એક કલાકાર તરીકે કેમેરા સામે ઉત્કૃષ્ટ અભિનય કરવો અને વાસ્તવિક જીવનમાં પોતાની ઓળખ જાળવી રાખવી, એ બંને વચ્ચે સંતુલન સાધવું કેટલું અઘરું છે તેનો તાજો પુરાવો અભિનેત્રી તાપસી પન્નુએ આપ્યો છે. લગભગ એક વર્ષ લાંબા સોશિયલ મીડિયા ડિટોક્સ એટલે કે ડિજિટલ દુનિયાથી સંપૂર્ણ અંતર જાળવી રાખ્યા બાદ તાપસીએ ફરી ઓનલાઇન પુનરાગમન કર્યું છે. પાછા ફરતાંની સાથે જ તેણે પોતાના ચાહકોને પૂછ્યું કે તેઓ કેવા પ્રકારનું કન્ટેન્ટ જોવા ઈચ્છે છે, પણ સાથે જ તેણે ગ્લેમર જગતની એક એવી કડવી વાસ્તવિકતા પરથી પડદો ઊંચક્યો જે આજે દરેક કલાકાર અનુભવી રહ્યો છે.  


તાપસીએ ખુલાસો કર્યો કે સોશિયલ મીડિયા પરથી અચાનક ગાયબ થઈ જવા પાછળનું કારણ કોઈ આયોજન નહીં, પરંતુ એક ગૂંગળામણ હતી. તેને સતત એવું લાગવા માંડ્યું હતું કે તે કોઈ અજાણી રેસમાં દોડી રહી છે અથવા તો માત્ર ચર્ચામાં રહેવા માટે કોઈ ટ્રેન્ડનો હિસ્સો બનવા મથામણ કરી રહી છે. વર્ચ્યુઅલ દુનિયામાં વ્યસ્ત રહેવાને બદલે તે પોતાની સાચી જિંદગી જીવવા માંગતી હતી, જેથી તે ત્રણ-ચાર દિવસમાં માંડ એકાદ વાર ફોન ચેક કરતી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વર્ષોથી એક લોજિક ચાલે છે કે કલાકારે પોતાને સોશિયલ મીડિયા પર બહુ એક્સપોઝ ન કરવો જોઈએ, નહીંતર લોકો તેમને થિયેટરમાં પૈસા ખર્ચીને જોવા કેમ આવશે? તાપસીને આ વાત યોગ્ય લાગતી હતી, કારણ કે સતત ઓનલાઇન રહેવાથી તેનો આખો દિવસ વરાળની જેમ ઊડી જતો હતો અને તે વાસ્તવિક જીવનના એ અનુભવોથી વંચિત રહી જતી હતી જે તેને એક બહેતર કલાકાર બનવામાં મદદ કરે છે.  

પરંતુ આ શાંતિ લાંબો સમય ટકી શકી નહીં. લોકો સતત સવાલ પૂછવા લાગ્યા કે તે ક્યાં ગાયબ છે અને તેનું ફીડ માત્ર ફિલ્મો કે બ્રાન્ડ્સ પૂરતું જ સીમિત કેમ છે. આ દરમિયાન જ તેને ઇન્ડસ્ટ્રીના વ્યાપારી ગણિતનો સામનો કરવો પડ્યો. તાપસીને સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું કે આજની તારીખે બ્રાન્ડ્સને એવા ચહેરા જોઈએ છે જે સોશિયલ મીડિયા પર સતત વિઝિબલ અને `હાઇપર-એક્ટિવ' હોય. જો કોઈ સેલિબ્રિટી રોજ પોસ્ટ ન કરે, તો મોટી બ્રાન્ડ્સ તેમની સાથે જોડાવાનું ટાળે છે, કારણ કે આજે કલાકારોનું સોશિયલ મીડિયા એકાઉન્ટ બ્રાન્ડ્સ માટે એક મોટું માર્કેટિંગ ટૂલ બની ગયું છે. 

જોકે, આ આંધળી દોટ સામે સવાલ ઉઠાવતા તાપસીએ સાફ કહ્યું કે જો બ્રાન્ડ્સ મારી પોતાની આગવી ઓળખ જોઈને મારી પાસે આવતી હોય, તો મારે માત્ર દેખાડો કરવા માટે કોઈ બીજાની નકલ કરવાની કોઈ જરૂર નથી.  

આ ડિજિટલ કોલાહલથી દૂર તાપસીએ છેલ્લા ત્રણ મહિના ડેન્માર્કના શાંત વાતાવરણમાં વિતાવ્યા. ભારતમાં ઉનાળા દરમિયાન શૂટિંગની ગતિ ધીમી હોય છે, તેથી તે પોતાનું કામ પતાવીને આ વેકેશન માણવા ઊપડી ગઈ હતી. જો તેના વર્કફ્રન્ટની વાત કરીએ તો, છેલ્લે ફિલ્મ `અસ્સી' માં એક મજબૂત વકીલના પાત્રમાં દેખાયા બાદ, હવે તે ટૂંક સમયમાં જ `વો લડકી હૈ કહાં?' અને 'ગાંધારી' જેવી ઉત્સાહવર્ધક ફિલ્મો સાથે રૂપેરી પડદે ધમાકેદાર પુનરાગમન કરવા સજ્જ છે.  


આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: