પ્રખ્યાત ક્રાઇમ પત્રકાર અને લેખક હુસૈન ઝૈદી આજકાલ પોડકાસ્ટ કરી રહ્યા છે. તેમના તાજેતરના પોડકાસ્ટમાં ડાયરેક્ટર સંજય ગુપ્તા ગેસ્ટ બનીને આવ્યા હતા. તેમણે ઝૈદીના પોડકાસ્ટમાં 90ના દાયકાના બોલિવૂડના એ ખતરનાક યુગનો પર્દાફાશ કર્યો હતો, જ્યારે ફિલ્મી પડદા પાછળની દુનિયા ઉપર દાઉદ ઇબ્રાહિમ, અબુ સાલેમ અને છોટા શકીલ જેવા ડોન્સની હુકૂમત ચાલતી હતી. 90ના દાયકામાં મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર અન્ડરવર્લ્ડનો સિકંજો એટલો મજબૂત હતો કે કયા ડાયરેક્ટરે કઈ ફિલ્મ બનાવવી, કયા એક્ટરે કયો રોલ કરવો અને કઈ એક્ટ્રેસે કોની સાથે કામ કરવું, એ તમામ નિર્ણયો આંતરરાષ્ટ્રીય ફોન કોલ્સ દ્વારા નક્કી થતા હતા. એવી કેટલીયે એક્ટ્રેસીસ હતી જેમણે એક કોલ ઉપર આ ડોન્સના મહેમાન બનવું પડતું હતું. ગેંગસ્ટર્સના એક ફોન પર મોટા-મોટા નિર્માતાઓ અને કલાકારો કાંપવા લાગતા. મનીષા કોઇરાલા જેવી તત્કાલીન ટોચની અભિનેત્રીઓ અને અન્ય અનેક કલાકારોએ અન્ડરવર્લ્ડના ઇશારે તથા ધમકીઓના દબાણ હેઠળ ફિલ્મો અને સ્ટેજ શો કરવા પડતા હતા. જે ના પાડે, તેના પર ગોળીઓ ચલાવવામાં આવતી; રાજીવ રાઈ જેવા ડિરેક્ટર પર થયેલો હુમલો કે ગુલશન કુમારની હત્યા તેમજ રાકેશ રોશન ઉપર ચલાવાયેલી ગોળી આ ખૌફના જીવંત પુરાવા હતા.
આ ભયાનક વાતાવરણ વચ્ચે પણ એક એવો કલાકાર હતો જેણે અન્ડરવર્લ્ડની ધમકીઓ સામે ઝૂકવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. સંજય ગુપ્તાએ આ પોડકાસ્ટમાં શાહરુખ ખાનની નીડરતાનો એક રોમાંચક કિસ્સો શેર કર્યો હતો. એ સમયે અબુ સાલેમ શાહરુખ પર સતત દબાણ બનાવી રહ્યો હતો કે તે તેના તરફથી સૂચવવામાં આવેલી ફિલ્મો સાઇન કરે અને અન્ડરવર્લ્ડ દ્વારા આયોજિત સ્ટેજ શોમાં પર્ફોર્મ કરે. પરંતુ શાહરુખે કોઈપણ કિંમતે તેમની શરણાગતિ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.
