છેલ્લા એક દાયકાથી સિનેમાના બૌદ્ધિક વર્ગમાં એક અજીબ પ્રકારનો રોગ ફેલાયો છે : ક્રિસ્ટોફર નોલનની ફિલ્મો ન સમજાય તો પણ તેને `મહાન' કહી દેવાની મજબૂરી! `ટેનેટ' અને `ઓપનહાઇમર' જેવી બોરિંગ ફિલ્મ પછી એવો અઘોષિત નિયમ બની ગયો છે કે નોલનની ફિલ્મ જોવા જવું એ સિનેમા માણવા કરતાં પોતાની બૌદ્ધિકતા સાબિત કરવાની કોઈ પરીક્ષા વધુ હોય જાણે, પણ પેપરલીકના સમયમાં આવી ખોટી પરીક્ષાઓ પણ લાંબો સમય ચાલતી નથી. ગ્રીક મહાકાવ્ય પરથી બનેલી નવી ફિલ્મ `ધ ઓડિસી' સાબિત કરે છે કે જો કોઈ સર્જક પાસે મૌલિક દૃષ્ટિકોણ ખૂટી પડે, તો માત્ર મોટા કેમેરા અને બજેટથી સિનેમાનો આત્મા નથી જગાડી શકાતો. આ ફિલ્મ કોઈ અન્ય ડિરેક્ટરે બનાવી હોત તો આપણે મલ્ટિપ્લેક્સના મોંઘા પોપકોર્નનો વાંક કાઢીને ઘરે જતા રહ્યા હોત, પણ આ નોલન છે એટલે લોકો આ ફિલ્મને ગમાડી રહ્યા છે. આ પ્રાથમિક મનોવિજ્ઞાન છે કે મોંઘું એટલે સારું. મોંઘું ખરીદ્યા પછી ગ્રાહકને એ ગમવાનું જ.
સૌથી પહેલી વાત. કોઈ પણ હોલિવૂડ ફિલ્મમેકરે એ સમજવું પડશે કે આ ભારત છે; અહીંની ઓડિયન્સ કોઈ `બિગિનર્સ' નથી કે તમે મુંબઈના જૂના ઈરાની કેફેમાં મસ્કાબન સાથે ચા પીને તેમને ઈમ્પ્રેસ કરી શકો. જે દેશમાં સવા અબજ લોકો રામાયણ અને મહાભારતના માહોલમાં જ જન્મે છે, જીવે છે અને મરે છે, તેમને આ હોમરની વાર્તા સાવ પાયાના સ્તરની લાગે તે સ્વાભાવિક છે. પશ્ચિમ માટે હોમર બહુ જ પૂજનીય હશે, પણ જે પ્રજાએ ચક્રવ્યૂહમાં પ્રવેશતા અભિમન્યુનું મનોવિજ્ઞાન, પેઢીઓને ભસ્મ કરી શકે તેવાં રહસ્યો રાખનારા કુંતીની પીડા, ઓળખ માટે કણસી રહેલા કર્ણની મૂંઝવણ અને અંગત અપમાનને મહાયુદ્ધમાં ફેરવી નાખનારી દ્રૌપદીનો અગ્નિ જોયો છે, તેને એક ભટકતો રાજા, એક આંખવાળો રાક્ષસ અને લોભામણાં ગીતો ગાતી જળપરીઓ સાવ બાલિશ લાગે તે સ્વાભાવિક છે. હોમરના આ મહાન કાવ્યનો આખો ક્લાઈમેક્સ એ છે કે હીરો ધનુષ પર પ્રત્યંચા ચઢાવે છે (સ્વયંવર). આપણે ત્યાં તો મહાકાવ્યોની વાર્તા જ સ્વયંવરથી શરૂ થાય છે અને કોઈ ખાલી ધનુષનો ટંકાર કરે તોય દેવતાઓના આસન હલી જાય છે.
બીજી સૌથી મોટી નિરાશા છે ફિલ્મની ભવ્યતા. ફિલ્મ જોતી વખતે સતત સવાલ થાય કે 250 મિલિયન ડોલરનું બજેટ ગયું ક્યાં? સમુદ્રનાં જે ભયાનક તોફાનો દેખાડ્યાં છે, તેના કરતાં વધુ સારા વિઝ્યુઅલ્સ આપણે `લાઈફ ઓફ પાઈ'માં જોઈ ચૂક્યા છીએ. કોઈ જ ભવ્ય યુદ્ધનાં દૃશ્યો નથી. પેલો ઐતિહાસિક ટ્રોજન ઘોડો સાવ વામણો લાગે છે અને રાક્ષસો કોઈ થાકેલા વૃદ્ધ જેવા લાગે છે. અંડરવર્લ્ડ હેડીઝનાં દૃશ્યો જોઈને એવું પ્રતીત થાય જાણે કોઈ સસ્તા સ્માર્ટફોનમાં એપનું ફ્રી વર્ઝન વાપરીને સસ્તું બેકગ્રાઉન્ડ બનાવ્યું હોય! આ ફિલ્મમાં `300' કે `ટ્રોય' (Troy) જેવી ફીલિંગ આવતી નથી. આઇમેક્સ માત્ર એક ફોર્મેટ છે, એનાથી કોઈ દૃશ્યમાં જીવ નથી ફૂંકી શકાતો.
કાસ્ટિંગમાં તો જાણે નોલને હોલિવૂડની `મેટ ગાલા' ઇવેન્ટ ચલાવી છે. અજાણ્યા પ્રદેશમાં ખોવાઈ જવા માટે નોલનને `માર્શિયન' અને `ઈન્ટરસ્ટેલર' પછી ફરીથી મેટ ડેમન જ મળ્યો છે! લુપિટા ન્યોંગો ઉત્તમ અભિનેત્રી છે, પણ જેના માટે આખી સંસ્કૃતિઓ સળગી જવા તૈયાર હોય, એ `હેલન'ના પાત્રનું આકર્ષણ તેઓ ઊભું કરી શક્યા નથી. એક ભારતીય, એક ચાઈનીઝ, એક ટ્રાન્સજેન્ડર વગેરેને ગ્રીક લશ્કરમાં કાસ્ટ કરવાનો નિર્ણય ગ્લોબલ ઓડિયન્સને ખુશ કરવા માટે અને `વોક' ચેકલિસ્ટ પૂરું કરવા લેવાયેલો `કોમર્શિયલ ઈન્સ્યોરન્સ' છે, ક્રિએટિવ કારેજ નથી. આખું પ્રાચીન ગ્રીક વિશ્વ સાવ `અમેરિકનાઈઝ્ડ' થઈ ગયું છે, જાણે આધુનિક અમેરિકનો માઇથોલોજીનાં કપડાં પહેરીને ફરતા હોય!
નોલને ગોથું ખાધું છે વાર્તાના મૂળ હાર્દને સમજવામાં. તેમણે એક મહાકાવ્યમાં બાલિશ `એન્ટિ-વોર' (યુદ્ધ વિરોધી) થીમ ઘુસાડી દીધી છે. મૂળ વાર્તામાં ઓડિસિયસને ટ્રોજન હોર્સના છળકપટ પર ગર્વ હતો, પણ નોલનનો હીરો એ કપટ માટે આખી ફિલ્મમાં અપરાધભાવ અનુભવ્યા કરે છે! આ તો એવી વાત થઈ કે મહાભારતમાં ભીમ દુર્યોધનની જાંઘ તોડ્યા પછી આખી જિંદગી પસ્તાવો કર્યા કરે કે `મેં ગદાના નિયમો કેમ તોડ્યા?' ક્લાઈમેક્સમાં જ્યારે ઓડિસિયસ ધનુષ પર પ્રત્યંચા ચઢાવે છે અને દુશ્મનોને મારે છે, ત્યારે નોલને એ આખો સીન અડધા અંધારામાં શૂટ કર્યો છે. 18 વર્ષના ઇન્તઝાર પછીનો એ ક્લાઈમેક્સ કોઈ `કિલ બિલ'ના એક્શન સીન જેવો લાગે છે, જેમાં કોઈ નવીનતા નથી.
ટૂંકમાં, નોલને હોમરને મોટો કર્યો પણ તેનું ઊંડાણ ન બતાવ્યું. કાશ, આ ફિલ્મ રિડલી સ્કોટ કે સ્ટીવન સ્પીલબર્ગ જેવા સર્જકે બનાવી હોત! જો તમારે કોઈ યોદ્ધાને યુદ્ધ પછી ઘેર પાછા ફરવાની અને પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસમાંથી પસાર થવાની મજબૂત વાર્તા જ જોવી હોય, તો સિલ્વેસ્ટર સ્ટેલોનની `રેમ્બો: ફર્સ્ટ બ્લડ' જોઈ લેજો અને ઓડિસીની સાચી મજા લેવી હોય તો કોએન બ્રધર્સની `ઓ બ્રધર વ્હેર આર્ટ ધાઉ' જોવી. બાકી, અબજો ડોલરના ખર્ચે બનેલી આ ઓર્ડિનરી ફિલ્મ `ધ ઓડિસી' ન જોઈએ તો જીવનમાં કંઈ ગુમાવવા જેવું નથી.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો