ગજબ કહેવાય નહિ? પહેલી વાર અને બીજી વાર પડદા પર હિન્દુઓનો તહેવાર રક્ષાબંધન બતાવનાર ફિલ્મો અનુક્રમે `સિકંદર' અને `હુમાયુ' હતી. જી હા, 1941ની ફિલ્મ `સિકંદર' અને 1945ની ફિલ્મ `હુમાયુ'થી રક્ષાબંધનનો તહેવાર મોટા પડદા પર બતાવવાની શરૂઆત થઈ હતી. `સિકંદર' સોહરાબ મોદીની હતી તો `હુમાયુ' મેહબૂબ ખાનની હતી.
સિકંદર ફિલ્મમાં પૃથ્વીરાજ કપૂરે સિકંદર (એલેક્ઝાન્ડર)ની ભૂમિકા ભજવી હતી અને સોહરાબ મોદીએ રાજા પુરુ(પોરસ)ની ભૂમિકા ભજવી હતી. ફિલ્મના એક મહત્ત્વપૂર્ણ દૃશ્યમાં સિકંદરની પર્શિયન પત્ની રોક્સાના ભારત આવે છે અને ગ્રામજનોને રક્ષાબંધન ઊજવતા જુએ છે. ગ્રામવાસીઓ પાસે આ તહેવારનું મહત્ત્વ સમજીને તે રાજા પુરુના દરબારમાં જાય છે. રોક્સાના રાજા પુરુના કાંડા પર રાખડી બાંધીને તેને પોતાના ભાઈ તરીકે સ્વીકારે છે અને બદલામાં તેની પાસે એવું વચન માંગે છે કે તે યુદ્ધમાં સિકંદરની હત્યા નહીં કરે. આ `બહેન'ને આપેલા વચનનું સન્માન જાળવીને પુરુ યુદ્ધના મેદાનમાં સિકંદર પર પ્રહાર કરવાનું ટાળે છે. `રક્ષાબંધન'ના મહત્ત્વનું આ પ્રથમ ભવ્ય સિનેમેટિક નિરૂપણ હતું.
ફિલ્મ `હુમાયુ'માં અશોક કુમારે મુઘલ શાસક હુમાયુની ભૂમિકા ભજવી હતી, જ્યારે વીણાએ ચિત્તોડગઢની રાજપૂત રાણી કર્ણાવતીનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મમાં બતાવ્યું છે કે જ્યારે ગુજરાતના સુલતાન બહાદુર શાહે ચિત્તોડગઢ પર આક્રમણ કર્યું, ત્યારે રાણી કર્ણાવતીએ હુમાયુને મદદ મેળવવા માટે પત્રની સાથે એક `રાખી' મોકલી હતી. મુસ્લિમ શાસક હોવા છતાં હુમાયુએ આ પવિત્ર દોરાનું સન્માન કર્યું; કર્ણાવતીને પોતાની બહેન માનીને તે તેની રક્ષા કરવા માટે પોતાની સેના સાથે દોડી ગયો હતો.
ફિલ્મમાં બતાવાયેલી કથા અને પ્રમાણિત ઐતિહાસિક વાસ્તવિકતા: રોક્સાનાએ તેના પતિ એલેક્ઝાન્ડરની રક્ષા કરવા માટે રાજા પુરુ પાસે જઈને તેમને `ધર્મ-ભાઈ' બનાવ્યા હતા. વાસ્તવમાં રોક્સાના મધ્ય એશિયાની સોગ્ડિયન રાજકુમારી હતી અને ભારત સાથે તેને કોઈ સાંસ્કૃતિક સંબંધ નહોતો. રોક્સાનાએ ભારતીય પરંપરા `રક્ષાબંધન' વિશે જાણ્યું અને પુરુ પાસે જઈને તેમને રાખડી બાંધી હતી તે કથા સદીઓ પછી અસ્તિત્વમાં આવી હતી. `યુદ્ધ દરમિયાન પુરુએ સિકંદરના કાંડા પર બાંધેલી રાખડી જોઈને તેના પર જીવલેણ પ્રહાર કરવાનું ટાળ્યું હતું' તે ઉપજાવી કાઢેલી વાર્તા છે.
હવે બીજી ફિલ્મની વાત; ચિત્તોડગઢની રાણી કર્ણાવતી અને મુઘલ બાદશાહ હુમાયુ વચ્ચે ભાઈ-બહેનના સંબંધની પ્રચલિત વાર્તા પણ માત્ર એક ઐતિહાસિક દંત(દંભ)કથા છે, વાસ્તવિકતા નથી. 16મી સદીના મુઘલ કે રાજપૂત કાળના કોઈ પણ પ્રાથમિક કે સમકાલીન દસ્તાવેજોમાં તેમની વચ્ચે રાખડીના કે ભાઈ-બહેનના સંબંધનો કોઈ ઉલ્લેખ જોવા મળતો નથી. સતીશચંદ્ર જેવા પ્રખ્યાત મધ્યયુગીન ઇતિહાસકારો આ ઘટનાને એક ઐતિહાસિક દંતકથા અથવા પૌરાણિક કથા તરીકે વર્ગીકૃત કરે છે, જે પાછળથી સાંપ્રદાયિક સંવાદિતાના રોમેન્ટિક વિચારોને પ્રોત્સાહન આપવા માટે લોકપ્રિય બની હતી. પ્રાથમિક સ્રોતોની મૌનતા જુઓ; હુમાયુના પોતાનાં અંગત સંસ્મરણો અને દરબારના અધિકૃત વૃત્તાંતોમાં આવા કોઈ સંવાદ કે ભાઈ-બહેનના સંબંધનો ઉલ્લેખ જોવા મળતો નથી.
વાસ્તવિક ઘટનાક્રમ આ હતો, ઈ.સ. 1534-1535 દરમિયાન સુલતાન બહાદુર શાહે ચિત્તોડગઢ પર આક્રમણ કર્યું. રાણી કર્ણાવતીએ વિવિધ પ્રાદેશિક સત્તાઓ પાસે લશ્કરી મદદ માંગી હતી. હુમાયુને `બહેન દ્વારા ભાઈને કરાયેલી વિનંતી' નહીં, પરંતુ એક સામાન્ય શત્રુ સામે `એક શાસક દ્વારા બીજા શાસકને કરાયેલી વ્યવહારુ વિનંતી' હતી. હુમાયુ આગળ આવ્યો હતો ખરો, પરંતુ વિલંબ કર્યો કે ખૂબ મોડો પહોંચ્યો. 8 માર્ચ, 1535ના રોજ રાણી કર્ણાવતી અને અન્ય રાજવી મહિલાઓએ `જોહર' કર્યું હતું. વાસ્તવિકતા એ છે કે રાજા પુરુ અને રોક્સાના કે રાણી કર્ણાવતી અને હુમાયુ વચ્ચે કોઈ પણ પ્રકારનો ભાઈ-બહેનનો સંબંધ નહોતો, આ બંને વાર્તા જોધા-અકબર જેવી જ દંભકથા છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો