શિવાંગી જોશી જેણે `યે રિશ્તા ક્યા કહલાતા હૈ' સીરિયલમાં નાયરાની ભૂમિકા ભજવીને ઘર-ઘરમાં લોકપ્રિયતા મેળવી છે. તેણે તાજેતરમાં પોતાની કરિયરની શરૂઆતના દિવસોના એક કડવા અનુભવ વિશે વાત કરી છે. શિવાંગીએ એક ઈન્ટરવ્યૂ દરમિયાન ખુલાસો કર્યો હતો કે જ્યારે તેણે પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી, ત્યારે શોના સેટ પર સિનિયર કલાકારો અને ક્રૂ મેમ્બર્સ દ્વારા તેની મજાક ઉડાવવામાં આવતી હતી. તેણે જણાવ્યું કે તેને સરખી રીતે ડાયલોગ બોલતા પણ આવડતું નહોતું અને તેના એક્સપ્રેશન્સને લઈને પણ લોકો વારંવાર ટોણા મારતા હતા. સેટ પર થતા આ પ્રકારના વર્તનથી તે ભારે નિરાશ થઈ જતી હતી અને ઘણી વખત વેનિટી વેનમાં જઈને કલાકો સુધી રડતી હતી. તેણે વધુમાં ઉમેર્યું કે આ પ્રકારની મજાક અને ટીકાઓથી ભાંગી પડવાને બદલે આ બાબતને પડકાર તરીકે લીધી. એક્ટિંગ સ્કિલ્સ અને હિન્દી ડાયલોગ ડિલીવરી પર સખત મહેનત કરવાનું શરૂ કર્યું. આજે તે ટીવી ઈન્ડસ્ટ્રીની સૌથી સફળ અને વધુ ફી લેતી અભિનેત્રીઓમાંથી એક છે.
સંઘર્ષ કરવાથી લઈને કરોડોની નેટવર્થ સુધીની સફળ સફર
નાના પડદાની સૌથી અમીર અને સફળ એક્ટ્રેસીસમાંથી એક ગણાતી નિયા શર્મા માટે અહીં સુધી પહોંચવાની સફર આસાન નહોતી. નિયાએ 20 વર્ષની ઉંમરે વર્ષ 2010માં સીરિયલ `કાલી: એક અગ્નિપરીક્ષા'થી ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તે `એક હજારોં મેં મેરી બહના હૈ', `જમાઈ રાજા', `નાગિન 4' અને `લાફ્ટર શેફ્સ' જેવા હિટ શોઝથી ઘર-ઘરમાં જાણીતી બની, પરંતુ કરિયરના શરૂઆતી દિવસોમાં તેણે સખત આર્થિક સંઘર્ષ જોયો હતો. એક ઇન્ટરવ્યૂમાં નિયાએ ખુલાસો કર્યો હતો કે કામ કર્યા પછી પણ પૈસા મેળવવા માટે તેણે પ્રોડ્યૂસર્સ સામે કરગરવું પડતું અને સ્ટુડિયોની બહાર કલાકો સુધી ઊભા રહેવું પડતું હતું. આજે પરિસ્થિતિ સંપૂર્ણ બદલાઈ ચૂકી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ નિયા શર્માની નેટવર્થ લગભગ 75 કરોડ છે. તે એક એપિસોડ માટે એક લાખ ફી વસૂલે છે. શોઝ ઉપરાંત મ્યુઝિક વીડિયો અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સથી પણ તે લાખો કમાય છે.
યુક્તિ કપૂરે કર્યો કાસ્ટિંગ કાઉચ અંગે ખુલાસો
ટેલિવિઝન અભિનેત્રી યુક્તિ કપૂર જેણે `મેડમ સર' અને `સિયા કે રામ' જેવા જાણીતા શોમાં કામ કર્યું છે, તેણે મનોરંજન ઇન્ડસ્ટ્રીના એક કડવા અનુભવ વિશે ખુલાસો કર્યો છે. યુક્તિએ એક ઇન્ટરવ્યૂમાં દિલ ખોલીને વાત કરતાં કહ્યું કે જ્યારે તે કરિયરની શરૂઆતમાં ઓડિશન આપી રહી હતી, ત્યારે એક આધેડ ઉંમરની વ્યક્તિએ તેની સામે અયોગ્ય માગણી મૂકી હતી. તે વ્યક્તિએ યુક્તિને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, "તારે મારી સાથે સૂવું પડશે, તો જ તને રોલ કે કામ મળશે." આ સાંભળીને યુક્તિ ખૂબ જ ડરી ગઈ હતી અને આઘાતમાં સરી પડી હતી. ઈશ્વર પરની શ્રદ્ધા અને ભક્તિ માર્ગે વળતાં મને આ ભયાનક પરિસ્થિતિમાંથી બહાર નીકળવાની શક્તિ અને હિંમત મળી હતી. મેં બાંધછોડ કરવાનો ઇનકાર કરી દીધો અને પોતાની પ્રતિભા અને મહેનતના દમ પર ઈન્ડસ્ટ્રીમાં સ્થાન બનાવવાનો નિર્ણય લીધો.
`પાર્વતી'થી લઈને `અવંતિકા'નો રિયુનિયન લુક વાઇરલ
ભારતીય ટેલિવિઝન ઇતિહાસનો આઇકોનિક શો `કહાની ઘર ઘર કી'ના પ્રસારણને 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે શોની સ્ટારકાસ્ટ ફરી એકવાર એકસાથે જોવા મળી છે. આ ખાસ રિયુનિયનની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહી છે, જેને જોઈને ચાહકો જૂની યાદોમાં ખોવાઈ ગયા છે. આ ખાસ ગેટ-ટુગેધરમાં `પાર્વતી અગ્રવાલ'નું પ્રખ્યાત પાત્ર ભજવનાર સાક્ષી તનવર ઉપરાંત શોની મુખ્ય સ્ટારકાસ્ટ હાજર રહી હતી. તસવીરોમાં શ્વેતા કવાત્રા, અલી અસગર, કિરણ કર્માકર અને રિંકુ ધવન સહિતના કલાકારો એકસાથે ખુશહાલ મૂડમાં જોવા મળ્યાં હતાં. ચાહકો કલાકારોના અદ્ભુત ટ્રાન્સફોર્મેશન અને આજે પણ તેમની વચ્ચે રહેલા એ જ બોન્ડિંગની ભારે પ્રશંસા કરી રહ્યા છે. વર્ષ 2000માં શરૂ થયેલા અને સતત 8 વર્ષ સુધી દર્શકોનાં દિલ પર રાજ કરનારા આ આઇકોનિક શોની યાદો આ રિયુનિયને ફરી તાજી કરી દીધી છે.
વિદેશમાં બાર અને ટૉઇલેટ પેપર ફેક્ટરીમાં વિવેક દહિયાએ કર્યું કામ
દિવ્યાંકા ત્રિપાઠીના પતિ અને જાણીતા એક્ટર વિવેક દહિયા આજે આરામદાયક લાઈફસ્ટાઈલ જીવે છે. એક ઈન્ટરવ્યૂ દરમિયાન તેમણે પોતાના પ્રારંભિક દિવસોના કઠિન સંઘર્ષને યાદ કરતાં ભાવુક થઇ ગયા હતા. વિવેકે જણાવ્યું કે 18 વર્ષની ઉંમરે અભ્યાસ માટે જ્યારે તેઓ યુકે ગયા હતા, ત્યારે પિતા પર નિર્ભર રહેવાને બદલે જાતે કમાઈને આત્મનિર્ભર બનવા માંગતા હતા. શરૂઆતમાં કામ મેળવવા માટે તેમણે શહેરમાં ઘરે-ઘરે અને દુકાનોમાં પોતાના સીવી વહેંચ્યા હતા. આ દરમિયાન તેમણે પોતાના ખર્ચાઓને પહોંચી વળવા માટે બાર, ટૉઇલેટ પેપર ફેક્ટરી, ટીવી ફેક્ટરી, કોલ સેન્ટર અને ડોમિનોઝમાં ડિલીવરી બોય તરીકે પણ કામ કર્યું હતું. તેમણે કહ્યું કે એક ગ્રાહકનું ટેબલ સાફ કરતી વખતે ભૂલથી સ્પ્રે ઊડતા ઝઘડો થયો હતો અને તેના પરિણામે મેનેજરે તેમની પાસે કચરો સાફ કરવાનું કામ કરાવતાં તેમણે તે નોકરી છોડી દીધી હતી. આજે સ્થિતિ અલગ છે.
મોના સિંહે 90 ટકા ઓફર્સ
કેમ નકારી દીધી હતી?
મોના સિંહ પોતાની દમદાર એક્ટિંગ અને વિશિષ્ટ ભૂમિકાઓ પસંદ કરવા માટે જાણીતી છે. મોના સિંહે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે એક સમયે મેં મારી પાસે આવેલી 90 ટકા ઓફર્સને ના પાડી દીધી હતી. `જસ્સી જૈસી કોઈ નહીં' સીરિયલની અભૂતપૂર્વ સફળતા બાદ મારી ઇમેજ એક `ગર્લ નેક્સ્ટ ડોર' એટલે કે ઘરની સીધી-સાદી છોકરી અને સંસ્કારી નારી તરીકે છપાઈ ગઈ હતી. પરિણામે મને એક જ પ્રકારનાં પાત્રોની ઓફર મળતી હતી. કરિયર વિશે વાત કરતાં તેમણે કહ્યું કે, "કરિયર બનાવવામાં 40 ટકા યોગદાન ઇન્ડસ્ટ્રીનું હોય છે, જે તમને પ્લેટફોર્મ અને સ્ક્રિપ્ટ આપે છે, પરંતુ બાકીનું 60 ટકા કામ તમારું પોતાની પસંદગીનું હોય છે." મોનાએ કહ્યું કે માત્ર વિઝિબિલિટી કે પડદા પર દેખાવા માટે કામ કરવાને બદલે તેમણે ધીરજ રાખીને સારા રોલની રાહ જોવાનું પસંદ કર્યું.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો