બોલિવૂડમાં ટોપ ટેન એક્ટ્રેસીસની હરોળમાં કિયારા અડવાણી પહોંચવાની તૈયારીમાં જ છે. ગત વર્ષે તેમની ફિલ્મ `વોર 2' આવી હતી જે દર્શકોને ખાસ પસંદ ન પડી. અલબત્ત તે સેમી હિટ સાબિત થઇ હતી પરંતુ જે પ્રકારે દર્શકોને ફિલ્મની આશા હતી તે પ્રમાણેની ફિલ્મ બની ન હતી. આ ફિલ્મમાં કિયારા અડવાણીના બિકિની સીન્સ પણ દર્શકોને આકર્ષી ન શક્યા. વધુમાં આ વર્ષે કિયારાની ફિલ્મ `ટોક્સિક' રિલીઝ થવાની હતી પરંતુ તે પણ હવે ક્યારે રિલીઝ થવાની છે તેની ખુદ ફિલ્મ મેકર્સને પણ જાણ નથી! જો આ ફિલ્મ રિલીઝ થઇ ગઇ હોત તો કિયારા અડવાણી કદાચ ટોપ ટેન એક્ટ્રેસીસમાં સ્થાન ચોક્કસ મેળવી શકતા હતા. હાલમાં કિયારા પાસે કેટલીક ફિલ્મો છે જે પાઇપલાઇનમાં છે. કિયારા અડવાણી સમયાંતરે સોશિયલ મીડિયા દ્વારા અને અન્ય રીતે લાઇમલાઇટમાં રહેવાનું સારી રીતે જાણે છે.


ગત જુલાઈમાં પુત્રી સરાયાહના જન્મ પછી એક માતા તરીકે સેટ પર પાછા ફરવાનો અનુભવ કેવો રહ્યો?

પ્રામાણિકપણે કહું તો, હું આને માતૃત્વની રજા પરથી `કમ બેક' નથી ગણતી. મારી ફિલ્મ 'વોર 2' 2025ની મોટી રિલીઝ હતી અને આગામી થોડા સમયમાં જ મારી એક નવી દ્વિભાષી (અંગ્રેજી-કન્નડ) ફિલ્મ પણ આવી રહી છે. મારું કામ સતત ચાલતું જ રહ્યું છે, તેથી તેમાં ગેપ રહ્યો છે તેવું હું નથી માનતી. હા, સેટ પર પાછા આવીને આનંદ જરૂર થયો. પણ હવે મારો દૃષ્ટિકોણ બદલાયો છે. હવે મારા જીવનનો વિસ્તાર થયો છે અને મારું અસ્તિત્વ આ બધી જ વસ્તુઓને સમાવવા માટે વધુ મોટું બન્યું છે.

માતૃત્વ અને કરિયર બંને વચ્ચે સંતુલન રાખવું કેટલું મુશ્કેલ છે?

મારી પુત્રી સરાયાહ કે, જેનો અર્થ `ભગવાનની રાજકુમારી' થાય છે. તેના આવ્યા પછી મારું કરિયર ઓગળી નથી ગયું, પરંતુ તેના અક્ષરો વધુ સ્પષ્ટ થયા છે. સમય હવે વધારે કિંમતી (ટેક્ષ્ચર્ડ) લાગે છે. હું સરાયાહને દૂધ પીવડાવવાની વચ્ચેના સમયમાં કોલ્સ લઉં છું, તે ઊંઘતી હોય ત્યારે સ્ક્રિપ્ટ નેરેશન સાંભળું છું. હું મારા સપનાઓ પર ક્યારેય પોઝ મૂકવા નથી માંગતી. હું ભાગ્યશાળી છું કે મારી પાસે મારી માતા, મારી ટીમ અને મારા હસબન્ડ સિદ્ધાર્થ મલ્હોત્રા જેવા ખૂબ જ સહાયક અને સક્રિય પિતાની સપોર્ટ સિસ્ટમ છે.

તમને `ગુલાબી' રંગ પ્રત્યે વિશેષ લગાવ રહ્યો છે!

હા, નાનપણમાં ગુલાબી રંગ જ મારી આનંદની પ્રથમ ભાષા હતી. રિબન, કપડાં, હેરબેન્ડ બધું જ ગુલાબી ગુલાબી! ઘણા લોકો અવારનવાર આ રંગને નાજુક માનીને નકારી દે છે. પણ મારું માનવું છે કે કોમળતા એ શક્તિની વિરુદ્ધ નથી, તે મજબૂત હોવાની જ એક અલગ રીત છે. સેટ પર લાઈટ બોયઝને નામથી બોલાવીને આભાર માનવો, આસિસ્ટન્ટ્સ જમ્યા કે નહીં તેની ચિંતા કરવી. આ સોફ્ટનેસ એ મારી નજરે એક અન્ડરરેટેડ સુપરપાવર છે. મૂળ હું એક એવી સ્ત્રી છું, જે સ્ત્રીઓને આગળ વધતી જોવા માંગે છે.

શું માતા બન્યા પછી એક્ટ્રેસીસની મહત્વાકાંક્ષાઓ ઓછી થઈ જાય છે?

 ના જરાય નહીં, જ્યારે હું 18 વર્ષની હતી ત્યારે મારા એક્ટિંગ કોચે મારી આ વાત પર હસીને ઉડાવી દીધી હતી કે હું એક વર્કિંગ એક્ટર અને માતા બંને બનવા માંગું છું. પણ આજે હું કહી શકું છું કે હું ક્યારેય આટલી મહત્વાકાંક્ષી નહોતી! માતૃત્વ તમારો વિસ્તાર કરે છે અને તમારી અંદરની અગ્નિને વધુ કેન્દ્રિત બનાવે છે. મેં મારી ગર્ભાવસ્થાના 7 મહિના સુધી શૂટિંગ કર્યું હતું. ભાવનાત્મક સીન ભજવતા પહેલાં હું વેનિટીના બાથરૂમમાં જઈને પેટ પર હાથ મૂકીને મારા બાળકને કહેતી, `` મમ્મી માત્ર એક્ટિંગ કરે છે, આ અસલી નથી.''

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: