તમન્ના ભાટિયાની હિન્દીમાં હિટ ફિલ્મની તમન્ના ફાઈનલી પૂરી થઈ! તમન્નાનું નામ સોશિયલ મીડિયાથી લઈને સિલ્વર સ્ક્રીન પર ગુંજતું જ રહે છે. મિલ્કી બ્યૂટીથી તમન્નાની અલાયદી ઓળખ છે. બ્યૂટી વિથ એક્ટિંગ સ્કેલ પણ તમન્નાનો સારો છે. એટલે જ લાંબા ગાળાની ફિલ્મી કરિયરમાં તમન્નાનું નામ હજુ પણ ટકી રહ્યું છે. સાઉથમાં તમન્નાના નામે હિટ, સુપરહિટ અને બ્લોકબસ્ટર ફિલ્મોની લાંબી યાદી છે, પણ હિન્દીમાં તેના નામે કોઈ ખાસ ગજ વાગ્યો ન હતો, પણ તમન્નાને ધ વન ફોર્સ ઓફ ધ ફોરેસ્ટ ફળી. આમ પણ ભારતીય સિનેમામાં ફોકલોર એટલે કે લોકવાર્તા, લોકકથા, લોકવિદ્યા, લોકસંસ્કૃતિ અને લોકસાહિત્યની પરંપરાગત ફિલ્મો બનવા પર જોર વધ્યું છે. તમન્નાની ધ વન પણ એ પૈકીની જ એક છે એમ કહી શકો.
ધ વનની વાત કરતાં પહેલાં તેના કસબીઓ વિશે જાણવા જેવું છે. આ ફિલ્મનું ડિરેક્શન દીપકકુમાર મિશ્રાએ કર્યું છે. દીપકકુમારની ઓળખ સિનેવર્લ્ડમાં એક વાક્યમાં આંકવી હોય તો એટલું જ કહેવું પડે કે દીપકકુમાર એ બીજું કોઈ નહીં, પણ પંચાયત વેબસીરિઝના ડિરેક્ટર! ભારતમાં સૌથી વધુ જોવાયેલી વેબસીરિઝના ડિરેક્ટરની આ ફર્સ્ટ ફીચર ફિલ્મ છે. દીપકકુમારે પંચાયત વેબસીરિઝથી ભારતીય ગ્રામીણ વાસ્તવિકતાનું પુનર્જીવન કરવાનું કામ કર્યું હતું. ધ વનમાં તેમણે લોકકથા અને સુપર નેચરલનું કોમ્બિનેશન કરીને તમન્ના ભાટિયાને હિન્દી ફિલ્મમાં હિટનું ટેગ અપાવવાનું કામ કર્યું છે. તમન્ના સાથે સોલો લીડમાં સિદ્ધાર્થ મલ્હોત્રા છે. સિદ્ધાર્થની ફિલ્મી કરિયર પણ ભટકી ગયેલી જ હતી. કિયારા અડવાણી સાથેનાં લગ્ન એ જ તેના છેલ્લા વર્ષોની લાઈમલાઈટ કહી શકાય. થેન્ક ગોડ, મિશન મજનૂ, યોદ્ધા અને પરમ સુંદરીનું રિઝલ્ટ ખાસ ન હતું. સિદ્ધાર્થને પણ ધ વાન ફિલ્મથી બેકઅપ મળી ગયું છે.
બિહારની લોકકથાઓ અને પૌરાણિક માન્યતાઓના બેકડ્રોપ પર આખી ફિલ્મ છે. સદીઓ જૂની વનદેવીના મંદિરની આસપાસ વણાયેલી માન્યતાઓ પર આ ફિલ્મની કથા લખવામાં આવી છે. વાર્તા એક તર્કવાદી અને આધુનિક વિચારસરણી ધરાવતા યુવકની આસપાસ ફરે છે, જે શહેરમાંથી પોતાના વતનના ગામડે પરત ફરે છે. ગામના જંગલમાં સૂર્યાસ્ત પછી પ્રવેશવા પર પ્રાચીન કાળથી પ્રતિબંધ હોય છે. સ્થાનિક લોકોની આ શ્રદ્ધાને અંધશ્રદ્ધા ગણીને તે પ્રતિબંધિત જંગલમાં પગ મૂકે છે અને ત્યારબાદ તેનો સામનો જંગલ તથા પ્રાચીન દેવી સાથે સંકળાયેલી અલૌકિક અને રહસ્યમય શક્તિઓ સામે થાય છે.
ધ વનના નામે બોક્સઓફિસ પર રેકોર્ડબ્રકિંગ ધમાલ નથી મચી, પણ તમન્ના ભાટિયાની આ ફર્સ્ટ હિન્દી સોલો હિટ છે.
તમન્નાની બોલિવૂડ ફિલ્મોગ્રાફી ફ્લોપના ટેગથી ભરેલી છે, પણ લેટેસ્ટ રિલીઝ ધ વાન ફિલ્મે ફાઈનલી તેને સફળતાનો સિમ્બોલ અપાવ્યો. મિલ્કી બ્યૂટીથી સોશિયલ મીડિયાથી સિલ્વર સ્ક્રીન સુધી પોપ્યુલર તમન્નાએ કરિયરનું સ્ટાર્ટઅપ હિન્દી ફિલ્મથી જ કર્યું હતું, પણ તેની સફળતાનો જશ દક્ષિણ પ્રાંતીય ફિલ્મોમાં જ લખાયેલો રહ્યો હતો. તમિલ, તેલુગુ અને હિન્દીમાં તમન્નાએ લીડ એક્ટ્રેસમાં પોતાના નામની અલગ શાખ ઊભી કરી છે. બોલિવૂડમાં બોક્સઓફિસ પર ફિલ્મી સફળતા જોઈએ એવી નથી, પણ તમિલ, તેલુગુમાં તમન્નાનો ગ્રાફ સુપરસ્ટ્રોંગ હિટ છે.
તમન્નાએ પંદર-સોળ વર્ષની વયે સિલ્વર સ્ક્રીન પર એક્ટ્રેસ તરીકે એન્ટ્રી લઈ લીધી હતી. 2003ના વર્ષમાં ચાંદ સા રોશન ચહેરા અભિનેત્રી તરીકેની ફર્સ્ટ ફિલ્મ હતી. ફિલ્મ સુપરફ્લોપ થઈ, પણ આ ફિલ્મથી દક્ષિણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દરવાજા ખૂલી ગયા. તેલુગુ ફિલ્મ શ્રી અને તમિલ ફિલ્મ કેડીથી સાઉથમાં ડેબ્યૂ કર્યું.
તમન્નાની ઓનસ્ક્રીન હિટ જર્ની તેલુગુ ફિલ્મ હેપ્પી ડેઝથી શરૂ થઈ ગઈ. ત્યારબાદ તમિલ ફિલ્મ કલ્લુરીએ પણ સારો એવો ચમકારો કર્યો અને કોલેજિયન ટ્રેન્ડમાં તમન્નાનું નામ ગુંજતુ થઈ ગયું. સાઉથ સ્ટાર સૂર્યા સાથે એક્શન થ્રિલર ફિલ્મ અયાનમાં જોડી હિટ થઈ. 2009ના વર્ષમાં હિટની હેટ્રિક લાગી અને તમન્નાનું સ્ટારડમ સાઉથ સુપરસ્ટાર સાથે હિટ થવા લાગ્યું. પૈયા, સો ટકા લવ, રાછા, તડાખા, કેમેરામેન ગંગાથો રામબાબુ જેવી ફિલ્મો કરતાં કરતાં તમન્નાના હાથે બાહુબલી ફિલ્મથી લોટરી લાગી. દક્ષિણ પ્રાંતના સીમાડા પાર કરીને તમન્નાને ગ્લોબલ ઓળખ મળી.
બાહુબલી પહેલા તમન્નાએ હિન્દીમાં એન્ટ્રી લઈ લીધી હતી. અજય દેવગનની હિમ્મતવાલા ફિલ્મ અને સૈફ અલી ખાન સાથે હમશકલ્સ ફિલ્મ કરી. આ બંને ફિલ્મનું દિગ્દર્શન સાજિદ ખાને કર્યું હતું અને તમન્નાની બોલિવૂડ એન્ટ્રીને સુપર ફ્લોપ કરી નાખી. અક્ષય કુમાર સાથે એન્ટરટેઈનમેન્ટ કરી, પણ મનોરંજન જેવું ફિલ્મમાં કંઈ હતું જ નહીં. વળી, ફરી બોલિવૂડથી તમન્નાનું અંતર વધી ગયું, પણ સ્ત્રી પાર્ટ 2 ફિલ્મના આજ કી રાત ગીતે ફિલ્મને 600 કરોડથી વધુની કમાણી કરાવી દીધી હતી.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો