આપણા સિનેમારસિક દિમાગની એક બહુ મોટી નબળાઈ છે. જ્યારે પડદા પર સારી રીતે ભયાનક, ક્રૂર અને ભ્રષ્ટ દુનિયા બતાવવામાં આવે ત્યારે આપણને અનાયાસે જ લાગવા માંડે છે કે આ કોઈ સત્યઘટના હશે, કારણ કે આજના સમયમાં આપણે માણસાઈના પતનથી એટલા ટેવાઈ ગયા છીએ કે સિસ્ટમની ક્રૂરતા આપણને કાલ્પનિક લાગતી જ નથી. વર્ષ 2004માં આવેલી હોલિવૂડ ફિલ્મ મેન ઓન ફાયર આ જ મનોવિજ્ઞાન પર રમે છે. મેક્સિકો શહેરમાં થતા અપહરણ અને ખંડણીના બિઝનેસની આ કાલ્પનિક વાર્તા પડદા પર એવી ગંભીરતાથી રજૂ થઈ છે કે દર્શકો તેને એક રિઅલ લાઈફ ડોક્યુમેન્ટરી માની લે છે. હકીકતમાં એ જ સારી ફિલ્મની સફળતા છે. ભવિષ્યની દુનિયામાં કદાચ ભ્રષ્ટાચાર અને હિંસાની આવી ક્રૂરતા જ આપણો કાયમી દસ્તાવેજ બની રહેવાની છે.  

આ ફિલ્મનો અસલી હીરો કદાચ કોઈ એક્ટર નથી, પણ તેનો ડિરેક્ટર ટોની સ્કોટ છે. આ એક એવો ડિરેક્ટર હતો જેણે સિનેમાના પ્રસ્થાપિત વ્યાકરણને ફગાવીને પોતાની જ એક અનોખી દૃશ્યભાષા ઊભી કરી હતી. આખી ફિલ્મમાં અમુક ઠેકાણે આવતી ધૂંધળી ફ્રેમ્સ, અચાનક આવતા જમ્પ કટ્સ અને ઘણા ડાર્ક કલર ટોન જોવા મળે છે. સિનેમેટોગ્રાફર અને ડિરેક્ટરનો આ ક્રિએટિવ નિર્ણય હતો. દર્શકને પરિસ્થિતિની ગંભીરતા અને માહોલની ગૂંગળામણ અનુભવાય એનો આ સફળ મૌલિક પ્રયાસ હતો. ફિલ્મના નાયક જ્હોન ક્રિસીની અંદર જે મનોવૈજ્ઞાનિક ઊથલપાથલ ચાલી રહી છે તેનું આ દૃશ્યમાન સ્વરૂપ છે. તેનો ખાલીપો પ્રેક્ષકોને સ્પર્શવો જોઈએ. એક એવો માણસ જે આખો દિવસ દારૂના નશામાં ડૂબેલો રહે છે અને જેને પોતાના અસ્તિત્વ માટે નફરત છે, તેની નજરે દુનિયા આવી જ ધૂંધળી અને અસ્તવ્યસ્ત દેખાતી હોય. ટોની સ્કોટનું અત્યંત આત્મવિશ્વાસથી ભરેલું ડિરેક્શન દર્શકને સીધા એ આલ્કોહોલિક અને હતાશ માણસની દુનિયામાં લઈ જાય છે.   

ડેન્ઝેલ વોશિંગ્ટને જ્હોન ક્રિસીના પાત્રમાં જે સમતુલા જાળવી છે તે અદ્ભુત છે. ક્રિસી એક ભૂતપૂર્વ સીઆઈએ એજન્ટ છે, જેણે પોતાના ભૂતકાળમાં એટલાં બધાં પાપ કર્યાં છે કે હવે તેને જીવવામાં કોઈ રસ નથી રહ્યો, પણ જ્યારે તેને મેક્સિકોના એક અમીર પરિવારની નાનકડી બાળકીની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવે છે ત્યારે તે બાળકી ક્રિસીના થીજી ગયેલા હૃદયમાં માણસાઈનો તણખો મૂકે છે. પછી જ્યારે એ જ સિસ્ટમના ભ્રષ્ટ લોકો એ બાળકીનું અપહરણ કરે છે ત્યારે ક્રિસીની અંદરનો ખૂંખાર માણસ શાંત રીતે ફરીથી જાગે છે. અહીં હોલિવૂડના દિગ્ગજ અભિનેતા ક્રિસ્ટોફર વૉકનનો નાનો રોલ હોય, પણ તેમણે એઝ યુઝ્વલ અદ્ભુત કામ કર્યું છે. વૉકનનો એ સંવાદ આખી ફિલ્મનો નિચોડ છે, જેમાં તે એક ઓફિસરને સમજાવતા કહે છે કે ક્રિસીની કળા મૃત્યુ છે અને તે હવે મેક્સિકોમાં પોતાનું માસ્ટરપીસનું સર્જન કરવા જઈ રહ્યો છે.  

ફિલ્મનો ઉત્તરાર્ધ જોકે અપેક્ષા કરતાં થોડો નબળો પડે છે. પ્રથમ હાફમાં જે રીતે મેક્સિકો શહેરની ભીડભાડ, ત્યાંનો વ્યવસ્થિત ભ્રષ્ટાચાર અને એક તૂટેલા માણસની સાઇકોલોજી બિલ્ડ કરવામાં આવી હતી, તે જોઈને લાગે કે આપણે કોઈ બહુ મોટા ચિત્ર તરફ જઈ રહ્યા છીએ, પણ બીજા હાફમાં ફિલ્મ એક સીધીસાદી બદલાની વાર્તા બની જાય છે. ક્રિસી એક પછી એક ગુનેગારોને શોધીને અત્યંત ક્રૂરતાથી મારતો જાય છે. એક બૌદ્ધિક સિનેમા તરીકે જે ઊંડાણ પ્રથમ અડધા ભાગમાં હતું, તે પાછળની એક્શન સિક્વન્સમાં ક્યાંક ખોવાઈ જાય છે. છતાં પણ કોઈ પણ પ્રકારના પસ્તાવા વિનાની આ ગણતરીપૂર્વકની હિંસા દર્શકને સ્ક્રીન સાથે જકડી રાખે છે.  

મેન ઓન ફાયર એ વાતનું સચોટ ઉદાહરણ છે કે ક્યારેક એક સારો ડિરેક્ટર માત્ર પોતાની ટેક્નિકલ માસ્ટરી અને વિઝનથી એક સામાન્ય રિવૅન્જ ડ્રામાને ક્લાસિક સર્જનની ઊંચાઈએ પહોંચાડી શકે છે. આજે જ્યારે આપણે ચારે બાજુ ન્યાયતંત્રની નિષ્ફળતા અને ગુનેગારોનો બેફામ બનતો વ્યાપ જોઈએ છીએ, ત્યારે ક્રિસી જેવો કોઈ માણસ આવીને સિસ્ટમનો સફાયો કરે તેવી આપણી આંતરિક ઈચ્છાને આ ફિલ્મ 

સંતોષે છે. 

આખરે આપણે એવા સમાજમાં જીવીએ છીએ જ્યાં હવે કોઈને ઈશ્વરના ન્યાયની રાહ જોવી નથી, સૌને હાથમાં બંદૂક પકડીને પોતાનો ન્યાય જાતે જ કરી લેવો છે.  

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો