પુખ્ત વયે પ્રવેશવાની પ્રક્રિયા પર આધારિત આગામી રોમેન્ટિક કોમેડી ફિલ્મ `ડોન્ટ બી શાય' (Don't Be Shy) 25 સપ્ટેમ્બર, 2026ના રોજ Amazon Prime Video પર વૈશ્વિક સ્તરે રિલીઝ થશે. પડદા પર પ્રથમ પ્રેમ, મિત્રતા, હૃદયભંગ અને મોટા થવાની જટિલ સફરનું મિશ્રણ રજૂ કરવા માટે સજ્જ ફિલ્મની વાર્તા 20 વર્ષીય શ્યામિલી `શાય'દાસની આસપાસ ફરે છે. તે માને છે કે તેણે તેના સમગ્ર જીવનનું આયોજન કરી લીધું છે, પરંતુ ઘટનાઓના એક અણધાર્યા વળાંક બાદ તેનું જીવન બદલાઈ જાય છે અને તે કોલેજ જીવન, પ્રથમ પ્રેમ, મિત્રતા તથા હૃદયભંગના અનુભવોમાંથી પસાર થાય છે. બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ પણ આ ફિલ્મનો હિસ્સો છે, પરંતુ તેમાં તે એક એક્ટ્રેસ તરીક નહીં નિર્માતા તરીકે છે. તેણે પોતાની બહેન શાહિન ભટ્ટ સાથે મળીને આ ફિલ્મનું નિર્માણ કર્યું છે. ઈટર્નલ સનશાઈન પ્રોડક્શન્સના સહસ્થાપકો છે આલિયા ભટ્ટ અને શાહીન ભટ્ટ. ડોન્ટ બી શાય એટલે ગભરાટ કે શિષ્ટાચારને કારણે અચકાયા વિના આગળ વધીને કાર્ય કરવું. 

ટોમ હાર્ડી પાછો આવી રહ્યો છે મોબલેન્ડ સીઝન 2

JioHotstar પર 18 સપ્ટેમ્બરે સીઝન 2 સાથે ટોમ હાર્ડી પાછો આવી રહ્યો છે. લંડનના બે ગુનાહિત પરિવારો, હેરિગન અને સ્ટીવેન્સન વચ્ચેના સંઘર્ષની વાર્તા રજૂ કરે છે. આ વાર્તા હેરિગન પરિવાર અને તેમના `ફિક્સર' (સમસ્યાઓ ઉકેલનાર) હેરી ડિસોઝા(હાર્ડી)ના દૃષ્ટિકોણથી કહેવામાં આવી છે. જોકે, આ શ્રેણી માત્ર ગુનાખોરીની વાર્તા નથી, પરંતુ તેટલી જ માત્રામાં એક વ્યક્તિગત કૌટુંબિક ડ્રામા પણ છે, જે શ્રેણીની લોકપ્રિયતા પાછળનું મુખ્ય કારણ છે. સીઝન 2માં કુલ 10 એપિસોડ હશે અને 20 નવેમ્બરના રોજ યોજાનાર ફિનાલે સુધી દર શુક્રવારે નવા એપિસોડ રજૂ કરવામાં આવશે. એક યુદ્ધ પૂરું થઈ ગયું છે અને એવું પૂરેપૂરું શક્ય છે કે બીજું યુદ્ધ શરૂ થવાની તૈયારીમાં છે. પ્રથમ સીઝનના અંતિમ એપિસોડમાં જ્યારે કેટે હેરી પાસે તેના મિત્રોની હત્યા કરાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ કોણ છે કે તેમનો ઈરાદો શું છે તે વિશે ચોક્કસ માહિતી નથી. 

અજાણ્યો અને ખતરનાક દરિયાઈ જીવ આતંક ફેલાવે છે : બિલો 

હોરર, મિસ્ટરી, થ્રિલર શ્રેણી છે, જે 8 ઓક્ટોબરે Netflix પર રિલીઝ થવાની છે. તેમાં જ્યારે એક રહસ્યમય દરિયાઈ જીવ એક અંતરિયાળ નગરમાં ભય ફેલાવે છે, ત્યારે એક માછીમાર શક્ય તેટલી દરેક રીતે પોતાના પરિવાર અને સમુદાયનું રક્ષણ કરવાનો પ્રયાસ કરે છે. આ શ્રેણીની વાર્તા કેલ્વિન પેની નામના એક જિદ્દી છતાં દયાળુ માછીમારની આસપાસ ફરે છે, જેનું પાત્ર જોશ હાર્ટનેટ દ્વારા ભજવવામાં આવ્યું છે. કેલ્વિન તેના પિતાના રહસ્યમય મૃત્યુના ઓછાયા હેઠળ જીવે છે, જે દાયકાઓ પહેલાં થયું હતું. ન્યૂ ફાઉન્ડલેન્ડના એક અંતરિયાળ શહેરના દરિયાકાંઠાના પાણીમાં એક અજાણ્યો અને ખતરનાક દરિયાઈ જીવ દેખાય છે, જે રહેવાસીઓમાં ભય ફેલાવે છે. પોતાના પરિવાર, પુત્ર વેડ (ચાર્લી હીટન) અને સમુદાયને બચાવવા માટે કેલ્વિન આ રહસ્યનો સામનો કરવા એક દરિયાઈ સંશોધક (મેકેન્ઝી ડેવિસ દ્વારા ભજવવામાં આવેલ પાત્ર, ફોન્ડા હોવાન્ડર) સાથે હાથ મિલાવે છે. સીરિઝમાં 6 એપિસોડ્સ છે.

બે રાધિકા એક શોમાં જોવા મળશે, લસ્ટ સ્ટોરીઝ સીઝન 3 

18 સપ્ટેમ્બર એટલે કે આજના રોજ Netflix પર પ્રીમિયર થવાની અપેક્ષા છે. બે રાધિકા; રાધિકા આપ્ટે અને રાધિકા મદાન સાથે કોંકણા સેન શર્મા, વિજય વર્મા, અભિષેક બેનર્જી, અલી ફઝલ, અદિતિ રાવ હૈદરી, સિદ્ધાર્થ, ગુરફતેહ પીરઝાદા અને સના થમ્પી જોવા મળશે. જોકે, બંને રાધિકા જુદી જુદી વાર્તામાં હોઈ શકે છે. સમકાલીન સંબંધોમાં અનેક કથાઓ ઊંડાણપૂર્વક પ્રવેશ કરે છે, જેમાં ઇચ્છાને તેનાં અનેક સ્વરૂપોમાં દર્શાવવામાં આવે છે. સાથે સાથે નબળાઈ અને અસ્પષ્ટ તણાવ લોકોના જોડાણની રીતોને કેવી રીતે પ્રભાવિત કરે છે તેનું પરીક્ષણ કરવામાં આવે છે. તેમાં ભારતીય સિનેમાના કેટલાક અત્યંત વિશિષ્ટ સર્જકો દ્વારા નિર્દેશિત ચાર નવાં પ્રકરણોનો સમાવેશ થાય છે. ચાર ટૂંકી છતાં ભાવનાત્મક રીતે હૃદયસ્પર્શી ફિલ્મોના માધ્યમથી આ સંકલન કામના, પ્રેમ, સંબંધો અને દબાયેલી ઈચ્છાઓનું પુનઃ અન્વેષણ કરે છે; સાથે જ તે નિકટતા, તીવ્ર ઝંખના અને માનવીય જોડાણની જટિલતાઓ અંગે નવા દૃષ્ટિકોણ રજૂ કરે છે.

કલ્પના કામણગારી નીવડે છે : લવ હાઇપોથિસિસ 

હાઈપોથિસિસ એટલે કલ્પના કે પૂર્વધારણા. અલી હેઝલવુડની બેસ્ટ-સેલિંગ રોમાન્સ નવલકથા પર આધારિત આગામી ફીચર ફિલ્મ (જેને વેબ સીરિઝ સમજી લેવામાં આવે છે) છે. પ્રીમિયર 23 સપ્ટેમ્બરના રોજ Amazon Prime Video પર થવાનું છે. ઓલિવ સ્મિથ સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં પીએચ.ડી.ની ત્રીજા વર્ષની વિદ્યાર્થિની છે. પોતાની શ્રેષ્ઠ મિત્રને એ વાતનો વિશ્વાસ અપાવવા માટે કે તે તેના ભૂતકાળના સંબંધ(એક્સ)માંથી આગળ વધી ગઈ છે. આવેશમાં આવીને ડૉ. એડમ કાર્લસેન; એક યુવાન અને તેજસ્વી હોવા છતાં સૌમાં ભારે ફફડાટ પેદા કરતા પ્રોફેસરને ચુંબન કરી બેસે છે. એડમ પરસ્પર લાભ માટે ઓલિવ સાથે `ફેક-ડેટ' કરવા સંમત થાય છે. ઓલિવને તેની મિત્ર સમક્ષ પોતાની રોમેન્ટિક સ્થિરતા સાબિત કરવાની જરૂર છે, જ્યારે એડમને યુનિવર્સિટી ગ્રાન્ટ મેળવવાની પ્રક્રિયામાં મદદરૂપ થાય તેવી સ્થિર છબી રજૂ કરવાની જરૂર છે. તેઓની ચાલાકી વચ્ચે વાસ્તવિકતા અને પ્રદર્શન વચ્ચેની સીમાઓ ઝાંખી પડી જાય છે. 


આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો