સામાન્ય રીતે સિનેમામાં જ્યારે થ્રિલર કે હોરર ફિલ્મની વાત આવે, ત્યારે આપણા મગજમાં કોઈ ખૂની, ભૂત કે અદૃશ્ય શક્તિઓનો વિચાર આવે છે. આપણને ડર લાગે છે કે કબાટની પાછળથી કે પલંગની નીચેથી કોઈ અચાનક હુમલો કરશે, પણ જરા વિચારો, જો તમારી સાથે કોઈ જ છળકપટ ન થઈ રહ્યું હોય, તમારી આસપાસના લોકો એકદમ સામાન્ય હોય, પણ વિલન તરીકે ખુદ તમારું પોતાનું જ મગજ તમારી સાથે રમત રમવા માંડે તો? દુનિયામાં એનાથી મોટો કોઈ ભય કે હોરર હોઈ જ ન શકે, જ્યારે માણસને પોતાના જ અસ્તિત્વ અને પોતાની જ આંખો પર વિશ્વાસ ન રહે. ડિમેન્શિયા (ભૂલવાની બીમારી) પર આજ સુધી ઘણી ઈમોશનલ ફિલ્મો બની છે, પણ મોટાભાગની ફિલ્મો દર્શકોને દયા ખાવા મજબૂર કરે છે. આ પરંપરાને તોડીને દર્શકના મગજના તાર ખેંચી નાખતી અને જાણે બીમાર માણસના મગજની અંદર જ કેમેરા
ગોઠવી દેતી વર્ષ 2020ની ઓસ્કાર વિજેતા માસ્ટરપીસ ફિલ્મ એટલે : ધ ફાધર.
ફ્રેન્ચ ડિરેક્ટર અને નાટ્યકાર ફ્લોરિયન ઝેલરની આ ફિલ્મ કોઈ મેડિકલ ડ્રામા નથી. આ એક પ્યોર સાઇકોલોજિકલ થ્રિલર છે. અત્યાર સુધી આપણે બીમાર માણસને દર્શક તરીકે જોતા આવ્યા છીએ. આપણે જોઈએ કે બિચારો વૃદ્ધ ભૂલી ગયો છે અને તેની દીકરી કે પરિવારજનો હેરાન થઈ રહ્યા છે, પણ `ધ ફાધર' સિનેમાના વ્યાકરણને ઊંધું કરી નાખે છે. ડિરેક્ટરે આપણને સીધા 80 વર્ષના વૃદ્ધ એન્થોની (એન્થોની હોપકિન્સ)ના મગજની અંદર બેસાડી દીધા છે. એન્થોની લંડનના પોતાના આલિશાન ફ્લેટમાં રહે છે. તે અત્યંત બુદ્ધિશાળી, જિદ્દી અને સ્વતંત્ર માણસ છે, જેને કોઈની દયા કે મદદ નથી જોઈતી. તેની દીકરી એન (ઓલિવિયા કોલમેન) તેની દેખભાળ રાખવા આવે છે, પણ એન્થોની તેને ખખડાવી નાખે છે.
શરૂઆતમાં આપણને એન્થોની માટે સહાનુભૂતિ થાય છે અને એવું લાગે છે કે દીકરી કદાચ તેનો ફ્લેટ પડાવી લેવા માટે કોઈ ષડ્યંત્ર રચી રહી છે, પણ પછી અચાનક પડદા પર જાદુ (કે ભયાનક રમત) શરૂ થાય છે. એન્થોની ડ્રોઈંગ રૂમમાંથી રસોડામાં જાય છે અને પાછો ફરે છે ત્યારે ડ્રોઈંગ રૂમની દીવાલનો રંગ બદલાઈ ગયો હોય છે! ફર્નિચર ગોળ ફરવા લાગે છે. એક સીનમાં દીકરી દરવાજો ખોલીને અંદર આવે છે, ત્યારે એન્થોનીની સાથે સાથે દર્શક તરીકે આપણે પણ ચોંકી જઈએ છીએ, કારણ કે એ ચહેરો દીકરી એનનો નથી, કોઈ સાવ અજાણી સ્ત્રીનો હોય છે. એન્થોની ગુસ્સે થાય છે, બૂમો પાડે છે કે, `તું કોણ છે? મારી દીકરી ક્યાં છે?' પેલી અજાણી સ્ત્રી કહે છે, `પપ્પા, હું જ તમારી દીકરી છું!' આ ફિલ્મોનો અસલી વિલન કોઈ માણસ નહીં, પણ ફિલ્મનું પ્રોડક્શન ડિઝાઇન અને એડિટિંગ છે. ફ્લોરિયન ઝેલરે ચતુરાઈપૂર્વક એક જ ફ્લેટના લેઆઉટમાં ધીમા ધીમા ફેરફારો કર્યા છે. ક્યારેક બારી બહારનું દૃશ્ય બદલાઈ જાય, તો ક્યારેક ડાઈનિંગ ટેબલની ખુરશીઓ અદૃશ્ય થઈ જાય. સમય આગળ-પાછળ કૂદકા મારે છે. દર્શક તરીકે આપણને પણ ગૂંગળામણ થવા લાગે છે કે આખરે સાચું શું છે? આ ફ્લેટ કોનો છે? આ લોકો કોણ છે? અને એ જ સમયે આપણને વાસ્તવિકતાનો જબરદસ્ત ફટકો પડે છે. આ ગૂંગળામણ, આ કન્ફ્યૂઝન એ બીજું કંઈ નહીં, પણ ડિમેન્શિયાથી પીડાતા એક વૃદ્ધ માણસનો રોજબરોજનો નરક જેવો અનુભવ છે.
ફિલોસોફિકલ દૃષ્ટિએ આ ફિલ્મ અસ્તિત્વવાદનો સૌથી કડવો સવાલ પૂછે છે. માણસની ઓળખ શું છે? આપણે કોણ છીએ? આપણો અહંકાર, આપણું જ્ઞાન, આપણો ભૂતકાળ આ બધું જ આપણી સ્મૃતિઓના પાયા પર ઊભું છે. ફ્રેન્ચ ફિલોસોફર ડેકાર્ટે કહ્યું હતું, `હું વિચારું છું, એટલે મારું અસ્તિત્વ છે', પણ જ્યારે માણસ સરખું વિચારી જ ન શકે, જ્યારે મગજની હાર્ડડિસ્ક જ કરપ્ટ થઈ જાય, ત્યારે એ માણસના અસ્તિત્વનું શું? આ ફિલ્મ બતાવે છે કે ઉંમર અને બીમારી માણસના અહંકારને કેવો કચડી નાખે છે. એક સમયે જે માણસ પોતાના ઘરનો રાજા હતો, તે સમય જતાં એક ડરેલા અસહાય બાળકમાં ફેરવાઈ જાય છે.
એન્થોની હોપકિન્સે આ ફિલ્મ માટે બેસ્ટ એક્ટરનો ઓસ્કાર જીત્યો હતો અને તે સો ટકા વાજબી છે. ફિલ્મનો અંતિમ સીન સિનેમાના ઈતિહાસના સૌથી હૃદયદ્રાવક દૃશ્યોમાંનો એક છે. એન્થોની એક નર્સના ખભા પર માથું ઢાળીને નાના બાળકની જેમ રડતાં રડતાં કહે છે : `મને એવું લાગે છે જાણે મારાં બધાં જ પાંદડાં ખરી રહ્યાં છે. મારી ડાળીઓ, પવન, વરસાદ - મને હવે કશું જ સમજાતું નથી. આ ડાયલોગ સાંભળ્યા પછી તમારી આંખમાં આંસુ પણ સુકાઈ જશે અને એક ભયાનક સુન્નતા વ્યાપી જશે.
`ધ ફાધર' વૃદ્ધાવસ્થાની એ અનિવાર્ય ટ્રેજેડીનો જીવંત દસ્તાવેજ છે જેની તરફ આપણે બધા જ ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ. જો તમને કોઈના પર ગુસ્સો આવતો હોય, કોઈનો અહંકાર નડતો હોય, તો આ ફિલ્મ જોઈ લેજો. સમજાઈ જશે કે માણસની તમામ સિદ્ધિઓ અને સત્તાનો અંત આખરે ખરી પડતાં પાંદડાંઓમાં જ થવાનો છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો