તાજેતરમાં જ પેરિસ કોઉચર ફેશન વીક (Paris Couture Fashion Week)માં અમેરિકન રેપર કાર્ડી બી પોતાના અલગ જ અવતારમાં જોવા મળી હતી. પેરિસ કોઉચર ફેશન વીકમાં કાર્ડીએ જે ડ્રેસ પહેર્યો હતો, તે કલેક્શનનું નામ `દેવી : ધ ઇટરનલ મ્યુઝ' હતું, જે આઇવરી કલરમાં એક પ્રકારનું કસ્ટમ કોર્સેટ ગાઉન હતું. મૂળ આ ડ્રેસની ડિઝાઈન રાહુલ મિશ્રા દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી અને તે માટેની પ્રેરણા ભારતીય મંદિરોમાં જોવા મળતી નક્શીકામની મૂર્તિઓ હતી! કાર્ડી બીના આ લુકની તસવીરો સોશિયલ મીડિયામાં જબરદસ્ત વાઇરલ થઇ હતી. કાર્ડી બીએ પણ પોતાના સોશિયલ મીડિયા પેજ પર પોતાની આ તસવીરો શેર કરીને કેપ્શન આપ્યું હતું કે, `હું માત્ર રાજકુમારી જેવી જ ટ્રીટમેન્ટ સ્વીકાર કરી રહી છું, રાહુલ મિશ્રા શું અદ્ભુત અને શાનદાર શો હતો, આભાર.' નોંધનીય છે કે, કાર્ડી બીનું ઓરિજિનલ નામ બેલ્કાલિસ માર્લેનિસ છે અને તે એક દિગ્ગજ રેપર, સોન્ગ રાઇટર પ્લસ મીડિયા પર્સનાલિટીમાં અવ્વલ છે.

સાયન્સ-ફિક્શન ફિલ્મ `ડ્યૂન 3'ના ટ્રેલરે નેટિજન્સને ખુશ કરી દીધા 

થોડા દિવસ પહેલાં જ ફિલ્મ `ડ્યૂન 3'નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ટ્રેલર લોન્ચ થતાંની સાથે જ નેટિજન્સે વધાવી લીધું હતું. મૂળ સાયન્સ-ફિક્શન સીરિઝ આધારિત `ડ્યૂન 3' લાસ્ટ ચેપ્ટર છે અને તેને દુનિયાભરના દર્શકો જોવા આતુર છે. પ્રસ્તુત ટ્રેલરમાં એકદમ આકર્ષક રીતે વિઝ્યુઅલ્સ પ્લસ ઇમોશનલ ડ્રામા રજૂ કરવામાં આવ્યો છે. ટીમોથી ચેલામેટ ફરી એકવાર પોલ એટ્રેઇડ્સની ભૂમિકામાં છે, પરંતુ આ વખતે પોલ એક મોટા પડકારનો સામનો કરી રહ્યો છે. તેના નામે ચાલી રહેલા યુદ્ધનાં ખતરનાક પરિણામોનો સામનો કરી રહ્યો છે. ટ્રેલરમાં તે તેની શક્તિ અને નિર્ણયોના ભાર સાથે ઝઝૂમતો દેખાય છે. ટ્રેલરમાં ઝેન્ડાયા પણ દેખાય છે. જોકે, આ વખતે પોલ અને ચાનીના સંબંધોમાં તિરાડ સ્પષ્ટપણે દેખાય છે. `ડ્યૂન પાર્ટ 2' પછી તેમની વચ્ચેનું અંતર વધી ગયું છે. `ડ્યૂન 3'ની સ્ટોરી 20 વર્ષ પછીની છે, જેમાં પોલ એટ્રાઇડ્સ સમ્રાટ બની ગયો છે, પરંતુ હવે તેને પોતાની સત્તાની મોંઘી કિંમત ચૂકવવી પડે તેમ છે. આ ફિલ્મ 18 ડિસેમ્બરના રોજ ભારતમાં રિલીઝ થવાની છે.

નિર્દેશક ક્રિસ્ટોફર નોલને ભારતની ખૂબસૂરતીને દુનિયાભરમાં બિરદાવી હતી

હોલિવૂડ દિગ્ગજ નિર્દેશક ક્રિસ્ટોફર નોલને પોતાની ફિલ્મ 

`ધ ઓડિસી'ના પ્રમોશન માટે મુંબઇની પસંદગી કરી હતી. તેઓ અને તેમની ટીમ જ્યારે મુંબઇ આવી હતી ત્યારે તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે ભારતનાં ભરપેટ વખાણ કર્યાં હતાં અને કહ્યું હતું કે, `મને ભારત હંમેશાં આકર્ષતું રહ્યું છે.' વધુમાં તેમણે સ્મિતપૂર્વક જણાવ્યું હતું કે, `ભારતમાં કામ કરવાનો મારો અનુભવ ખૂબ જ શાનદાર રહ્યો છે. મને ભારતમાં બે વાર કામ કરવાનો અવસર મળ્યો છે. એકવાર જોધપુર (રાજસ્થાન) અને મુંબઇમાં પણ! એક ફિલ્મમેકર તરીકે જ્યારે તમે અહીંયાં નવી નજરથી જુઓ છો, ત્યારે તમને અહીંયાં એવી વસ્તુઓ જોવા મળે છે જેને તમે તમારા કેમેરામાં કેદ કરવા માંગો છો. અલબત્ત, તમારી આસપાસ ફિલ્મી દૃશ્ય, અલગ અલગ બનાવટની ઘણી એવી વસ્તુઓ જોવા મળે છે, જેને તમે કેમેરામાં ચોક્કસપણે કેદ કરવા માંગો છો! અહીંયાંના સ્થાનિક ક્રૂ મેમ્બર પણ તમને એક સુખદ અનુભવ કરાવે છે.' નોંધનીય છે કે, ક્રિસ્ટોફર નોલને ભારતમાં ફિલ્મ `ધ ડાર્ક નાઇટ રાઇજેજ' અને `ટેનેટ' માટે રાજસ્થાન અને મુંબઇમાં શૂટિંગ કર્યું હતું.

ફેમસ સિંગર બોની ટાયલરનું 

જૈફ વયે નિધન   

8 જૂન, 1951માં વેલ્સમાં જન્મેલા બોની ટાયલરનું સાચું નામ ગેનર હોપકિંસ હતું, પરંતુ તેમને તેમના દમદાર અવાજે નવું નામ આપ્યું. તેમનાં ગીતો હંમેશાં મ્યુઝિક ચાર્ટ્સમાં સૌથી ટોપ પર રહેતાં હતાં અને વર્ષ 1977માં `ઈટ્સ એ હાર્ટએક' ગીતથી બોનીને ખૂબ જ નામના મળી હતી. આ પછી પણ વર્ષ 1983માં તેમનું ગીત `ટોટલ એક્સિપ્સ ઓફ ધ હાર્ટ' નામનું ગીત આવ્યું હતું, જે તેમને સિંગિગની દુનિયામાં સૌથી ટોપ પર લાવ્યું હતું. નોંધનીય છે કે, આ ગીતને યુ ટ્યૂબ પર 1 બિલિયનથી પણ વધુ વખત જોવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ ગીત બિલબોર્ડ હોટ 100 પર ચાર સપ્તાહ સુધી નંબર 1 પર રહ્યું હતું. વધુમાં બોની ટાયલરને ત્રણ વાર ગ્રેમી એવોર્ડ્સ અને ત્રણ વાર બ્રિટ એવોર્ડ્સ માટે પણ નોમિનેટ કરવામાં આવ્યા હતા. બોની ટાયલરના અચાનક નિધનના સમાચારે મ્યુઝિક ઈન્ડસ્ટ્રીને શોકમાં ગરકાવ કરી દીધી હતી. 75 વર્ષીય બોની ટાયલરનું નિધન પોર્ટુગલની એક હોસ્પિટલમાં થયું હતું. તેઓ કેટલાક સમયથી બીમાર હતા અને સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું. તેમના નિધન પર તેમના મિત્ર અને ફેન્સે સોશિયલ મીડિયા દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો