હિન્દી સિનેમામાં ગીતોનું અનેરું મહત્ત્વ હોય છે. ગીતો ક્યારેક પગ છૂટા કરવાની સવલત પૂરી પાડે છે, તો ક્યારેક વાર્તાને આગળ વધારવામાં મદદ કરે છે, પરંતુ ખાસ કરીને ગીતોનો ઉપયોગ પ્રેક્ષકોને સતત વાર્તાના પ્રવાહમાંથી થોડીક મિનિટો માટે હળવાશ અનુભવવાની સગવડ પૂરી પાડે છે. ગીતોમાં ગાયકી, સંગીત અને દૃશ્યોનો મેળ જ્યારે અદ્ભુત હોય, ત્યારે ગીતનો આનંદ બમણો થઈ જાય છે. દરેક ગીતોની પોતાની શૈલી હોય છે, પોતાનો લય હોય છે. તાલ હોય છે અને સૂર 

પણ હોય છે.   

કર્ણપ્રિય ગીતો ફક્ત સાંભળવાં ગમે તેવાં હોય છે. એવાં ગીતો જે આંખો બંધ કરીને પણ માણી શકાય, તેમના સૂર, ગીતો અથવા વાદ્યવાદનને કારણે - જેમ કે, ગઝલ, શાસ્ત્રીય સંગીત અથવા સદાબહાર હિન્દી ગીતો. કાનને આનંદદાયક ગીતોનું મૂલ્યાંકન તેમના લય, સૂર દ્વારા કરવામાં આવે છે. જ્યારે કાનને સુખદ લાગતાં ગીતોની વાત આવે છે, ત્યારે કેટલીક ધૂન સીધી હૃદયને સ્પર્શી જાય છે. અમુક ગીતોમાં માત્ર કાન માધુર્ય માણે છે. ખાસ કરીને કાળા-સફેદ સિનેમા યુગમાં દૃશ્યોની સુંદરતા કરતાં સંગીતની મધુરતા સ્વાભાવિક રીતે જ મહત્ત્વપૂર્ણ રહેતી હોવાથી કર્ણપ્રિય ગીત સંગીત વધુ રહેવાનાં. `લગ જા ગલે' (વો કૌન થી); લતા મંગેશકરનો જાદુઈ અવાજ કાળા-સફેદ સિનેમા યુગનાં અદ્ભુત દૃશ્યો સાથે જોડાયેલો છે. યે રાતેં યે મૌસમ નદી કા કિનારા (દિલ્લી કા ઠગ) હોય કે અજીબ દાસ્તાં હૈ યે (દિલ અપના ઔર પ્રીત પરાઈ) આ ગીતોના શબ્દો, ધૂન અને ગાયકી હૃદયને શાંતિ આપનારાં છે.  

નેત્રપ્રિય ગીતો, દૃશ્ય અને સિનેમેટોગ્રાફી માટે ખ્યાતિ પ્રાપ્ત કરનારાં આ ગીતો આંખોને ઠંડક આપે તેવાં લોકેશન અને સુંદર કોરિયોગ્રાફીના કારણે જોવાં ગમે છે. કેટલાંક ગીતો એવાં હોય છે જેને માત્ર તેનાં દૃશ્યો, નૃત્યની મુદ્રાઓ કે સિનેમેટોગ્રાફીને કારણે અવાજ બંધ રાખીને પણ જોઈ શકાય છે. તેમાં સૂર, ગીતો અથવા વાદ્યવાદન ઉપર સૌંદર્યશાસ્ત્ર અથવા કલા નિર્દેશન સરસાઈ પ્રાપ્ત કરે છે. દૃષ્ટિને આનંદદાયક ગીતોમાં શબ્દોનું ખાસ મહત્ત્વ હોતું નથી. અમુક ગીતોમાં માત્ર નેત્રો સૌંદર્ય માણે છે. કેટલાંક અત્યંત આકર્ષક અને યાદગાર ગીતો જે તેમની સિનેમેટોગ્રાફી, શૂટિંગનાં સ્થળો અને ઉત્કૃષ્ટ કોરિયોગ્રાફી માટે જાણીતાં છે. કજરા રે (બંટી ઔર બબલી); અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયને દર્શાવતું ફિલ્માંકન, આ આઇટમ નંબર તેની ઊર્જા અને મનમોહક દૃશ્યો માટે અત્યંત લોકપ્રિય છે. `સાત સમંદર' (વિશ્વાત્મા); ગીતનાં દૃશ્યો અને નૃત્યાંગનાઓનું પ્રદર્શન તેને દૃશ્યની દૃષ્ટિએ મંત્રમુગ્ધ કરી દે તેવું બનાવે છે. સાંવરિયા (સાંવરિયા); વાદળી અને જાદુઈ રંગછટાઓનો ઉપયોગ કરીને ફિલ્માવવામાં આવેલું આ સંપૂર્ણ ગીત કલાત્મકતાનું એક અદ્ભુત ઉદાહરણ છે.  

નેત્રપ્રિય + કર્ણપ્રિય ગીતો સાંભળવામાં અને જોવામાં બંનેમાં શ્રેષ્ઠ હોય છે. આ એવાં ગીતો છે જે સંગીતમાં પણ શ્રેષ્ઠ હોય છે અને સ્ક્રીન પર પણ અદ્ભુત લાગે છે. આંખ અને કાન બંનેને આનંદદાયક ગીત એક ઉત્તમ સોનિક અનુભવને ખૂબ જ શૈલીયુક્ત, સિનેમેટિક સંગીત વીડિઓ અથવા દૃશ્ય પ્રસ્તુતિ સાથે જોડે છે, પરંતુ જ્યારે જે ગીતોમાં કાન માધુર્ય માણે અને આંખ સૌંદર્ય માણે તે ગીતો જબરદસ્ત અસર ઊભી કરે છે. `રૂપ તેરા મસ્તાના' (આરાધના); કિશોર કુમારના ગાયન, રાજેશ ખન્ના અને શર્મિલા ટાગોર અભિનય વ્યક્ત કરતાં મનમોહક દૃશ્ય. `પાની રે પાની' (શોર); વરસાદ અને ભાવનાનું મિશ્રણ વ્યક્ત કરતાં કરુણ દૃશ્ય, જેમાં લતા મંગેશકર અને મુકેશનો અવાજ છે. કભી કભી મેરે દિલ મેં (કભી કભી): સુંદર દૃશ્યો સાથે કાશ્મીરની ખીણોની વચ્ચે ફિલ્માવવામાં આવેલ આ ગીત કાલાતીત રોમેન્ટિક મેલોડી છે. `દિલ ને યે કહા હૈ દિલ સે' (ધડકન) ઉદિત નારાયણ અને અલ્કા યાજ્ઞિક દ્વારા ગવાયેલ, કોરિયોગ્રાફી સાથે જોવા માણવાની અદ્ભુત અનુભૂતિ કરાવે છે. જોકે, દર્શકોના પોતાના સ્વભાવ, રુચિ તેમજ પસંદ પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો