જાણીતી ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીની તબિયત લથડતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તપાસ દરમિયાન તેને ડેન્ગ્યૂ થયો હોવાનું નિદાન થયું છે. રિપોર્ટ્સ અનુસાર આગામી રિયાલિટી શો `ધ ટ્રેઇટર્સ 2'ના પ્રીમિયર પહેલાં જ તેની તબિયત અચાનક બગડી હતી. અચાનક તાવ અને નબળાઈ અનુભવાતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. હાલમાં ડોક્ટરોની ટીમ તેની સતત દેખરેખ રાખી રહી છે અને તેની સારવાર ચાલી રહી છે.
શ્વેતા તિવારીના હોસ્પિટલમાં દાખલ થવાના સમાચાર સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં જ તેના ચાહકો અને ટીવી ઇન્ડસ્ટ્રીના સાથી કલાકારો ચિંતિત થઈ ગયા છે. ફેન્સ સોશિયલ મીડિયા પર તેના ઝડપી સાજા થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે અને `ગેટ વેલ સૂન'ના મેસેજ પાઠવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે શ્વેતા તિવારી ટીવીજગતનો ખૂબ જ લોકપ્રિય ચહેરો છે અને પોતાની ફિટનેસ માટે જાણીતી છે. તેના ચાહકો આશા રાખી રહ્યા છે કે તે ટૂંક સમયમાં જ સાજી થઈને ઘરે પરત ફરશે અને પોતાના આગામી પ્રોજેક્ટ્સનું શૂટિંગ ફરી શરૂ કરશે.
15 વર્ષ મોટા શાલીન સાથે ઈશાનો સંબંધ તૂટ્યો?
ટીવીજગતના જાણીતા કલાકારો શાલીન ભનોટ અને ઈશા સિંહ વચ્ચેના બ્રેકઅપના અહેવાલોથી સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જાગી છે. તાજેતરમાં સામે આવેલા સમાચાર મુજબ બંનેએ એકબીજાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છે, જેના પછી તેમના અફેર અને બ્રેકઅપની અટકળોએ જોર પકડ્યું છે. ઉલ્લેખનીય છે કે શાલીન ભનોટ અને ઈશા સિંહ વચ્ચે 15 વર્ષની ઉંમરનો તફાવત છે. શાલીન ભનોટ ડિવોર્સી છે અને તે એક બાળકનો પિતા પણ છે. બિગ બોસ અને અન્ય ટીવી શોઝ દ્વારા બંને એકબીજાની નજીક આવ્યાં હતાં અને તેમના ડેટિંગની અફવાઓ લાંબા સમયથી ચાલી રહી હતી. જોકે, બંનેએ ક્યારેય પોતાના સંબંધોને જાહેરમાં સત્તાવાર રીતે સ્વીકાર્યા નહોતા. હવે અચાનક ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરવાને કારણે ચાહકો એવું માની રહ્યા છે કે આ 15 વર્ષ મોટા કલાકાર અને અભિનેત્રી વચ્ચેનો સંબંધ પૂરો થઈ ગયો છે.
અફઘાન ક્રિકેટરની પત્ની બનશે આ બોલ્ડ અભિનેત્રી?
અફઘાન ક્રિકેટર આફતાબ આલમ સાથે ડેટિંગ અને લગ્નની અફવાઓ પર `બિગ બોસ' ફેમ અભિનેત્રી અર્શી ખાને ખૂલીને વાત કરી છે. તેણે આ અફવાઓનું સ્પષ્ટપણે ખંડન કર્યું છે. આફતાબ આલમ સાથે તેનાં લગ્નની વાત સંપૂર્ણપણે અફવા છે. તેણે જણાવ્યું કે આફતાબ પરિણીત છે અને તેને 5 બાળકો પણ છે. આ ઉપરાંત તેણે કહ્યું કે, અફઘાનિસ્તાનના ઘણા ક્રિકેટરો તેના ખૂબ સારા મિત્રો છે, પરંતુ આફતાબ સાથે તેના કોઈ પ્રેમસંબંધ કે લગ્નની યોજના નથી. સોશિયલ મીડિયા પર અર્શી ખાન અને આફતાબ આલમના લગ્નને લઈને સતત ચર્ચાઓ થઈ રહી હતી, પરંતુ આ ઈન્ટરવ્યૂ દ્વારા અર્શીએ અફવાઓનો અંત આણ્યો છે.
જીયા શંકરે બિઝનેસમેન કરણ સાથે સગાઈની કરી જાહેરાત
`બિગ બોસ ઓટીટી 2'થી ઘર-ઘરમાં લોકપ્રિય બનેલી ટીવી અભિનેત્રી જીયા શંકરે સગાઈની જાહેરાત કરી છે. લાંબા સમયથી પોતાના રિલેશનશિપ સ્ટેટસને ગુપ્ત રાખ્યા બાદ જીયાએ સોશિયલ મીડિયા પર પોતાના મંગેતર કરણ ધનક સાથેના રોમેન્ટિક પ્રપોઝલની તસવીરો શેર કરી છે. કરણ ધનક અમેરિકાસ્થિત બિઝનેસમેન છે. ડ્રીમી પ્રપોઝલ દરમિયાન કરણે ઘૂંટણ પર બેસીને જીયાને પ્રપોઝ કર્યું હતું અને હીરાની વીંટી પહેરાવી હતી. આ ભાવુક ક્ષણમાં જીયા પોતાનાં આંસુ રોકી શકી નહોતી. જીયાએ એક ઈમોશનલ નોટ લખીને ખુલાસો કર્યો કે તેઓ બંને લાંબા સમયથી લોંગ-ડિસ્ટન્સ રિલેશનશિપમાં હતાં. તેણે લખ્યું કે, જ્યારે તમે સૌથી ઓછી આશા રાખો છો ત્યારે જ તમને સાચો પ્રેમ મળે છે. જીયાએ સગાઈ કરીને પોતાની લવ લાઈફ પર સત્તાવાર મહોર લગાવી દીધી છે. ફેન્સ આ નવદંપતીને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
ક્રાઇમ પેટ્રોલના હોસ્ટિંગ બદલાવ પર આવ્યું અનુપનું રિએક્શન
ટીવીના લોકપ્રિય ક્રાઇમ શો `ક્રાઇમ પેટ્રોલ'ના ફેસ તરીકે જાણીતા અભિનેતા અનુપ સોનીને લઈને એક સમાચાર જાણવા મળ્યા છે કે, શોમાં તેમની જગ્યાએ બોલિવૂડ સુપરસ્ટાર અજય દેવગન હોસ્ટ તરીકે જોવા મળશે, તેવી ચર્ચાઓ વચ્ચે અનુપ સોનીનું સત્તાવાર નિવેદન સામે આવ્યું છે. જ્યારે અનુપ સોનીને અજય દેવગન દ્વારા રિપ્લેસ કરવા અંગે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે ખૂબ જ વિનમ્ર અને સકારાત્મક પ્રતિક્રિયા આપી હતી. અનુપે જણાવ્યું હતું કે, `લોકો મને આજીવન `ક્રાઇમ પેટ્રોલ' માટે યાદ રાખશે. મેં આ શોને મારા જીવનનાં ઘણાં વર્ષો આપ્યાં છે અને દર્શકો તરફથી મને જે પ્રેમ મળ્યો છે તે અદ્ભુત છે.' તેમણે વધુમાં ઉમેર્યું કે સમય સાથે બદલાવ જરૂરી છે. અજય દેવગન જેવા મોટા સ્ટાર જો આ શો સાથે જોડાય છે, તો તે શો માટે ખૂબ જ સારી બાબત છે. અનુપ સોનીએ સ્પષ્ટ કર્યું કે તેમને કોઈ વાંધો કે નારાજગી નથી, કારણ કે તેમણે પોતે જ એક્ટિંગ કરિયર પર વધુ ધ્યાન આપવા માટે આ શોથી અંતર જાળવવાનો નિર્ણય લીધો હતો.
રિકવરી ફેઝને લઈને દીપિકા કક્કડે ફેન્સને આપી અપડેટ
`સસુરાલ સિમર કા' ફેમ લોકપ્રિય ટીવી અભિનેત્રી દીપિકા કક્કડ ઈબ્રાહિમ પોતાના સ્વાસ્થ્યને લઈને સતત ચર્ચામાં રહે છે. દીપિકા કક્કડે તેની ગંભીર બીમારી વિશે ખુલાસો કરતાં જણાવ્યું હતું કે, તેને લીવર કેન્સરનું નિદાન થયું હતું. ડોક્ટરોએ સર્જરી કરીને તેના લીવરનો 22% ભાગ અને 11 સેન્ટિમીટરની ટ્યુમર દૂર કરી હતી. આ સિવાય તે છેલ્લાં બે વર્ષથી ટાર્ગેટેડ થેરાપી હેઠળ સારવાર મેળવી રહી છે અને હાલમાં રિકવરી ફેઝમાં છે. કેન્સર સામેની આ લડાઈમાં તેનો પતિ શોએબ ઈબ્રાહિમ અને પરિવાર તેની સાથે મજબૂતીથી ઊભો રહ્યો છે. દીપિકા પોતાના યુ ટ્યૂબ વ્લોગ્સ દ્વારા હેલ્થ અપડેટ્સ આપતી રહે છે. મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ સકારાત્મક વલણ રાખવા બદલ તેના ફેન્સ સોશિયલ મીડિયા પર તેનાં વખાણ કરી રહ્યા છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો