માર્વેલ સિનેમેટિક યુનિવર્સનો બોક્સઓફિસ પર ઘટી રહેલા દબદબાને બ્રાન્ડ ન્યૂ સ્પાઈડમેને ફરીથી ધમધમતો કરી દીધો એમ કહી શકાય. માર્વેલ જે રીતે ઈન્ફિનિટી સાગા અને મલ્ટિવર્સ સાગાના નામે ફિલ્મ અને વેબસીરિઝ બનાવીને સુપરહીરોની વેલ્યૂ ક્રેક કરી રહી હતી એમાં ફરીથી પ્રાણ ફૂંકવાનું કામ સ્પાઈડરમેનના નવા ભાગે કર્યું છે. પહેલાંનો વખત હતો કે સુપરહીરો ફિલ્મોને રિલીઝ થવામાં બે-ત્રણ વર્ષ લાગતાં હતાં અને ક્રેઝ ક્રિએટ થતો હતો. માર્વેલની માફક ડીસી કોમિક્સના પણ એવા જ હાલ છે. સુપરહીરોમાં સ્પાઈડરમેન અને બેટમેનની પકડ સૌથી પાવરફુલ છે. માર્વેલની ધ અેવેન્જર્સની સફળતા પાછળ પણ બધા સુપરહીરોને એક મંચ પર લાવીને સિનેમેટિક ફોર્મ્યુલમાં ગોઠવવાની કળા જ છે. માર્વેલની સ્ટોરી સાધારણ હોય છે, પણ રજૂઆત અસાધારણ હોય છે અને એટલે જ બોક્સઓફિસ પર રોકડી કરી લેવામાં તેની માસ્ટરી છે. ભારતીય બોક્સઓફિસ પર સ્પાઈડરમેનની બેટિંગ ધુરંધરની સ્પીડે ચાલી રહી છે. બે દિવસમાં સો કરોડનો આંકડો પાર કરી લીધો અને પહેલા દિવસનું બોક્સઓફિસ કલેક્શન એકસઠ કરોડથી વધુનું હતું.
સિનેવર્લ્ડના સૌથી પાવરફુલ હીરોની ઓનસ્ક્રીન સ્ટોરી 1977ના વર્ષથી જ શરૂ થઈ ગઈ હતી. એ અરસામાં સ્પાઈડરમેન પર ફિલ્મો બની પણ ગ્લોબલ સક્સેસનો સિક્કો તો 2002ના વર્ષથી શરૂ થયો. પીટર પાર્કર નામનો સ્પાઈડરમેન દુનિયા આખીને 2002થી ગમવા લાગ્યો. ક્રાઈમ, થ્રિલર અને હોરર ફિલ્મોમાં હથોટી ધરાવતાં સૈમ રૈમીને માર્વેલે સ્પાઈડરમેનને સુપરહીરો બનાવવાનું કામ સોંપ્યું હતું. ટોબી મેગ્વાયરને સ્પાઈડરમેન તરીકે દુનિયાની સામે 2002ના વર્ષમાં લોન્ચ કરવામાં આવ્યો અને માર્વેલની સૌથી મોટી સફળ ફિલ્મ બની. એટલું જ નહીં, એ વર્ષે દુનિયાની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં સીધી છઠ્ઠા નંબરની ફિલ્મ સ્પાઈડરમેન બની હતી. આ ફિલ્મમાં સ્પાઈડરમેનનો લવ ઈન્ટરેસ્ટ ક્રિસ્ટન ડન્સ્ટ બની હતી. સૈમ રૈમીએ સ્પાઈડરમેનના ત્રણ ભાગ બનાવ્યા અને ત્રણેય ભાગને સુપરસક્સેસનો સ્ટેમ્પ મળ્યો હતો. ક્રિસ્ટોફર નોલને બેટમેનની આખી સીરિઝને સુપર બ્લોકબસ્ટર બનાવી હતી, એ જ રીતે સૈમ રૈમીએ સ્પાઈડરમેનને નવો અવતાર આપીને દુનિયાભરમાં સુપરહીરો બ્રાન્ડને મજબૂત બનાવી હતી.
સ્પાઈડરમેન ફોર આવશે એવી વાતો થઈ, પણ એ માત્ર અફવા જ સાબિત થઈ હતી. માર્વેલે સ્પાઈડરમેનનો હીરો બદલવા તેની બ્રાન્ડમાં જ ફેરફાર કરવાનું નક્કી કર્યું. પીટર પાર્કર તરીકે આખી દુનિયા સામે ટોબી મેગ્વાયર હિટ હતો, પણ જે સ્ટોરીનો સમયકાળ હતો એમાં હવે ટોબીની વય વધી ગઈ હતી એટલે ટોબીની જગ્યાએ એન્ડ્ર્યુ ગારફિલ્ડની એન્ટ્રી કરાવવામાં આવી. સાથે જ સ્પાઈડરમેનની બ્રાન્ડને 2012ના વર્ષમાં નવરંગ આપતા ધ અમેઝિંગ સ્પાઈડરમેનથી લોન્ચ કરવામાં આવી. માર્ક વેબે ફિલ્મનું ડિરેક્શન કર્યું હતું અને એન્ડ્રુયુ સાથે
ધ અમેઝિંગ સ્પાઈડરમેન 2 બનાવવામાં આવી. એમ્મા સ્ટોવ લીડિંગ લેડી હતી અને સ્પાઈડરમેનની બ્રાન્ડ પર ફિલ્મે માર્વેલની તિજોરી પણ છલકાવી દીધી હતી. બે ભાગ સાથે આ આખી ટોળકીની યાત્રા પૂર્ણ થઈ અને 2017ના વર્ષમાં નવા રૂપરંગ સાથે માર્વેલે સ્પાઈડરમેનને દુનિયાની સામે લાવવાનું નક્કી કર્યું.
આ વખતે માર્વેલના અન્ય સુપરહીરો સાથે સ્પાઈડરમેનની એન્ટ્રી કરાવતાં ટોમ હોલેન્ડને સુપરહીરો બનાવાયો. જોન વોટ્સે ફિલ્મનું ડિરેક્શન કર્યું હતું અને ઝેન્ડ્યાનું લીડિંગ લેડી તરીકે ફિલ્મજગતમાં ડેબ્યૂ થયું. ટોમ હોલેન્ડને દુનિયાએ સ્પાઈડરમેન તરીકે આવકાર આપ્યો અને માર્વેલે સૌથી વધુ કોઈ હીરોને સ્પાઈડરમેન બનાવ્યો હોય તો એ ટોમ હોલેન્ડ છે. પહેલા પાર્ટનું નામ સ્પાઈડરમેન હોમ કમિંગ રાખવામાં આવ્યું. બીજો ભાગ 2019માં સ્પાઈડરમેન ફાર ફ્રોમ હોમ અને ત્રીજો ભાગ સ્પાઈડરમેન નો વે હોમના નામ સાથે રજૂ કરવામાં આવ્યો હતો. ત્રણેય ફિલ્મનું ડિરેક્શન જોન વોટ્સે જ કર્યું હતું. જોકે, સ્પાઈડરમેન બ્રાન્ડ ન્યૂનું ડિરેક્શન ડેસ્ટિન ડેનિયલ ક્રેટને કર્યું છે. ડિસ્ટિને માર્વેલ માટે આ પહેલાં શંગ ચી એન્ડ ધ લિજેન્ડ ઓફ ધ ટેન રિંગ્સનું ડિરેક્શન કર્યું હતું.
સ્પાઈડરમેન બ્રાન્ડ ન્યૂ ડે ગ્લોબલ બોક્સઓફિસ પર બુલેટ ટ્રેનની સ્પીડથી ચાલી રહી છે, પણ ભારતમાં જે રીતે રેકોર્ડ પર રેકોર્ડ ઊભા કરી રહી છે એ જોતાં લાગે છે ભારતીય ફિલ્મોના જ વિક્રમોને ધ્વસ્ત કરી નાખશે. હોલિવૂડ ફિલ્મોનો ભારતમાં પ્રભાવ વધી રહ્યો છે. ક્રિસ્ટોફર નોલનની ધ ઓડિસી ફિલ્મે પણ ઈન્ડિયામાં બ્લોકબસ્ટર સક્સેસ મેળવી છે. માર્વેલ કોમિક્સની ધ અેવેન્જર્સનો ઓપનિંગ રેકોર્ડ હતો એ સ્પાઈડરમેન બ્રાન્ડ ન્યૂ ડેએ તોડી નાખ્યો. ભારતમાં હોલિવૂડની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં આ ફિલ્મ સૌથી આગળ નીકળી જાય એવાં એંધાણ છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો