નીતેશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી બહુચર્ચિત ફિલ્મ `રામાયણ' હાલ બોલિવૂડ અને દર્શકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની છે. આ પૌરાણિક અને ભવ્ય ફિલ્મમાં બોલિવૂડના સુપરસ્ટાર રણબીર કપૂર મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યા છે. રામાયણ જેવા મહાન ગ્રંથ અને ભગવાન રામના પાત્ર સાથે જોડાવાથી રણબીર કપૂરના વ્યક્તિગત જીવનમાં પણ ઊંડો પ્રભાવ પડ્યો છે. તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યૂ અને સમાચારો મુજબ, રણબીરે સ્વીકાર્યું છે કે આ ફિલ્મ અને તેના પાત્રએ તેને એક વધુ શ્રેષ્ઠ માણસ બનવામાં મદદ કરી છે.
રણબીર કપૂરે તાજેતરમાં જ ફિલ્મ `રામાયણ'ના શૂટિંગ અને પોતાના અનુભવ વિશે વાત કરતાં કહ્યું હતું કે, "ભગવાન રામનું પાત્ર ભજવવું એ માત્ર કેમેરા સામે એક એક્ટિંગ કરવાની વાત નથી, પરંતુ એ એક આધ્યાત્મિક અને માનસિક યાત્રા છે. આ રોલ કર્યા પછી મારી અંદર ઘણો ફરક આવ્યો છે. હું અનુભવી રહ્યો છું કે હું હવે એક બહેતર માણસ બની રહ્યો છું."
તેણે વધુમાં જણાવ્યું કે શ્રીરામના શાંત, સંયમિત, સહિષ્ણુ અને મર્યાદાવાળા ગુણોને પડદા પર ઉતારવા માટે તેણે પોતાના અંગત જીવનમાં પણ ઘણા બદલાવ લાવવા પડ્યા છે. આ પાત્રની પવિત્રતા જાળવી રાખવા માટે તેણે આહાર, દિનચર્યા અને પોતાના વિચારો પર વિશેષ ધ્યાન આપ્યું છે. ભગવાન રામના રોલમાં આત્મસાત્ થવા માટે રણબીર કપૂરે નોનવેજ અને અલ્કોહોલનું સેવન સંપૂર્ણપણે છોડી દીધું હતું. તેમજ તે નિયમિત રીતે મંત્રોચ્ચાર, ભાષાશુદ્ધિ અને વોઇસ મોડ્યુલેશનની વિશેષ ટ્રેનિંગ લઈ રહ્યો હતો.
આ ભવ્ય ફિલ્મમાં રણબીર કપૂરની સાથે માતા સીતાના રોલમાં દક્ષિણ ભારતની જાણીતી અભિનેત્રી સાઈ પલ્લવી જોવા મળશે. જ્યારે લંકેશ રાવણની ભૂમિકા `કેજીએફ' ફેમ સુપરસ્ટાર યશ ભજવી રહ્યા છે. હનુમાનજીના પાત્રમાં સની દેઓલ અને લક્ષ્મણના રોલમાં રવિ દુબે જોવા મળશે.
ફિલ્મના બજેટની વાત કરીએ તો ફિલ્મનું બજેટ ખૂબ જ વિશાળ છે અને તેને વૈશ્વિક સ્તરે લઈ જવા માટે વિશ્વવિખ્યાત VFX ટીમોની મદદ લેવામાં આવી રહી છે.રણબીર કપૂર અગાઉ `સંજુ', `રોકસ્ટાર' અને `એનિમલ' જેવાં પડકારજનક પાત્રો કરી ચુક્યો છે, પરંતુ `રામાયણ' તેની કરિયરની સૌથી મોટી અને જવાબદારીપૂર્વકની ફિલ્મ છે. પોતાની અભિનય શૈલીને બદલીને ભગવાન રામનાં દર્શન દર્શકો સુધી પહોંચાડવાની રણબીરની આ કોશિશ તને વ્યક્તિગત રીતે પણ વધુ પરિપક્વ અને બહેતર ઇન્સાન બનાવી રહી છે. હવે સાચે જ આવું છે કે પી.આર દ્વારા તેની આ છાપ બનાવવાની પેરવણી છે એ તો રામ પોતે જ જાણી શકે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો