બિગ બોસ 14ની વિનર રુબિના દિલૈક હાલમાં પોતાના નવા ટૉક શૉ `POV' (Point of View)ને કારણે ચર્ચાનું કેન્દ્ર બની છે. પોતાના બેબાક અંદાજ માટે જાણીતી રુબિના આ શૉમાં ટીવી ઇન્ડસ્ટ્રીના કલાકારોના અંગત જીવન, સોશિયલ મીડિયા પર થતા ખોટા દેખાડા અને નકલી લગ્નો જેવા ગંભીર અને સંવેદનશીલ વિષયો પર ખૂલીને વાત કરતી જોવા મળી રહી છે. આ શૉમાં હીના ખાન પણ ગેસ્ટ તરીકે જોડાઈ હતી, જ્યાં બંનેએ ગ્લેમર વર્લ્ડના પડદા પાછળની કડવી સચ્ચાઈ વિશે ચર્ચા કરી હતી. જોકે, આ શૉ માત્ર ચર્ચામાં જ નથી, પરંતુ વિવાદોના ઘેરાવમાં પણ આવ્યો છે. તાજેતરમાં જ ટીવી એક્ટર ગૌરવ ખન્ના અને તેમની પત્ની આકાંક્ષા ચામોલાના છૂટાછેડાના ચાલી રહેલા સમાચારો વચ્ચે રુબિનાએ કરેલી કેટલીક આકરી ટિપ્પણીઓને કારણે સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે. સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ પણ કરી રહ્યા છે.

જેનિફર 12 વર્ષ બાદ ફરી લગ્નના બંધનમાં બંધાઈ?

લોકપ્રિય ટેલિવિઝન અભિનેત્રી જેનિફર વિંગેટ પોતાના અંગત જીવનને લઈને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચામાં છે. અહેવાલો અનુસાર `બેહદ' અને `સરસ્વતીચંદ્ર' ફેમ અભિનેત્રી સિંગાપોરના જાણીતા બિઝનેસમેન વિલિયમ ઇસ્માઇલ સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગઇ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ લગ્ન યુનાઇટેડ કિંગ્ડમ(UK)માં ખૂબ જ ખાનગી અને ભવ્ય ખ્રિસ્તી વિધિથી આયોજિત કરવામાં આવ્યાં હતાં. આ સેરેમનીમાં માત્ર બંને પરિવારના સભ્યો અને ખૂબ જ નજીકના મિત્રોએ જ હાજરી આપી હતી. વિલિયમે એક વેકેશન દરમિયાન જેનિફરને પ્રપોઝ કર્યું હતું અને જેનિફરે હા પાડી હતી. જેનિફરનાં અગાઉનાં લગ્ન 2012માં અભિનેતા કરણ સિંહ ગ્રોવર સાથે થયાં હતાં, પરંતુ 2014માં તેઓ અલગ થઈ ગયાં હતાં. આશરે 12 વર્ષના લાંબા ગાળા બાદ જેનિફર પોતાની જિંદગીની આ નવી શરૂઆત કરી રહી છે.

કલાકારોના શોષણ પર શિલ્પાએ કરી વાત

`ભાભીજી ઘર પર હૈ'માં `અંગૂરી ભાભી'નું આઇકોનિક પાત્ર ભજવીને જાણીતી થયેલી અભિનેત્રી શિલ્પા શિંદેએ તાજેતરમાં ઇન્ડસ્ટ્રીના પડદા પાછળની એક સચ્ચાઈનો ચોંકાવનારો ખુલાસો કર્યો છે, જેને લઈને ટીવીજગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે. એક ઇન્ટરવ્યૂમાં શિલ્પા શિંદેએ પોતાના જૂના વિવાદોને યાદ કરતાં જણાવ્યું કે, જ્યારે તેણે પ્રખ્યાત શૉ `ભાભીજી ઘર પર હૈ' છોડ્યો હતો, ત્યારે કેટલાક વગદાર લોકો તેનાથી ખૂબ નારાજ થયા હતા. તે લોકોએ બદલો લેવાની ભાવનાથી અને તેની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માટે સોશિયલ મીડિયા પર તેનો એક નકલી એમએમએસ વાઇરલ કરી દીધો હતો. આ ઘટનાથી શિલ્પા માનસિક રીતે સંપૂર્ણપણે ભાંગી પડી હતી. શિલ્પાએ ઉમેર્યું કે ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં જ્યારે કોઈ અભિનેત્રી પોતાના હક માટે અવાજ ઉઠાવે છે, ત્યારે તેને દબાવવા માટે આવા ગંદા હથકંડા અપનાવવામાં આવે છે. શિલ્પા શિંદેના આ સાહસિક ખુલાસાએ ટીવી ઇન્ડસ્ટ્રીમાં કલાકારોના શોષણ અને સુરક્ષાના મુદ્દા પર ફરી એકવાર ગંભીર ચર્ચા જગાવી દીધી છે.    

ચાર વર્ષ પછી રશ્મિ દેસાઈનું ટીવી પર ધમાકેદાર કમબેક

લોકપ્રિય અભિનેત્રી રશ્મિ દેસાઈ આશરે ચાર વર્ષના લાંબા વિરામ બાદ ફરી એકવાર ટેલિવિઝન સ્ક્રીન પર ધમાકેદાર વાપસી કરવા જઈ રહી છે. તેસ્ટાર પ્લસનીઆગામી નવી સીરિયલ `સયોની'માં મુખ્ય ભૂમિકા ભજવતી જોવા મળશે. આ શૉની પહેલી ઝલક સામે આવી, જેમાં રશ્મિ તદ્દન નવા અને સરપ્રાઈઝિંગ અવતારમાં જોવા મળી. `સયોની' સીરિયલ મુખ્યત્વે એક માતા અને પુત્રી વચ્ચેના ભાવનાત્મક સંબંધો પર આધારિત છે, જેમાં પ્રેમ, ત્યાગ, જુદાઈ અને કિસ્મતના ઉતાર-ચઢાવને સુંદર રીતે વણી લેવામાં આવ્યા છે. અગાઉ `ઉતરન' અને `દિલ સે દિલ તક' જેવા સુપરહિટ શૉ આપી ચૂકેલી રશ્મિ છેલ્લે વર્ષ 2022માં `નાગિન 6'માં નાના રોલમાં જોવા મળી હતી. અંગત જીવનમાં રશ્મિએ ખૂબ જ સંઘર્ષ વેઠ્યો છે. તાજેતરમાં જ તેણે ખુલાસો કર્યો હતો કે છૂટાછેડા, મિસકેરેજ અને ભયંકર આર્થિક તંગીના કારણે એક સમયે તેની પાસે ઘર કે પૈસા પણ નહોતા. આ તમામ મુશ્કેલીઓનો હિંમતભેર સામનો કરીને તે ટીવીની ક્વીન તરીકે કમબેક કરી રહી છે. 

દિલીપ જોશી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોને છોડી રહ્યા છે?

લોકપ્રિય કોમેડી શૉ `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' હાલમાં સોશિયલ મીડિયા પર ભારે ચર્ચામાં છે. આ શૉ ટૂંક સમયમાં જ 18 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યો છે, પરંતુ તે પહેલાં શૉના સૌથી મુખ્ય કલાકાર દિલીપ જોશી એટલે કે જેઠાલાલને લઈને કેટલીક અફવાઓ ઊડી હતી કે તેઓ આ શૉ છોડી રહ્યા છે અથવા તો મેકર્સ દ્વારા આગામી એપિસોડ્સમાં તેમના પાત્ર `જેઠાલાલ'નો સ્ક્રીન ટાઈમ ઘટાડી દેવામાં આવ્યો છે. શૉમાં તાજેતરમાં જ પ્રવેશેલા એક નવા રાજસ્થાની પરિવાર પર વાર્તા કેન્દ્રિત થતાં અને કેટલાક એપિસોડમાં જેઠાલાલ ગેરહાજર જણાતાં ચાહકોમાં ચિંતા વધી ગઈ હતી કે દયાબહેનની જેમ હવે જેઠાલાલ પણ શૉને અલવિદા કહી દેશે. જોકે, આ અફવાઓ પર વિરામ મૂકતા શૉના પ્રોડક્શન હાઉસ અને પ્રવક્તાએ સત્તાવાર ખુલાસો કર્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે દિલીપ જોશી શૉ છોડી રહ્યા નથી અને તેમના રોલને નાનો કરવાની વાતો તદ્દન ખોટી છે. જેઠાલાલ હંમેશાં આ શૉનું મુખ્ય આકર્ષણ રહ્યા છે અને વર્તમાન વાર્તા પણ તેમના પર જ આધારિત છે. 

ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચ અંગે શ્વેતા ક્વાત્રાએ કર્યો ખુલાસો

`કહાની ઘર ઘર કી'માં પલ્લવીના આઇકોનિક પાત્રથી જાણીતી બનેલી અભિનેત્રી શ્વેતા ક્વાત્રાએ ઇન્ડસ્ટ્રીના એક ડાર્ક ફેસ એટલે કે `કાસ્ટિંગ કાઉચ'ને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેણે પોતાની કરિયરની શરૂઆતના દિવસોમાં બનેલી એક કડવી ઘટના શેર કરી છે, જે હાલમાં ભારે ચર્ચામાં છે. શ્વેતાએ જણાવ્યું કે, જ્યારે તે ઇન્ડસ્ટ્રીમાં નવી હતી અને કામની શોધમાં ઓડિશન આપી રહી હતી, ત્યારે તેને એક અત્યંત ખરાબ અનુભવ થયો હતો. એક ઓડિશન દરમિયાન તેને કેમેરા સામે પોતાનાં કપડાં ઉતારવા માટે કહેવામાં આવ્યું હતું. આ સાંભળીને તે સ્તબ્ધ થઈ ગઈ હતી અને તે અસહજ બની ગઇ હતી. જોકે, શ્વેતાએ હિંમત બતાવીને તે શરતનો સ્વીકાર ન કર્યો અને તરત જ ત્યાંથી બહાર નીકળી ગઈ હતી. 


આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો