ભારતીય જનમાનસના રક્તમાં પૌરાણિક વાર્તાઓ, ઈશ્વરીય ચમત્કારો અને દૈવી આસ્થા સદીઓથી ઊંડે સુધી વણાયેલાં છે. દેશનો પ્રથમ સિનેમા દાદાસાહેબ ફાળકેએ 1913માં રાજા હરિશ્ચંદ્ર બનાવીને શરૂ કર્યું ત્યારથી જ ભારતીય પડદા પર પૌરાણિક કથાઓનો સુવર્ણ ઇતિહાસ રચાયો છે. ધાર્મિક અને આધ્યાત્મિક ફિલ્મોનું પ્રમાણમાં વધઘટ થતું આવ્યું છે, પણ ફિલ્મો બનવાની પ્રક્રિયા યથાવત્ છે. ઘણી ફિલ્મો તો આધ્યાત્મિક ગીતોના સહારે બોક્સઓફિસ પર હિટ રહી છે. છેલ્લા વર્ષોમાં બોક્સઓફિસ પર કાયદેસરના ચમત્કાર થયા છે એમ કહી શકાય. હિન્દી, સાઉથ અને ગુજરાતી બેલ્ટમાં આધ્યાત્મિક ફિલ્મોને મળેલી અસાધારણ સફળતા એક નવો જ ઈતિહાસ બનાવ્યો છે.
જે ગુજરાતી ફિલ્મ પાંચ-દસ કરોડની કમાણીનો આંકડો કરે ત્યાં ઈતિહાસમાં બિગેસ્ટ હિટનું ટેગ મેળવી લે, એ ગુજરાતી સિનેમાની ગુજરાતી ફિલ્મ સો કરોડની કમાણી કરે એ વાત કોઈના માન્યમાં આવે પણ નહીં! પણ ઈતિહાસ બન્યો. લાલો. આ ફિલ્મમાં કોઈ સિનેમેટિક મેજિક ન હતો, પણ સ્ટોરી મેજિક હતો. ગુજરાતી ફિલ્મે જેવો ચમત્કાર કર્યો એવો હિન્દી બોક્સઓફિસ પર હનુમાન અંશ ફિલ્મે કર્યો. આ ફિલ્મ સાથે જોડાયેલા ફિલ્મકારો અને કલાકારોની ફિલ્મી જગતમાં કોઈ સ્ટ્રોંગ પ્રોફાઈલ નથી, પણ માઉથ ઓફ પબ્લિસિટીના દમ પર આ ફિલ્મે સો કરોડની કમાણી કરીને વિક્રમ ઊભો કરી દીધો. નીમ કરોલી બાબાના જીવન પર બનેલી આ ફિલ્મને આખા દેશે વધાવી. હનુમાન અંશ સાત્ત્વિક ફિલ્મ છે. તેની પાસે કોઈ બિગ બેનર ન હતું, પણ ખુદ હનુમાન દાદાનું નામ હતું. આ ફિલ્મની સફળતા એ ચમત્કારથી કમ નથી.
હિસ્ટોરિકલ ફ્લેશબેકમાં જઈએ તો 1975માં જ્યારે શોલે જેવી મેગા એક્શન ફિલ્મો રિલીઝ થઈ હતી, ત્યારે જ અત્યંત મામૂલી બજેટમાં વિજય શર્મા નિર્દેશિત ફિલ્મ જય સંતોષી મા રિલીઝ થઈ હતી. અનિતા ગુહા અને કાનન કૌશલ અભિનીત આ ફિલ્મે દેશભરમાં ધાર્મિક જુવાળ પેદા કર્યો હતો. લોકો સિનેમાઘરો બહાર પગરખાં ઉતારીને અંદર પ્રવેશતા અને પડદા પર નાળિયેર વધેરતા હતા! તે જ રીતે બાબુભાઈ મિસ્ત્રીની પૌરાણિક ફિલ્મો સંપૂર્ણ રામાયણ કે એન. ટી. રામારાવની પૌરાણિક તેલુગુ કૃતિઓ હંમેશાં લોકપ્રિય રહી હતી. આ આધ્યાત્મિક બ્લોકબસ્ટર ફિલ્મની કડીમાં પાવરપંચ આપવાનું કામ કાંતારા ફિલ્મે કર્યું એમ પણ કહી શકાય. હવે તો બિગ બજેટની ફિલ્મો પણ બનવા લાગી છે, પણ એમાં વાર્તા કરતાં વધુ દેખાડો હોય છે. સત્ત્વ ભાવે બનેલી આ ફિલ્મો ચમત્કારિક હિટ થઈ છે. 2022માં કન્નડ સિનેમામાંથી આવેલી રિષભ શેટ્ટીની ફિલ્મ કાંતારાએ માત્ર કર્ણાટકમાં જ નહીં, આખા ભારતમાં સફળતા મેળવી હતી. કર્ણાટકની પ્રાચીન ભૂત કોલા પરંપરા અને પંજુરલી દૈવની અડગ દૈવી આસ્થા પરની આ ફિલ્મના સંગીતની ધૂન સૌથી વધુ હિટ થયેલી અને આજે પણ રીલ્સમાં બેકગ્રાઉન્ડ તરીકે સૌથી વધુ ઉપયોગ થાય છે. ફિલ્મનો ક્લાઈમેક્સ જ્યારે શરૂ થાય છે અને રિષભ શેટ્ટીના શરીરમાં દૈવી શક્તિ પ્રગટ થાય છે ત્યારે સિનેમાહોલ સ્તબ્ધ થઈ જતો હતો. આ કોઈ સામાન્ય એક્શન સીન નહોતો, પરંતુ લોકસંસ્કૃતિ અને ઈશ્વરીય ક્રોધાવેશનું અદ્ભુત પ્રાગટ્ય હતું. માત્ર 16 કરોડમાં બનેલી ફિલ્મે વૈશ્વિક સ્તરે 450 કરોડથી વધુનો બિઝનેસ કરીને સાબિત કર્યું કે વાસ્તવિક સાંસ્કૃતિક મૂળિયાં પ્રેક્ષકોને ઘેલા કરે છે.
આ જ શ્રેણીમાં તેલુગુ ફિલ્મ ઉદ્યોગે 2024માં સંક્રાંતિ પર હનુમાન ફિલ્મ આપીને સમગ્ર દેશને આશ્ચર્યચકિત કરી દીધો. દિગ્દર્શક પ્રશાંત વર્મા દ્વારા સર્જિત આ સુપરહીરો ફિલ્મમાં તેજા સજ્જા, અમૃતા ઐયર, વરલક્ષ્મી સરથકુમાર અને વિનય રાયે મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી. સામાન્ય રીતે હોલિવૂડના માર્વેલ કે ડીસીના સુપરહીરો કાલ્પનિક વિજ્ઞાનમાંથી પ્રેરિત હોય છે, પરંતુ પ્રશાંત વર્માએ ભારતની સનાતન પૌરાણિક તાકાતનો આધાર લીધો. ફિલ્મની સૌથી મોટી યુએસપી એ હતી કે અંજલિપુરી નામના કાલ્પનિક ગામમાં વસતા એક નિર્દોષ યુવકને ભગવાન હનુમાનજીના રક્તબિંદુમાંથી અલૌકિક રુધિરામણિ પ્રાપ્ત થાય છે અને તેમાંથી હનુમાન પ્રગટ થાય છે. સીમિત બજેટ છતાં વર્લ્ડ ક્લાસ વીએફએક્સ અને ક્લાઈમેક્સમાં હનુમાનજીની ભક્તિપૂર્ણ પાવરફુલ ઉપસ્થિતિએ સમગ્ર દેશનાં સિનેમાઘરોને જય શ્રીરામના નારાથી ગજવી મૂક્યાં હતાં.
આ ફિલ્મે વિશ્વભરમાં 300 કરોડથી વધુનો વકરો મેળવીને ભારતીય પૌરાણિક સુપરહીરો યુનિવર્સનો પાયો નાખ્યો. એનિમેશન વર્લ્ડમાં ભારતની ફિલ્મોની કોઈ ખાસ ઓળખ નથી. આ કેટેગરીમાં નવી ઓળખ ઊભી કરનારી ફિલ્મ મહાવતાર નરસિમ્હાએ બોક્સઓફિસ પર બમ્પર સક્સેસ મેળવી હતી.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો