બોલિવૂડમાં આશરે 30 વર્ષ લાંબી કરિયર અને 100થી વધુ ફિલ્મોમાં શાનદાર કામ કરવા છતાં, સ્ટાર સુનિલ શેટ્ટીનું કહેવું છે કે ફિલ્મ રિલીઝ થતાં પહેલાં થનારી ગભરાહટ અને ચિંતા આજે પણ ખતમ થઈ નથી. સુનિલ શેટ્ટી જણાવે છે કે, મેં ઘણી હિટ ફિલ્મ આપી, પણ ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં થોડો ડર રહ્યા જ કરે છે. પોતાની આગામી મોસ્ટ અવરેટેડ ફિલ્મ `વેલકમ ટુ ધ જંગલ'ની રિલીઝ પહેલાં સુનિલ શેટ્ટીએ ખુલાસો કર્યો કે, બોક્સઓફિસનાં પરિણામોને લઈને આજે પણ તેમના મનમાં એ જ જૂની ઉત્તેજના, તણાવ અને ગભરાહટ બરકરાર રહી છે.
ફિલ્મના બોક્સઓફિસ અંગે શું બોલ્યા અન્ના?
એક મીડિયાના ઇન્ટરવ્યૂમાં સુનિલ શેટ્ટીએ જણાવ્યું કે, કોઈ પણ ફિલ્મની સફળતાનો મોટો આધાર તેના બોક્સઓફિસ કલેક્શન પર નિર્ભર કરે છે. તેમણે કહ્યું, `અહીં બધું જ કલેક્શન સાથે જોડાયેલું છે. એક શુક્રવારે તમે સફળતાના શિખરે હોઈ શકો છો અને બીજા જ શુક્રવારે કદાચ ન પણ હોવ. આ જ કારણે ફિલ્મ રિલીઝ વખતે ઉત્સાહ, તણાવ અને ગભરાહટ હંમેશાં કાયમ રહે છે.'
કલાકારોની આખી ફોજ છે એક `સેફ્ટી નેટ'
જ્યારે સુનિલ શેટ્ટીને પૂછવામાં આવ્યું કે આટલી મોટી ફિલ્મમાં સેફ્ટીનેટ (સુરક્ષા કવચ) શું છે? ત્યારે તેમણે જણાવ્યું કે, `આ ફિલ્મમાં ખૂબ જ શાનદાર અને અધધ દિગ્ગજ સ્ટારકાસ્ટ છે - અક્ષય કુમાર, પરેશજી, જોનીભાઈ, અર્શદ વારસી, તુષાર કપૂર, શ્રેયસ તલપડે, દલેર પાજી અને બીજા ઘણા કલાકારો. આટલા બધા પ્રતિભાશાળી લોકો સાથે કામ કરવાથી એક પ્રકારનું સેફ્ટીનેટ મળી રહે છે.'
તમારી ફિલ્મ સફળ-નિષ્ફળ કે દર્શકોને ગમેશે કે કેમ કેવી રીતે કહી શકાય?
સુનિલ શેટ્ટીએ આગળ વાત વધારતાં કહ્યું, `આ એક ખૂબ જ મનોરંજક ફિલ્મ છે. જોકે, હું પોતે એવું ન કહી શકું કે આ સફળ છે કે નિષ્ફળ કે પછી દર્શકોને ગમશે કે કેમ, કારણ કે દરેક વ્યક્તિનો જોવાનો દૃષ્ટિકોણ અલગ-અલગ હોય છે. જ્યારે અમે શૂટિંગ દરમિયાન કે એડિટિંગમાં ફિલ્મ જોઈએ છીએ, ત્યારે અમને ખૂબ મજા આવે છે, પરંતુ જ્યારે પ્રેક્ષકો શુક્રવારે સિનેમાઘરોમાં તેને જોશે, ત્યારે તેમનો નજરિયો તદ્દન અલગ હોઈ શકે છે.'
ક્યારે રિલીઝ થશે ફિલ્મ `વેલકમ ટુ ધ જંગલ?'
બોલિવૂડની મોસ્ટ અવરેટેડ ફિલ્મ `વેલકમ ટુ ધ જંગલ' 26 જૂનના રોજ સિનેમાઘરોમાં ધૂમ મચાવવા માટે તૈયાર છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને સુનિલ શેટ્ટી ઉપરાંત દિશા પટની, જેક્લિન ફર્નાન્ડિઝ, અર્શદ વારસી, જેકી શ્રોફ, પરેશ રાવલ, રવિના ટંડન, લારા દત્તા, ફરીદા જલાલ, જોની લીવર, શ્રેયસ તલપડે, તુષાર કપૂર, રાજપાલ યાદવ, કૃષ્ણા અભિષેક, કીકુ શારદા, દલેર મહેંદી, આફતાબ શિવદાસાની, મુકેશ તિવારી, યશપાલ શર્મા, કિરણ કુમાર, બોબી દેઓલ અને સુદેશ બેરી જેવાં નામી કલાકારો જોવા મળશે. આ સિવાય પણ બોલિવૂડના ઘણા જાણીતા કલાકારો આ કોમેડી ફિલ્મનો એક મહત્ત્વનો ભાગ છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો