય જીત બાદ ગાંગુલીએ લોર્ડ્સની બાલ્કનીમાંથી પોતાની જર્સી ઉતારીને હવામાં લહેરાવી હતી. ક્રિકેટ ચાહકોના દિલમાં કોતરાયેલી આ ક્ષણ, નીડર ભારતીય ક્રિકેટના એક નવા યુગનું પ્રતીક બની હતી અને તે ગાંગુલીની સૌથી ખાસ છબીઓમાંથી એક છે.  

આ લુક એવા સમયે સામે આવ્યો છે જ્યારે તેના થોડા દિવસ પહેલાં જ દર્શકોએ `પ્રહાર' ફિલ્મમાં ઉજ્જ્વલ નિકમના પાત્રમાં રાજકુમારને જોયો હતો. આ રીતે ખૂબ જ ટૂંકા ગાળામાં બે તદ્દન અલગ-અલગ વાસ્તવિક જીવનનાં પાત્રોનો પરિચય કરાવવામાં આવ્યો છે. એક તરફ તે નીડર વકીલ છે, જેમણે ભારતના કેટલાક સૌથી હાઈ-પ્રોફાઈલ કાનૂની કેસો લડ્યા હતા, તો બીજી તરફ તે વ્યક્તિના જીવનની ઉજવણી છે, જેમણે પોતાના નીડર નેતૃત્વથી ભારતીય ક્રિકેટનો ચહેરો બદલી નાખ્યો.  

પોતાના દરેક પાત્રમાં ઓગળી જવા માટે જાણીતા રાજકુમાર રાવે ભારતના કેટલાક સૌથી પ્રભાવશાળી વાસ્તવિક જીવનના વ્યક્તિત્વોને પડદા પર ઉતારીને એક અદ્ભુત ફિલ્મોગ્રાફી બનાવી છે. `શાહિદ', `બોઝ: ડેડ/અલાઈવ' અને `શ્રીકાંત'માં તેના પ્રશંસનીય અભિનયથી લઈને હવે ઉજ્જવલ નિકમ અને સૌરવ ગાંગુલી બંનેનાં પાત્રો ભજવવા સુધી તે બાયોગ્રાફિકલ સ્ટોરીટેલિંગની સીમાઓને સતત વિસ્તારી રહ્યો છે. `દાદા' રાજકુમાર રાવનું સાતમું બાયોગ્રાફિકલ પાત્ર છે.  

ખૂબ જ ટૂંકા ગાળામાં તદ્દન અલગ દુનિયાના વ્યક્તિત્વોને પડદા પર આટલી ખાતરીપૂર્વક જીવંત કરવાની વૈવિધ્યતા બહુ ઓછા કલાકારો ધરાવે છે. `પ્રહાર' અને `દાદા' સાથે રાજકુમાર ફરી એકવાર સાબિત કરે છે કે શા માટે તેને બોલિવૂડનો બેસ્ટ બાયોપિક સ્ટાર ગણવામાં આવે છે. એક એવો અભિનેતા જે દરેક પાત્રમાં માત્ર શારીરિક રીતે જ નહીં, પણ લાગણીથી અને માનસિક રીતે પણ પોતાની જાતને બદલી નાખવાની ક્ષમતા ધરાવે છે. વર્ષની આ બે સૌથી આતુરતાપૂર્વક રાહ જોવાતી બાયોપિક ફિલ્મોની ચર્ચા જેમ-જેમ વધી રહી છે, તેમ-તેમ રાજકુમાર રાવ ટ્રાન્સફોર્મેટિવ પર્ફોર્મન્સ માટે ઈન્ડસ્ટ્રીના બેન્ચમાર્ક તરીકે પોતાનું સ્થાન વધુ મજબૂત કરી રહ્યા છે. આ ફિલ્મ 14 મે, 2027ના રોજ રિલીઝ થવાની છે. રાજકુમાર આ ફિલ્મને લઇને ખૂબ જ ઉત્સુક છે. તે કહે છે કે લોકો મને ટૂંક સમયમાં જ બાયોપિક સ્ટાર તરીકે ઓળખવા લાગશે તો મને નવાઇ નહીં લાગે, કેમ કે મેં બહુ બાયોપિક કરી લીધી છે. જોકે, મને એ કરવી ખૂબ ગમે છે. આ રીતે હું લેજેન્ડ્સ જે લાઇફ જીવ્યા તે જીવી શકું છું અને પડદા ઉપર તેને જીવંત કરીને દર્શકો સમક્ષ મૂકી શકું છું.   

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો