દિગ્દર્શક તરીકે ઈન્દ્ર કુમારની ધમાલ ફોર ફિલ્મ બોક્સઓફિસ પર રિલીઝ થઈ. આમિર ખાન અને અજય દેવગન સાથે ડિરેક્ટર તરીકે કોમેડી, રોમેન્ટિક અને ડ્રામા ફિલ્મો બનાવી અને સફળ પણ રહ્યા. ઈન્દ્ર કુમારનું નામ ભલે બ્રાન્ડ ડિરેક્ટર તરીકે ગુંજતુ ન હોય, પણ સફળ ફિલ્મોના સર્જક તો ખરા જ! વીસમી સદીમાં ફેમિલી એન્ટરટેનઈમેન્ટ વેલ્યૂ સાથે જોડાયેલા ઈન્દ્રકુમારે એકવીસમી સદીમાં મસ્તી ફિલ્મથી એડલ્ટ કોમેડી જોનર તરફ વધુ ભાર મૂક્યો અને એમાં ધમાલનો ઉમેરો થયો એ આખી વાત અલગ છે. ધમાલ અને મસ્તી ફિલ્મોના નામે એક પછી એક ફિલ્મો બનાવનાર ઈન્દ્રકુમારે તેના દીકરા અમનને પણ લોન્ચ કરી જ દીધો.
જેની જે ખેતી હોય એમાં જ તેની પેઢીને જોડતા હોય છે અને એમાં ખોટું પણ નથી, પણ આર્ટના ફિલ્ડમાં ટકવું સહેલું નથી. એન્ટ્રી બાપના નામે મળી જાય, પણ લિટમસ ટેસ્ટ તો દર્શકો જ લે છે અને હવે તો ફિલ્મી ફેમિલી માટે કપરા ચઢાણ છે. ગમે તેવા મોટા ફિલ્મી બેકગ્રાઉન્ડ ધરાવતા હોય તો પણ દર્શકો નકારી દે છે અને ટેલેન્ટને આવકારે છે. ઈન્દ્રકુમારના દીકરાનું નામ અમન છે. સિલ્વર સ્ક્રીન પર અમન ઈન્દ્રકુમાર તરીકે તેનું નામ લખાઈને આવે છે. ગયા શુક્રવારે તેરા યાર હૂં મૈં ફિલ્મ આવી હતી. લગભગ નામ નહીં સાંભળ્યું હોય, પણ આવી ફિલ્મ રિલીઝ થઈ હતી અને તેનો લીડ હીરો અમન હતો. રોમ કોમ ફિલ્મનું ડિરેક્શન મિલાપ ઝવેરીએ કર્યું હતું. અમન કુમારની કરિયરનું સ્ટાર્ટઅપ ફ્લોપ ફિલ્મથી થયું એમ કહી શકાય અને ભારતીય સિનેમાને વધુ એક અર્જુન કપૂર મળ્યો.
એવું નથી કે આ પહેલી વખત થયું. અનેક ફિલ્મકારોએ તેમનાં સંતાનોને સેટ કરવા માટે મહેનત કરી છે, પણ સિલ્વર સ્ક્રીન પર નામ ટકાવી રાખવું લોઢાના ચણા ચાવવા જેવું છે. ગદરથી બોક્સઓફિસ પર સુનામી લાવનાર દિગ્દર્શક અનિલ શર્માએ તેના દીકરાને ઉત્કર્ષ શર્માને સેટ કરવા માટે જિનિયસ કોન્સેપ્ટ દર્શકો સામે રાખ્યો હતો. ઉત્કર્ષની જિનિયસમાં ગદર જેવી ધમાલ ન હતી અને ડિરેક્ટર તરીકે અનિલ શર્મા સુપરફ્લોપ સાબિત થયા હતા. વન્સ અગેઈન એક દિગ્દર્શક પિતા તેના પુત્રની કરિયરને સડસડાટ વેગ આપવામાં નિષ્ફળ રહ્યા છે. ભારતીય સિનેમામાં આ પહેલી એવી ઘટના નથી કે દિગ્દર્શક બાપે તેના દીકરાને સેટ કરવા મરણિયા પ્રયાસ ન કર્યા હોય. અમુક દાખલાઓ ઈતિહાસમાં નામાંકિત થઈ ગયા અને ઘણાનાં નામ પણ યાદ કરવાં મુશ્કેલ છે.
બાપ બેટાની વાત આવે અને તેમાં પણ લોન્ચિંગ માટેની તો શરૂઆત રાજ કપૂરથી જ થાય. વર્ષ 1973માં રાજ કપૂરે ઈતિહાસ રચ્યો હતો. ચોકલેટી બોય લાગતા રિશિ કપૂરને ફિલ્મના પડદે ચમકાવવાનો તખ્તો બોબી ફિલ્મથી ગોઠવ્યો હતો. ત્યારે રિશિની વય એકવીસની આસપાસ હશે. દિગ્દર્શક તરીકે આ ફિલ્મની કમાન રાજ કપૂરે સંભાળી હતી અને રિશિની નૈયા પાર કરાવી દીધી હતી. ફિલ્મ ઐતિહાસિક સફળ રહી હતી. એવરગ્રીન દેવ આનંદે પણ દીકરા સુનિલ આનંદ માટે ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું અને લોન્ચિંગ પેડ તૈયાર કર્યું હતું. દેવ આનંદે વળી ફિલ્મનું નામ પણ આનંદ ઔર આનંદ રાખ્યું હતું. જોકે, આ ફિલ્મ જોઈને દર્શકોને આનંદ નહોતો થયો. હવે તો દર્શકોને એ યાદ પણ નહીં હોય કે સુનિલ આનંદ નામનો કોઈ હીરો ભારતીય ફિલ્મમાં જોવા મળ્યો હતો. વિચિત્ર પણ દર્શકોને ગમે તેવી ફિલ્મો બનાવનાર દિગ્દર્શક રાજકુમાર કોહલીએ વિરોધી ફિલ્મ દ્વારા દીકરા અરમાન કોહલીને પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું. જોકે, અરમાનને સોલો હીરો તરીકેની સફળતા જ નસીબ નહોતી થઈ. સંજય દત્તને ફિલ્મી પડદે ચમકાવવાનું કામ પણ સુનિલ દત્તે દિગ્દર્શક બનીને કર્યું હતું. સુનિલ દત્તે રોકી બનાવી અને સંજય દત્ત માટે સિનેમાનું પ્લેટફોર્મ તૈયાર થઈ ગયું.
ભારતીય સિનેમાના ઈતિહાસમાં પિતા અને પુત્રની સૌથી સફળ જોડી રાકેશ રોશન અને રિતિક રોશનની છે. ધમાકેદાર લોન્ચિંગની વ્યાખ્યા એટલે કહોના પ્યાર હૈ ફિલ્મ. આજે રાકેશ રોશનને પોતાની ફિલ્મોને હિટ કરાવવા માટે રિતિક રોશનનો સહારો લેવો પડે એવું સ્ટારડમ આ બંદાએ પોતાનું ઊભું કર્યું છે. પ્રિયંકા ચોપરાના બોયફ્રેન્ડ તરીકે નામના મેળવનાર હર્મન બાવેજાના પિતા એટલે દિલવાલે જેવી ફિલ્મ બનાવનાર દિગ્દર્શક હેરી બાવેજા. હેરી બાવેજાએ પ્રિયંકા ચોપરા અને હર્મનને ચમકાવતી સાયન્સ ફિક્શન લવસ્ટોરી 2050 ફિલ્મ બનાવી, પણ આ ફિલ્મનું ફિક્શન એટલું ગડમથલવાળું હતું કે દર્શકોએ હર્મનની ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દરવાજા એન્ટ્રીની સાથે જ બંધ કરાવી દીધા.
એક્શન ફિલ્મો માટે જાણીતી દિગ્દર્શક બેલડી અબ્બાસ-મસ્તાનમાંથી અબ્બાસનો દીકરો એટલે મુસ્તફા. મુસ્તફાને લોન્ચ કરવા માટે અબ્બાસે મશીન બનાવી અને આ હાર્ટ મશીન એટલું ડબ્બાડુલ નીકળ્યું કે મુસ્તફાને હીરો તરીકે કોઈ સ્વીકારવા તૈયાર ન થયું. યાદીમાં ઘણાં નામ ઉમેરી શકાય એમ છે અને લેટેસ્ટ યાદી તો ઘણી લાંબી છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો